ગુજરાત

gujarat

વડોદરામાં તૌકતે વાવાઝોડાની અસર બાદ રિસ્ટોરેશનની કામગીરી શરૂ

By

Published : May 19, 2021, 7:10 PM IST

તૌકતે વાવાઝોડાને લઈને વડોદરા શહેરમાં વીજ થાંભલાઓ, વૃક્ષો તેમજ રસ્તાઓ તૂટવાની ઘટનાઓ સામે આવી હતી. વાવાઝોડાનું જોખમ પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રિસ્ટોરેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.

વડોદરામાં તૌકતે વાવાઝોડાની અસર બાદ રિસ્ટોરેશનની કામગીરી શરૂ
વડોદરામાં તૌકતે વાવાઝોડાની અસર બાદ રિસ્ટોરેશનની કામગીરી શરૂ

  • તૌકતે વાવાઝોડાએ વડોદરામાં સર્જી તારાજી
  • શહેરભરમાં એક દિવસમાં 163 ઝાડ પડ્યા
  • તંત્ર દ્વારા તમામ વિસ્તારોમાં રિસ્ટોરેશનની કામગીરી પૂરજોશમાં

વડોદરા: તૌકતે વાવાઝોડાની અસરથી શહેરમાં સોમવારે સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. જ્યારબાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદે શહેરમાં તારાહી સર્જી હતી. આજે એટલે કે બુધવારે રાજ્ય પરથી તૌકતેનું જોખમ ઘટી ગયા બાદ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં થયેલા નુક્સાનનું રિસ્ટોરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

વડોદરામાં તૌકતે વાવાઝોડાની અસર બાદ રિસ્ટોરેશનની કામગીરી શરૂ

MGVCLએ ક્ષતિગ્રસ્ત 85 પૈકી 59 થાંભલાઓ રિસ્ટોર કર્યા

વાવાઝોડાના કારણે શહેરમાં 85 વીજ થાંભલાઓ ક્ષતિગ્રસ્ત થયા હતા. જે પૈકી MGVCLની વિવિધ ટીમ દ્વારા રાતોરાત 59 થાંભલાઓની ક્ષતિ દૂર કરી હતી. આ ઉપરાંત શહેરી વિસ્તારના 21 પૈકી 13 અને ગ્રામ્ય વિસ્તારમાં 96 ફીડર પૈકી 24માં વીજ પ્રવાહ યથાવત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વાવાઝોડા દરમિયાન 11 કોવિડ હોસ્પિટલમાં વીજ પ્રવાહ ખોટકાયો હતો. જેને પણ ત્વરિત શરૂ કરી દેવામાં આવ્યો હતો.

વાવાઝોડા દરમિયાન 163 વૃક્ષો થયા ધરાશાયી

તૌકતે વાવાઝોડા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 163 વૃક્ષો ધરાશાયી થયા હતા. કેટલાક વૃક્ષો જાહેર માર્ગો પર પડ્યા હોવાથી રસ્તાઓ પણ બંધ થઈ ગયા હતા. આ તમામ વૃક્ષો ફાયર બ્રિગેડ તેમજ વન વિભાગ દ્વારા હટાવવામાં આવ્યા હતા અને લોકો માટે વાહન વ્યવહાર યથાવત કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડના સૂત્રો તરફથી જાણવા મળ્યા મુજબ, વાવાઝોડાની અસરથી શહેરમાં કુલ 11 કાચા મકાનો તેમજ ઝૂંપડા તૂટી પડ્યા હોવાની માહિતી મળી રહી છે.

વાવાઝોડા બાદ જનજીવન પુનઃ શરૂ

તૌકતે વાવાઝોડાના પ્રચંડ પવન અને વરસાદના કારણે બે દિવસથી હેરાન-પરેશાન નાગરિકોએ વાવાઝોડાની તિવ્રતા એકદમ ઘટી જતા રાહતનો દમ લીધો છે. પવનની ગતિ મંદ પડ્યા બાદ ત્રીજા દિવસે મિની લોકડાઉન વચ્ચે જનજીવન પુનઃ ધબકતું થઇ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ABOUT THE AUTHOR

...view details