ગુજરાત

gujarat

દયાની દેવી: સયાજી હૉસ્પિટલના ભાનુમતી ઘીવાલાની રાષ્ટ્રીય કક્ષાના 'ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડ' માટે પસંદગી

By

Published : Sep 9, 2021, 2:49 PM IST

ભાનુમતી ઘીવાલાની રાષ્ટ્રીય કક્ષાના 'ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડ' માટે પસંદગી

ભાનુમતી ઘીવાલા સયાજી હૉસ્પિટલ અને ખાસ કરીને સ્ત્રીરોગ અને પ્રસૂતિ વિભાગમાં દર્દીઓ અને સ્ટાફમાં 'ભાનુ સિસ્ટર'ના હુલામણા નામે જાણીતાં છે. ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલે 2020ના 'ફ્લોરેન્સ નાઇટિંગેલ રાષ્ટ્રીય એવોર્ડ' માટે તેમની પસંદગી કરી છે.

  • ભાનુમતી ઘીવાલા રાષ્ટ્રીય કક્ષાના 'ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડ' માટે પસંદ થયા
  • સયાજી હોસ્પિટલમાં 'ભાનુ સિસ્ટર'ના હુલામણા નામે જાણીતા
  • ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે
  • દર્દીઓની સારસંભાળની ઉમદા સેવા માટે આ એવોર્ડ આપવામાં આવે છે
  • સપ્તાહના 6 દિવસની નોકરી પછી રવિવારે રામકૃષ્ણ મિશનની બાળ સેવા પ્રવૃત્તિમાં યોગદાન આપે છે

વડોદરા: ભાનુમતી ઘીવાલા સયાજી હૉસ્પિટલ અને ખાસ કરીને સ્ત્રીરોગ અને પ્રસૂતિ વિભાગમાં દર્દીઓ અને સ્ટાફમાં 'ભાનુ સિસ્ટર'ના હુલામણા નામે જાણીતાં છે. તેમનું આખું નામ ભાનુમતી સોમાભાઈ ઘીવાલા છે. ભારતીય ઉપચર્યા પરિષદ એટલે કે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલે નર્સિંગના ક્ષેત્રમાં પદ્મશ્રી ગણાય તેવા 2020ના 'ફ્લોરેન્સ નાઇટિંગેલ રાષ્ટ્રીય એવોર્ડ' માટે તેમની પસંદગી કરી છે, જેનાથી સયાજી હૉસ્પિટલ અને આખા ગુજરાતના નર્સિંગ પરિવારનું ગૌરવ વધ્યું છે.

ભાનુબેને કોરોનાથી જરાય ડર્યા વગર કોરોના કાળમાં જે ફરજો અદા કરી તેની પ્રશંસા

નર્સિંગ પ્રોફેશનના આદ્યસ્થપાક ગણાય તેવા અને જેમને આખી દુનિયા 'દયાની દેવી' કે 'લેડી વિથ ધી લેમ્પ'ના નામે ઓળખે છે તેવા ફ્લોરેન્સ નાઈટિંગેલનું નામ જેની સાથે જોડાયેલું છે તેવો આ એવોર્ડ કરુણા અને માનવતા, સહૃદયતા અને સંવેદનાથી મઘમઘતી સમર્પિત દર્દી સેવા માટે આપવામાં આવે છે. તેની પસંદગી રાષ્ટ્રીય સ્તરે થાય છે. ભાનુબેને અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં નર્સિંગની તાલીમ પૂરી કરીને રાજ્યની આરોગ્ય સેવામાં રાપરથી કારકિર્દી શરૂ કરી હતી. તે પછી પાલનપુર અને 2000ની સાલથી વડોદરામાં સેવા આપી રહ્યાં છે.

અલ્ટરનેટિવ બર્થિંગ પોઝિશનની તાલીમ મેળવી

ચંદીગઢમાં ગાયનેક નર્સિંગની વિશેષ તાલીમ મેળવી

ભાનુબેને સરકારી આરોગ્ય સેવામાં રહીને ચંદીગઢમાં ગાયનેક નર્સિંગની વિશેષ તાલીમ મેળવી છે અને તે પછી એન.પી.એમ.ની લાયકાત પ્રાપ્ત કરી છે. પ્રસુતિને લગતી નર્સિંગ સેવાઓમાં તેમની નિપુણતા સલામત પ્રસૂતિ અને માતા અને નવજાત શિશુની સ્નેહ સાથે સારસંભાળ લેવાની ધગશને પગલે તેમને મોટેભાગે લેબર રૂમની ફરજો સોંપવામાં આવે છે. તેઓ કહે છે કે, "આ એક એવી ફરજ છે જે તબીબો, નર્સિંગ અને સહાયક સ્ટાફના સંપૂર્ણ સંકલન અને સહયોગથી સફળ થાય છે. સયાજીમાં અમે એક ટીમ તરીકે કાર્ય કરીને અઘરામાં અઘરી પ્રસૂતિ અને બાળસંભાળના પડકારોનો સફળ સામનો કરી શકીએ છીએ."

રવિવારે રામકૃષ્ણ મિશનના સેવક તરીકે કલાલી કેન્દ્રમાં ત્રણ કલાક બાળ આરોગ્ય સંભાળની સેવાઓ આપે છે

અલ્ટરનેટિવ બર્થિંગ પોઝિશનની તાલીમ મેળવી

ભાનુબેન જણાવે છે કે, "અમે મનમાં દૃઢ થઈ ગયેલી પરંપરાગત રીતે પ્રસૂતિ કરાવતા, પહેલાથી ચાલી આવતી પ્રથાને અનુસરતા. જો કે 2019માં અલ્ટરનેટિવ બર્થિંગ પોઝિશનની તાલીમ લીધા પછી સગર્ભા/ પ્રસૂતાને ચલાવવી, બેસાડવી, લિક્વિડ ખોરાક આપવો, કસરત કરાવવી જેવી બાબતોને અમારી કામગીરીમાં વણી લીધી છે."

પ્રસૂતિ વૉર્ડના ચારેય તરફ ભરાયેલા પાણી વચ્ચે સતત ત્રણ દિવસ ફરજ બજાવી

તેમણે જણાવ્યું કે, "બે વર્ષ અગાઉ વિશ્વામિત્રીમાં આવેલા ઘોડાપૂર વખતે વૉર્ડની ચારેય તરફ પાણી ફરી વળ્યા હતા. મગરોને ફરતા જોઈ શકાતા. તે વખતે સતત ત્રણ દીવસ રેસીડેન્ટ તબીબો અને સહાયક સ્ટાફ સાથે બજાવેલી ફરજો આજે પણ યાદ આવે છે."

પ્રથમ કોરોનાગ્રસ્ત સગર્ભાની પ્રસૂતિ

સયાજી હૉસ્પિટલમાં કોરોનાથી ચેપગ્રસ્ત પ્રથમ સગર્ભાની પ્રસૂતિની પડકારજનક કામગીરી સાથે તેઓ જોડાયેલા હતા. તે સમયે આ રોગ અંગે આખા રુક્મણી ચેનાની પ્રસૂતિ ગૃહમાં ભયની લાગણી વ્યાપેલી હતી. માતા અને નવજાત બાળકને અલગ રાખવા પડ્યા ત્યારે માતાનું કલ્પાંત જોઈને ભાનુબેનનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. તેઓ બીજા દિવસે વહેલા હોસ્પિટલ પહોંચી ગયાં. nicuમાં રાખવામાં આવેલા બાળકનો વિડીયો ઉતારી માતાને મોબાઈલ કરી તેને આશ્વસ્ત કરી હતી. આ ઘટના પછી તેમણે સામે ચાલીને પ્રસુતાઓ માટેના કોરોના વોર્ડમાં ફરજો માંગી લીધી હતી.

સપ્તાહના સાતેય દિવસ દર્દીઓ માટે કરે છે કામ

ભાનુબેન અઠવાડિયાના 6 દિવસની સરકારી ફરજો પછી રવિવારે રામકૃષ્ણ મિશનના સેવક તરીકે કલાલી કેન્દ્રમાં ત્રણ કલાક બાળ આરોગ્ય સંભાળની સેવાઓ આપે છે. આમ,તેઓ લગભગ સપ્તાહના સાતેય દિવસ દર્દીઓની પરિચર્યામાં વ્યસ્ત રહેવાની સાથે પારિવારિક સારસંભાળની કાળજી સુપેરે લે છે. ભાનુબેને કોરોનાથી જરાય ડર્યા વગર કોરોના કાળમાં જે ફરજો અદા કરી તેની પ્રશંસા કરતાં વહીવટી નોડલ અધિકારી ડો. બેલીમ ઓ.બી.એ જણાવ્યું કે, કોરોના સંક્રમિત સગર્ભાની સામાન્ય પ્રસૂતિ હોય કે સીઝરિયન હોય, પ્રસૂતિ પહેલા ચેપ લાગ્યો હોય કે પ્રસૂતિ પછી કોરોના થયો હોય, ભાનુબેને આવી માતાઓ અને તેમના બાળકોની સારસંભાળ લીધી છે. તેમની કોરોના વિભાગમાં ફરજ હોય કે ના હોય તેમણે દિવસમાં ઓછામાં ઓછું એકવાર તો આ લોકોની ભાળ લીધી જ છે. તબીબી અધિક્ષક ડો. રંજન કૃષ્ણ ઐયરે તેમની આ એવોર્ડ માટે પસંદગીને સયાજી હૉસ્પિટલ પરિવાર માટે ગૌરવપૂર્ણ ગણાવી છે.

તમામ કસોટીઓમાં ખરા ઉતર્યા

દર્દી સેવા માટેની તેમની આ કર્તવ્યનિષ્ઠાની ઉપરોક્ત એવોર્ડ દ્વારા કદર થઈ છે. નર્સિંગ એવો વ્યવસાય છે જેમાં દર્દીઓના હિતમાં જરૂરી કડકાઈ અને શિસ્તનો આગ્રહ રાખીને ફૂલ જેવી કોમળતા સાથે કામ કરવું અને એ રીતે દર્દીનો વિશ્વાસ જીતવો જરૂરી છે. તેઓ આ તમામ કસોટીમાં ખરા ઉતર્યા છે અને આ પ્રતિષ્ઠિત એવોર્ડને પાત્ર બન્યા છે. તેમને અભિનંદન.

વધુ વાંચો: સયાજી હોસ્પિટલની સિદ્ધિ: કોરોના અને તેના લીધે બગડી ગયેલા ફેફસાને સુધારવાની 119 દિવસની સારવાર બાદ પુષ્પાબેનને કરાયા રોગમુક્ત

વધુ વાંચો: રાજયમાં 24 કલાકમાં માત્ર અમદાવાદ, સુરત અને વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં કોવિડના કેસ, ગ્રામ્ય વિસ્તારોમાં એક પણ કેસ નહિ

ABOUT THE AUTHOR

...view details