ગુજરાત

gujarat

માગ ન હોવાથી ટેક્સ્ટાઈલ માર્કેટના વેપારીઓ શ્રમિકોને નથી રાખી રહ્યા નોકરી પર

By

Published : Jul 2, 2021, 8:56 PM IST

રાજ્યમાં કોરોના ( Corona )ની બીજી લહેર દરમિયાન લોકડાઉનના ભયના કારણે અનેક શ્રમિકો પોતાના વતન ચાલ્યા ગયા હતા. સુરતમાં પણ ટેક્સટાઈલ માર્કેટ ( Textile market ) માં કામ કરતા મજૂરો વતન ચાલ્યા ગયા હતા. જોકે, હાલ કોરોનાના કેસમાં ઘટાડો થતા અને આંશિક લોકડાઉન ( Partial lockdown )માં વધુ છૂટછાટ અપાતા શ્રમિકો ફરી સુરત આવી પહોચ્યા છે. પરંતુ ડિમાન્ડ ન હોવાના કારણે વેપારીઓ તેમને નોકરી પર રાખી રહ્યા નથી અથવા તો ઓછા પગારે નોકરી પર રાખવામાં આવી રહ્યા છે, જેથી કેટલાય મજૂરો ઓછા પગારે નોકરી કરવા મજબુર બન્યા છે.

માગ ન હોવાથી ટેક્સ્ટાઈલ માર્કેટના વેપારીઓ શ્રમિકોને નથી રાખી રહ્યા નોકરી પર
માગ ન હોવાથી ટેક્સ્ટાઈલ માર્કેટના વેપારીઓ શ્રમિકોને નથી રાખી રહ્યા નોકરી પર

  • લોકડાઉનના ભયથી વતન ચાલ્યા ગયેલા શ્રમિકો સુરત ફરી આવી રહ્યા છે
  • ટેક્સ્ટાઈલ માર્કેટના વેપારીઓ શ્રમિકોને નોકરી પર રાખી રહ્યાં નથી
  • ડિમાન્ડ ન હોવાના કારણે વેપારીઓ નથી રાખી રહ્યા નોકરી પર

સુરત: કોરોના ( Corona )ની બીજી લહેરમાં લોકડાઉનના ભયથી પોતાના વતન ચાલ્યા ગયેલા શ્રમિકો રોજગારની તલાશમાં ફરી સુરત આવી રહ્યા છે. પરંતુ હવે તેમની માટે ટેક્સટાઈલ ઉદ્યોગ ( Textile market )માં કામ નથી. ડિમાન્ડ ઓછી હોવાના કારણે અને અગાઉના પેમેન્ટ સહિત માલની ડિલિવરી બાકી હોવાથી હવે ટેક્સ્ટાઈલ માર્કેટના વેપારીઓ શ્રમિકોને નોકરી પર રાખી રહ્યા નથી. જેના કારણે શ્રમિકોની સ્થિતિ કફોડી બની છે. તેમની પાસે રોજગાર નથી અથવા તો તેઓને અડધા પગારે નોકરી કરવી પડી રહી છે.

માગ ન હોવાથી ટેક્સ્ટાઈલ માર્કેટના વેપારીઓ શ્રમિકોને નથી રાખી રહ્યા નોકરી પર

કોરોના ફેઝ 2માં 15,000 કરોડ રૂપિયાનો વેપાર અસરગ્રસ્ત થયો

કોરોનાની બીજી લહેરમાં પણ કાપડ ઉદ્યોગ પર માઠી અસર પડી છે. આ વખતે પણ આશરે 15,000 કરોડ રૂપિયાનો વેપાર કોરોના ફેઝ 2માં અસરગ્રસ્ત થયો છે. કોરોનાની બીજી લહેરની શરૂઆત થતાં જ સુરત કાપડ ઉદ્યોગ ( Textile industry ) માં કામ કરતા શ્રમિકો લોકડાઉનના ભયથી પોતાના વતન હિજરત કરી હતી. પરંતુ હવે કોરોનાની સ્થિતિ સામાન્ય થતાં શ્રમિકો ફરી સુરત આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા અનેક ટ્રેનો પણ શરૂ કરવામાં આવી છે. શ્રમિકો પોતાના વતનથી રોજગારની આશા લઈને સુરત તો આવી રહ્યા છે, પરંતુ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં હાલ તેમની માટે રોજગારીની તક મળી રહી નથી. સુરત ટેક્સટાઇલ માર્કેટની વાત કરવામાં આવે તો અહીં 4 લાખથી વધુ શ્રમિકો રોજગાર મેળવતા હોય છે. પરંતુ લોકડાઉનના ભયથી વતન ચાલ્યા ગયેલા શ્રમિકો ફરી સુરત આવી તો ચૂક્યા છે પરંતુ તેમની પાસે રોજગાર નથી.

શ્રમિકો ઓછા પગારમાં કામ કરવા મજબુર

શ્રમિક મુકેશભાઈએ જણાવ્યું હતું કે, અહીં આંશિક લોકડાઉન લાગ્યા પછી કમાવાની તક ન હતી. જીવન નિર્વાહ કરવા માટે પૈસાની જરૂર હોય છે. જેથી અમે વતન ચાલ્યા ગયા હતા. માર્કેટ ખુલ્યા પછી અમે પરત સુરત આવ્યાં છીએ પરંતુ વેપારીઓ જણાવી રહ્યા છે કે હાલ વેપાર ધંધો નથી. જેથી ઓછા પગારમાં કામ કરો અથવા તો બીજી નોકરી શોધી લો. અનેક લોકો હજી સુધી સુરત આવ્યાં નથી. હાલ ઓછા પગારમાં નોકરી કરી રહ્યા છીએ. વેપારીએ સ્પષ્ટ કરી દીધું છે કે જો રોજગાર મેળવવું હોય તો આટલા જ પગારમાં નોકરી કરવી પડશે.

આ પણ વાંચોઃ લોકડાઉનના ભય અને કોરોના ટેસ્ટિંગની હેરાનગતિને કારણે ઝારખંડના શ્રમિકો વતન પરત ફર્યા

હાલ 12 કલાક સુધી કારખાનું ચલાવવું મુશ્કેલ

લુમ્સના વેપારી પિંકેશ જરીવાલાએ જણાવ્યું હતું કે, શ્રમિકોની સ્થિતિ એવી છે કે દરરોજ બેથી ત્રણ ફોન આવતા હોય છે. અમે આ લોકોને જણાવીએ છે કે હાલ તમે આવો નહી, કારણ કે અહીં અત્યારે કાપડની ડિમાન્ડ નથી. બહારના વેપારીઓ ખરીદીના મૂળમાં નથી. અગાઉ 24 કલાક લુમ્સ મશીન ચાલતી હતી. પરંતુ હાલ 12 કલાક સુધી પણ કારખાનું ચલાવવું મુશ્કેલ છે. શ્રમિકોને અમે આવવાનીના પાડી રહ્યા છીએ.

80 ટકા માલ પડ્યો છે પણ ડિમાન્ડ નથીઃ વેપારી

સુરતના કાપડના વેપારી દિનેશ કટારિયાએ જણાવ્યું હતું કે, કામ હશે તો જ શ્રમિકોને રાખી શકાય. કોરોના કાળથી જે સમય પસાર થઇ રહ્યો છે તે વેપારીઓ માટે ખૂબ જ ખરાબ છે. ગ્રાસરૂટ કે જ્યાં કાપડ જતું હોય છે ત્યાં આ રોગના કારણે લોકોની આવક આ બીમારીમાં લાગી ગઈ છે. જ્યાં સુધી તેઓ સ્થિર નહીં થશે ત્યાર સુધી વેપારને વેગ મળશે નહીં. લગ્નસરામાં પણ હજુ લિમિટ છે. લગ્નસરા, અક્ષય તૃતીયા અને ઈદ જેવી સિઝનમાં આંશિક લોકડાઉન હોવાના કારણે ખરીદી થઈ નથી. વેચાણ માત્ર 20 ટકા થયું છે. જ્યારે અમારી પાસે હજુ પણ 80 ટકા માલ પડ્યો છે પણ ડિમાન્ડ નથી. તો જ્યાં સુધી આવક થશે નહી ત્યા સુધી અમે શ્રમિકોને પગાર કેવી રીતે આપી શકીએ?

આ પણ વાંચોઃ વિશ્વમાં ભારતના રંગબેરંગી જેમસ્ટોન્સની માગમાં ઉછાળો, એક વર્ષમાં નિકાસમાં 372 ટકાનો વધારો

ABOUT THE AUTHOR

...view details