ગુજરાત

gujarat

જન્માષ્ટમી નિમિત્તે સુરતના ડો. પ્રશાંત દેસાઈનો ભગવાન શ્રીકૃષ્ણને પત્ર

By

Published : Aug 30, 2021, 6:04 AM IST

આજે 30 ઓગસ્ટ સોમવારના રોજ જન્માષ્ટમીનો પર્વ છે. ગયા વર્ષે આ પર્વની ઉજવણી કોરોનાના કારણે થઇ ન હતી. ત્યારે આ વર્ષે કોરોનાના કેસ ઘટતા સરકારે કોરોનાની ગાઇડલાઇનને અનુસરીને ઉજવણીમાં છૂટછાટ આપી છે. ત્યારે સુરતના ENT સ્પેશ્યાલિસ્ટ ડો. પ્રશાંત દેસાઈએ જન્માષ્ટમીના પ્રસંગે ભગવાન શ્રીકૃષ્ણને એક પત્ર લખીને પોતાની લાગણી વ્યક્ત કરી છે.

ભગવાન શ્રીકૃષ્ણને પત્ર
ભગવાન શ્રીકૃષ્ણને પત્ર

વ્હાલા કાના,

આજે જન્માષ્ટમી છે અને સ્વભાવિક છે કે, જન્માષ્ટમી નિમિત્તે આપણે કૃષ્ણને યાદ કરીએ. પ્રશ્ન એ થાય છે કે કૃષ્ણને આપણે કઇ રીતે યાદ કરીએ? બાલમુકુંદ તરીકે, એક ગોવાળિયા તરીકે, એક રણ છોડીને ભાગી ગયેલા રાજા તરીકે કે પછી એક યોગેશ્વર તરીકે. કૃષ્ણ એ જે કર્યું તેને અનુસરવા જઇએ તો ઉંધા પડીએ, એનું મૂલ્ય એ નથી કે એમણે જે કર્યુ એ ખોટું હતું પણ એમણે જે કર્યું, જે સંદર્ભે કર્યું એ સમજવાની આપણી તાકાત નથી. આનાથી ઉલટું એમણે જે કહ્યું એને અનુસરીએ તો એ આપણા માટે સરળ અને સુલભ થઇ પડે. કૃષ્ણબોધ ટુંકસાર એટલે ગીતા. ગીતા એક જાતિનો, સમુહનો, એક વર્ગનો, એક સંસ્કૃતિનો કે એક ધર્મનો ગ્રંથ નથી. એ સમસ્ત માનવ સમાજ માટે એક બોધપાઠ છે. એક દિવાદાંડી છે અને આમ જોઇએ તો દરેક માટે એક ગાઇડ, એક સોલ્યુશન છે. સામાન્ય સમાજવાળા લોકોથી માંડીને મોટા વિજ્ઞાનીઓ ગીતાનો પોતપોતાની રીતે અર્થઘટન કરી ચૂક્યા છે. ટૂંકસારમાં કર્મથી, જ્ઞાનથી કે ભક્તિથી તમે એક જ ધ્યેયને પહોંચવાનો પ્રયત્ન કરવો જોઇએ કે તમે પરમાત્માને વાંચી શકો અને પરમાત્મા એટલે દરેક બીજી વ્યક્તિમાં બેઠેલો આત્મા. આપણે દરેકને આપણા જ્ઞાનથી, ભક્તિથી કે આપણા કર્મથી મદદરૂપ થવાની કોશિશ કરીએ તો આપણે ચોક્કસ એ ઇશ્વરીય શક્તિની સમીપ પહોંચશું, જેની દરેક માનવીને એક ઝંખના હોય છે.

લિ.

ડો.પ્રશાંત દેસાઈ (ENT- સ્પેશ્યાલિસ્ટ)

ABOUT THE AUTHOR

...view details