ગુજરાત

gujarat

સુરતની જય જવાન નાગરિક સમિતિએ વડોદરાના શહીદ આરિફ પઠાણના પરિવારને 2 લાખની કરી સહાય

By

Published : Oct 15, 2020, 12:39 PM IST

દેશની સુરક્ષા અને માતૃભૂમિના સાર્વભૌમત્વને અખંડિત રાખવા સરહદોની રક્ષા કરતાં વીર જવાનો શહાદત વ્હોરે છે. ત્યારે શૌર્યવાન જવાનોના પરિવારોને સરકાર તો નિયમાનુસાર સહાય ચૂકવે જ છે, પરંતુ જો સમાજ પણ આવા પરિવારોની સાથે ઉભો રહે તો શહીદના પરિવારને અહેસાસ થાય કે, દેશ માટે પરિવારના લાડકવાયા વીરલાએ જે બલિદાન આપ્યું છે, એ એળે નથી ગયું.

સુરત
સુરત

સુરત: 1999થી શહીદોના પરિવારોને સન્માન સાથે આર્થિક સહાય આપવામાં આવે છે. કારગીલ યુદ્ધ સમયથી 'જય જવાન નાગરિક સમિતિ'એ શરૂ કરેલી શહીદ પરિવાર સન્માન અને સહાયની પ્રવૃત્તિ તાજેતરના ગલવાન ઘાટી હુમલાના શહીદો સુધી વિસ્તરી છે. 'દેશ અને સમાજ તમારી સાથે છે' એવા સધિયારા સાથે સહાય આપવામાં આવે છે.

આ પણ વાંચો : ભારત-ચીન વિવાદ અને કારગિલ યુદ્ધ વચ્ચે ઘણી સમાનતા છે : સંરક્ષણ નિષ્ણાત

સુરતની 'જય જવાન નાગરિક સમિતિ'એ વડોદરા જઈને જુલાઈ-2019માં વીરગતિ પામેલા શહેરના શહીદ આરિફ પઠાણના પરિવારને રૂપિયા 2 લાખની સહાય અર્પણ કરી હતી. 24 વર્ષીય આરિફ પઠાણ જમ્મુ કાશ્મીર બટાલિયન 18માં તૈનાત હતાં. સમિતિના ટ્રસ્ટી કાનજીભાઈ ભાલાળાના દિશાદર્શન હેઠળ દેવચંદભાઈ કાકડિયા અને સુરેશભાઈ પટેલે આ પરિવારના વડોદરા નિવાસ સ્થાને જઈને સહાયનો ચેક અર્પણ કર્યો હતો.

કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું કે, સમિતિ શહીદોના પરિવારોને મદદરૂપ બની દેશસેવામાં યોગદાન આપવાનો સંતોષ અનુભવે છે. દેશની સરહદની રક્ષા કરતાં પ્રાણોનું બલિદાન આપનાર જવાનોના પરિવારોને આર્થિક સહાયતા દ્વારા હૂંફ આપીએ છીએ.

આ પણ વાંચો : ગલવાન ઘાટીમાં શહીદ થયેલા કર્નલ સંતોષ બાબુને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાઈ અપાઈ

કારગીલ યુદ્ધના 12 જવાનોના પરિવારોને રૂપિયા ચાર-ચાર લાખની સહાયતાથી સેવા પ્રવૃત્તિ શરૂ કરી હતી. પુલવામા હુમલાના શહીદ ૪૩ જવાનો અને ચીની સૈનિકો સાથે ગલવાન ઘાટી સંઘર્ષમાં શહીદ 43 જવાનો અને ગલવાન સંઘર્ષના શહીદ 20 જવાનોના પરિવારોને પણ આર્થિક મદદ કરી છે.

આ પણ વાંચો : ચીન સાથેની હિંસક અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ, જ્યારે 43 ચીની સૈનિકોના મોત

ભાલાળાએ વધુમાં કહ્યું કે, આજ સુધી સરહદે અને આતંકવાદીઓનો સામનો કરતાં શહીદ થયેલા 338 જવાનોના પરિવારોને સમિતિએ રૂપિયા 5 કરોડ 72 લાખ ૨૪ હજારની સહાયતા રાશિ ચૂકવી છે. 'દેશ માટે શહીદી વ્હોરનાર સપૂતો ધર્મ, જાતિ કે પ્રદેશના ભેદ વગર સન્માનને પાત્ર છે.' આ સૂત્રને અનુસરી 'જય જવાન નાગરિક સમિતિ' હંમેશા શહીદોના પરિવારોની સાથે રહે છે. શુભેચ્છકોના દાન અને સહયોગથી આ પ્રવૃત્તિને વેગવાન બનાવી શક્યા હોવાનું તેઓ ઉમેરે છે.

ABOUT THE AUTHOR

...view details