ગુજરાત

gujarat

સુરત શહેરના 350 મિલ માલિકોના અંદાજે 150 કરોડના પેમેન્ટ કઢાવવા માટે કમિટીની રચના

By

Published : Feb 9, 2021, 4:53 PM IST

સુરત શહેરના પાંડેસરા, પલસાણ, કામરેજ સહિત વિવિધ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી 350 મિલ માલિકોના અંદાજે 150 કરોડના પેમેન્ટ આવ્યા નથી. આ પેમેન્ટના મુદ્દે ગત અઠવાડિયે સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિયેશનની મીટિંગ પણ મળી હતી, તેમાં પ્રોસેસર્સે એક સાથે આવવાનું નક્કી કર્યું છે.

સુરત:પેમેન્ટ કાઢવા માટે કમિટીની રચના
સુરત: પેમેન્ટ કાઢવા માટે કમિટીની રચના

  • ટેક્સટાઇલ માર્કેટમાં પેમેન્ટની મગજમારી
  • પ્રોસેસર્સને ઠગી રહ્યા છે વેપારીઓ
  • પ્રોસેસર્સે એક સાથે મળીને સામનો કરવાનું કર્યું નક્કી

સુરત : કાપડ ઉદ્યોગમાં કામકાજ સારા ચાલી રહ્યા છે, પરંતુ પેમેન્ટની મગજમારી દૂર થઈ નથી. સુરત શહેરના 350 મિલ માલિકોના અંદાજે 150 કરોડના પેમેન્ટ ગઈ દિવાળીથી છૂટ્યા નથી, તેથી પ્રોસેસર્સ દ્વારા કડક ઉઘરાણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ઠગ વેપારીઓ પ્રોસેસર્સને અંધારામાં રાખી નથી આપતા પેમેન્ટ

એક પ્રોસેસર્સનું પેમેન્ટ અટકાવી બીજા પ્રોસેસર્સ પાસે જોબ વર્ક કરાવીને વેપારીઓ પોતાનું કામ કઢાવી લે છે. બીજી તરફ પ્રોસેસર્સને પેમેન્ટ મળતું નથી અને કામ પણ જતું રહે છે. કોરોના બાદ વેપારીઓ તરફથી પેમેન્ટ અનિયમિત થયું હતું અને દિવાળી બાદ સ્થિતિ વધુ બગડી હતી. સુરત શહેરના પાંડેસરા, પલસાણ, કામરેજ સહિત વિવિધ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી 350 મિલ માલિકોના અંદાજે 150 કરોડના પેમેન્ટ આવ્યા નથી. આ પેમેન્ટના મુદ્દે ગયા અઠવાડિયે સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિયેશનની બેઠક પણ મળી હતી.

વેપારીઓ કામ ચાલાકીથી કરાવી લે છે, પેમેન્ટ પણ આપવું પડતું નથી

અગ્રણી મિલ માલિકોની ચર્ચામાં એવી ચોંકાવનારી હકીકત સાથે આવી હતી કે, કેટલાક વેપારીઓ ચિટિંગના ઇરાદે પ્રોસેર્સના પેમેન્ટ કરાવી રહ્યા છે, તેમજ પ્રોસેસર્સ પાસેથી કામ કઢાવી લે અને જ્યારે પેમેન્ટ ચૂકવવાનું આવે ત્યારે કામ આપવાનું બંધ કરી દે છે અને બીજા પ્રોસેસર્સને જોબ વર્ક સોંપી દે છે, આ રીતે પોતાનું કામ ચાલાકીથી વેપારીઓ કરાવી લે છે અને પેમેન્ટ પણ આપવું પડતું નથી.

ઠગ વેપારીઓની યાદી તૈયાર કરવામાં આવશે

આવા ઠગ વેપારીઓને ખુલ્લા પાડવા માટે હવે પ્રોસેસર્સે એક સાથે આવવાનું નક્કી કર્યું છે. સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિયેશનના નેજા હેઠળ એક કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીના માધ્યમથી પ્રોસેસર્સના પેમેન્ટ નહીં કરતા ઠગ વેપારીઓની યાદી તૈયાર કરવામાં આવશે. જે બાદ જે તે વેપારીનો સંપર્ક કરી પેમેન્ટ ચૂકવી દેવા માટેની તાકીદ કરવામાં આવશે. જો તેમ નહીં થાય તો તેમના નામો જાહેર કરી શોર્ટ લિસ્ટ કરવામાં આવશે. કાપડના વેપારીઓને યાર્ન ડીલર્સ પણ આ જ સિસ્ટમથી ભૂતકાળમાં પેમેન્ટની ઉઘરાણી કરી ચૂક્યા છે, જેમાં તેમને મહદઅંશે સફળતા પણ મળી છે.

ABOUT THE AUTHOR

...view details