ગુજરાત

gujarat

સુરતના માનગઢ ચોકમાં ભાવિન પટેલ દ્વારા સી.આર.પાટીલનો વિરોધ કરવામાં આવ્યો

By

Published : Feb 2, 2021, 4:04 PM IST

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા માનગઢ ચોકમાં જાગૃત નાગરિક દ્બારા સી.આર.પાટીલના બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. બેનરમાં લખવામાં આવ્યું હતું કે, સામાન્ય લોકો પાસેથી તંત્ર દ્વારા રૂ. 1 હજાર રૂપિયાનો દંડ વસુલવામાં આવે છે. પરંતુ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ માટે સોશિયલ ડિસ્ટન્સ કે માસ્કનો કોઈ નિયમ લાગુ પડતો નથી.

ભાવિન પટેલ દ્બારા વિરોધ પ્રદર્શન
ભાવિન પટેલ દ્બારા વિરોધ પ્રદર્શન

  • ભાવિલ પટેલ સી.આર.પાટીલનો બેનર લઇ વિરોધ નોંધાવ્યો
  • સી.આર.પાટીલ માસ્ક વગર અનેક રેલીઓ કરે છે
  • નેતાઓને નહિ પરંતુ સામાન્ય જનતાને જ કેમ દંડ કરવામાં આવે

સુરત : વરાછા વિસ્તારમાં આવેલા માનગઢ ચોક પાસે ભાવિન પટેલ નામના એક જાગૃત વ્યક્તિ દ્વારા સી.આર.પાટીલના બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. બેનરમાં લખવામાં આવ્યું હતું કે, મોટાભાઈને માટે સોશિયલ ડિસ્ટન્સ કે માસ્કનો કોઈ નિયમ લાગુ પડતો નથી જયારે, સામાન્ય નાગરિકો માટે માસ્ક ન હોય તો પૂરા 1 હજાર રૂપિયાનો દંડ આપવો પડે છે. વિરોધ નોંધાવનાર ભાવિન પટેલે જણાવ્યું હતું કે, થોડા દિવસો અગાઉ તેઓ મોતીવાલા પરફ્યુમની ગલીઓ પાસેથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે ત્યાં ધૂળ હોવાથી તેમણે માસ્ક નીચે પહેર્યું હતું. જેથી પોલીસ વાળાઓએ તેમને ઘેરીને દંડ વસુલ્યો હતો. તેમને અનેક આજીજી કરી હતી. પરંતુ મારી આજીજી કોઈએ માન્ય રાખી ન હતી. આ ઉપરાંત તેમણે આક્ષેપ કર્યો હતો કે, ત્યાં હાજર પોલીસ કર્મીઓએ અન્ય લોકોને ફોન પર વાત કરાવતા જવા દીધા હતા. જ્યારે સામાન્ય વ્યક્તિઓ પાસેથી 1 હજાર રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો હતો.

કાયદા બધા માટે સરખા હોવા જોઈએ

તેઓએ સી.આર.પાટીલ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સી.આર.પાટીલ જાહેરમાં અનેક રેલીઓ કરે છે અને માસ્ક વગર ફરે છે. ત્યારે તંત્ર દ્વારા તેમની પર કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી, માત્ર સામાન્ય જનતાને જ કેમ દંડ કરવામાં આવે છે. જે લોકો માંડ હજાર રૂપિયા કમાતા નથી તેઓ હજાર રૂપિયા દંડ કેવી રીતે ભરી શકે ? અને કાયદો છે તો કાયદાનું પાલન કરવું જ પડે. પરંતુ કાયદા બધા માટે સરખા હોવા જોઈએ. માત્ર સામાન્ય જનતાને જ કેમ દંડ ભરાવવામાં આવે છે. જયારે નેતાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને જ્યાં સુધી આ નેતાઓ સામે કાર્યવાહી નહિ થાય ત્યાં સુધી તેઓએ આ બેનર લઈને વિરોધ નોંધાવશે તેવી ચીમકી પણ આપી હતી.

વિરોધ કરતા પોલીસે કરી અટકાયત
આ ઘટનાની જાણ થતા વરાછા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વિરોધ કરી રહેલા ભાવિન પટેલની અટકાયત કરી લીધી હતી. તેને વરાછા પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details