ગુજરાત

gujarat

ઘરકંકાસે લીધો 5 નો ભોગ, રાજકોટમાં પતિએ પત્ની અને મામાને મારી 2 બાળકો સાથે કર્યુ અગ્નિસ્નાન

By

Published : Oct 23, 2020, 3:57 PM IST

રાજકોટ શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલા રૂખડીયા પરામાં એક વ્યક્તિએ પોતાની પત્ની અને તેના મામાની જાહેરમાં હત્યા કરી છે. આ હત્યા કર્યા બાદ આરોપીએ પોતાના બાળકો સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં આરોપી સહિત તેમના બાળકોનું મોત થયું છે.

રાજકોટમાં ઘરકંકાસ મામલે પતિ-પત્ની, 2 બાળકો સહિત 5ના ભોગ લેવાયા
રાજકોટમાં ઘરકંકાસ મામલે પતિ-પત્ની, 2 બાળકો સહિત 5ના ભોગ લેવાયા

  • રાજકોટ ફરી રક્તરંજીત
  • આરોપીએ પત્ની અને તેના મામાની કરી હત્યા
  • હત્યા બાદ આરોપીએ બાળકો સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો
  • સારવાર દરમિયાન આરોપી અને બન્ને બાળકોના મોત

રાજકોટઃ સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં ગુનાખોરીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈ કાલે એટલે કે ગુરુવારે જાહેરમાં જ એક મહિલા સહિત 2 લોકોની છરીના ઘા મારીને હત્યા થઈ હોવાની ઘટના સામે આવી હતી. શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલા રૂખડીયા પરાની આ ઘટના છે.

પતિ-પત્ની, 2 બાળકો સહિત 5ના મોત

રાજકોટમાં હત્યાની બનેલી કરુણ ઘટનામાં ઇમરાન પઠાણ નામના યુવકે પોતાની પત્ની નાઝીયા અને પત્નીના મામા નઝીર અખ્તભાઈ અને સાસુ ફિરોઝાબેન નૂરમહમદ પઠાણને છરીના ઘા માર્યા હતા. જેમાં પત્ની અને તેના મામાનું મોત નીપજ્યું હતું, જ્યારે તેની સાસુને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હત્યા કર્યા બાદ આરોપીએ પોતાના 2 બાળકો સાથે અગ્નિસ્નાન કર્યું હતું. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બન્ને બાળકો અને આરોપીનું મોત થયું છે.

આરોપી

હત્યા બાદ આરોપીએ કર્યું અગ્નિસ્નાન

ઇમરાન અલ્તાફ પઠાણ નામના યુવાને જાહેરમાં જ પોતાની પત્ની અને તેના મામાની હત્યા બાદ ઘરે જઈને પોતાના 2 પુત્રો સાથે અગ્નિસ્નાન કર્યું હતુ. જેથી આરોપી અને તેના બન્ને પુત્રને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે.

ઘરકંકાસ મામલે ખેલાયો ખૂની ખેલ

આ સમગ્ર મામલે રાજકોટની પ્રદ્યુમ્નનગર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું હતું કે, ઇમરાન અને તેની પત્ની વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો અને છૂટાછેડા મામલે કોર્ટ કેસ પણ ચાલતો હતો, પરંતુ સમાધાન થઈ જતા પત્ની ફરી ઇમરાન સાથે રહેવા આવી હતી. ત્યારબાદ ઇમરાન દ્વારા પત્ની સાથે માથાકૂટ અને માનસિક ત્રાસ આપવામાં આવતા પત્ની પોતાની પિયર જતી રહી હતી અને પોતાની માં અને ભાઈ સાથે પોલીસ મથકે ઇમરાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી આરોપી પતિને ખૂની ખેલ રમવાનો વિચાર આવ્યો હતો.

હત્યાનું મુખ્ય કારણ બાળકોની કસ્ટડી

ઇમરાન અને તેની પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. જેને લઈને કોર્ટમાં કેસ ચાલતો હતો, પરંતુ કેસ દરમિયાન 2 બાળકોની કસ્ટડીનો પ્રશ્ન ઉભો થયો હતો. જેથી બાળકોની કસ્ટડીને લઇને આ ખૂની ખેલ ખેલાયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details