ગુજરાત

gujarat

ચોમાસુ 2021: સૌરાષ્ટ્ર-કચ્છમાં સાર્વત્રિક વરસાદ, 12 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

By

Published : Sep 2, 2021, 5:25 PM IST

રાજ્યમાં ચોમાસાની સીઝનમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે, ત્યારે રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ દૂર થશે તેવી આશા બંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં 12 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

12 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો
12 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

  • રાજ્યમાં દુષ્કાળ દૂર થશે, અનેક વિસ્તારોમાં મેઘમહેર
  • સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડ્યો
  • 4 તાલુકામાં 5 ઇંચથી વધુ, 12 તાલુકાઓમાં 4 ઇંચ જેટલો વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં માંગરોળમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો

ગાંધીનગર: રાજ્યમાં ચોમાસાની સીઝનમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં 173 મી.મી. એટલે કે 7 ઈંચ જેટલો, કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં 166 મી.મી, દેવભૂમિદ્વારકાના કલ્યાણપુર, જૂનાગઢ જિલ્લાના માળિયા, ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં 163 મી.મી. અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં 158 મી.મી. એમ કુલ મળી 4 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

ક્યાં કેટલો વરસાદ નોંધાયો

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 2 સપ્ટેમ્બર 2021ને સવારે 6 કલાક સુધીમાં ઉના તાલુકામાં 124 મી.મી, પોરબંદરમાં 123 મી.મી, રાણાવાવમાં 108 મી.મી, જોડિયામાં 102 મી.મી, ગીર ગઢડામાં 101 મી.મી અને વેરાવળમાં 100 મી.મી મળી કુલ 6 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.

27 તાલુકાઓમાં 1 ઈંચ વરસાદ

આ ઉપરાંત ગોંડલ, ચોટીલા, મુન્દ્રા, ગાંધીધામ, ઉંમરગામ, વઢવાણ, જામકંડોરણા અને લાલપુર મળી કુલ 8 તાલુકાઓમાં 3 ઈંચથી વધુ જ્યારે સુત્રાપાડા, ભાણવડ, સાયલા, ટંકારા, કોડિનાર, કુતિયાણા, કેશોદ, બાયડ, કાલાવાડ, મૂળી, કાલોલ, લોધિકા, ધ્રોલ, કોટડાસાંગાણી, માણાવદર, જામનગર, માંડવી, વાપી, ભૂજ, પડધરી, વાડિયા કુલ મળી 22 તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે અન્ય 27 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ઝોન પ્રમાણે વરસાદની ટકાવારી

ઉલ્લેખનીય છે કે ચાલું સીઝનમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 48.65 ટકા નોંધાયો છે, જેમાં કચ્છ વિસ્તારમાં 44.99 ટકા, ઉત્તર ગુજરાતમાં 37.78 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 43.47 ટકા, સૌરાષ્ટ્રમાં 47.45 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 56.14 ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે.

વધુ વાંચો: ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના સંદર્ભે ભારતીય હવામાન વિભાગના સલાહસૂચન

વધુ વાંચો: રાજકોટ જિલ્લામાં સારા વરસાદ પછી વિવિધ ડેમોમાં 31.16 ટકા નવા નીરની આવક

ABOUT THE AUTHOR

...view details