- ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની સત્તા
- ભાજપને 41 બેઠક, કોંગ્રેસ 2 અને આપની 1 બેઠક પર જીત
- ગાંધીનગર મ્યુ.કોર્પોરેશનમાં હિતેશ મકવાણા મેયર બને તેવી સંભાવના
ગાંધીનગર :વર્ષ 2022 માં આવી રહેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન( Gandhinagar Municipal Corporation)ની ચૂંટણી મહત્વની સાબિત થઇ રહી છે, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની આજે મંગળવારે મતગણતરી(GMC Result ) હાથ ધરવામાં આવી હતી, જેમાં લગભગ 41 જેટલી બેઠક પર ભાજપની જીત થઈ છે. આ ઉપરાંત, કોંગ્રેસની 2 અને આમ આદમી પાર્ટીની 1 બેઠક પર જીત થઇ છે, ત્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયરના દાવેદાર હિતેશ મકવાણા પણ પોતાની પેનલ સાથે વોર્ડ નંબર ૮માં વિજયી બન્યા છે.
કાર્યકર્તા છું, જે જવાબદારી આપશે તે સ્વીકારીશ : હિતેશ મકવાણા
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 8 ની ભાજપની પેનલનો વિજય થયો છે, ત્યારે વોર્ડ નંબર ૮માંથી આવતા હિતેશ મકવાણા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયરને દાવેદાર તરીકે સૌથી પ્રબળ ગણવામાં આવી રહ્યા છે, ત્યારે ETV Bharat સાથેની ખાસ વાતચીત કરતા હિતેશ મકવાણાએ જણાવ્યું હતું કે, "હું ભાજપનો સામાન્ય કાર્યકર છું અને પક્ષ દ્વારા મને જે પણ જવાબદારી સોંપશે તે હું સ્વીકારીશ. આ સાથે જ અમારા મતવિસ્તારમાં કે જેનો હજુ હમણાં જ કોર્પોરેશન વિસ્તારમાં સમાવેશ થયો છે તેને પણ હું ગાંધીનગર શહેરની જેમ તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ કરીશ.