ગુજરાત

gujarat

પાટીલ પાવરને એક વર્ષ પૂર્ણઃ કહી ખુશી કહી ગમ, 2022ની ચૂંટણી જીતવી સૌથી મોટો પડકાર

By

Published : Jul 20, 2021, 9:03 PM IST

Updated : Jul 20, 2021, 9:11 PM IST

ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ(c r patil)ને પ્રમુખ બન્યાને આજે 20 જુલાઈએ એક વર્ષ પૂર્ણ થયું છે. પાટીલે કોર્પોરેશન, પેટા ચૂંટણી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી જીતીને બતાવી હોય, પણ મોવડીમંડળ તેમની કામગીરી કરવાની પદ્ધતિથી ખુશ હોય તેવું દેખાતું નથી. જો કે, પાટીલે હવે તેમની કામ કરવાની પ્રણાલી બદલી હોવાનું જાણવા મળી રહ્યું છે. પાટીલ પાવરને એક વર્ષ પૂર્ણ પર ETV Bharatનો વિશેષ અહેવાલ...

પાટીલ પાવરને એક વર્ષ પૂર્ણ
પાટીલ પાવરને એક વર્ષ પૂર્ણ

  • ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના કાર્યકાળને એક વર્ષ પૂર્ણ
  • ચૂંટણી જીતીને પાટીલે બતાવ્યો પાવર
  • પાટીલના જ વિસ્તાર સુરતમાં 'આપ' ની એન્ટ્રી

અમદાવાદ: ભાજપ પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર. પાટીલ (c r patil)આજે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અને સહાકારિતા પ્રધાનઅમિત શાહને (amit shah) મળ્યા, ગુજરાત અંગે ચર્ચા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. સી. આર. પાટીલ(c r patil) 20 જુલાઈ, 2020ના રોજ ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા હતા, બરોબર આજે તેમના કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થયું છે. એક વર્ષમાં તેમની સારી કામગીરી અને વિવાદ તથા હવે પછી તેમની સામે નવા પડકારો રહ્યા છે.
પાટીલની કામ કરવાની પદ્ધતિથી કેટલાક લોકો નારાજ
સી. આર. પાટીલ (c r patil) પાર્ટી પ્રમુખ બન્યા પછી તેઓ પેજ કમિટીઓ બનાવીને બુથ મેનેજમેન્ટ સરસ રીતે કરીને બતાવી દીધું, કે ચૂંટણી જીતવા માટે તમારે ગ્રાઉન્ડ લેવલ સુધી જવું પડે. પ્રજા સાથે કનેક્ટ થવું પડે. પાટીલે 8 મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભવ્ય જીત અપાવી હતી તેમજ વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીમાં વિરોધીઓ મજબૂત હતા, તેમ છતા પણ તમામ બેઠકો જીતાડીને બતાવી દીધું, પાટીલ પાવર ચૂંટણીમાં ચાલ્યો છે, પણ તેમની કામ કરવાની પદ્ધતિથી કેટલાક ભાજપના અને સરકાર રહેલા સીનીયર નેતાઓને પસંદ નથી આવ્યા.

પાટીલ પાવરને એક વર્ષ પૂર્ણ

પાટીલ રેમડેસીવીર ઇન્જેક્શન મામલે વિવાદમાં સપડાયા
કોરોના(corona)ની બીજી લહેર વખતે પાટીલે 5000 રેમેડેસીવીર ઈન્જેક્શન મેળવીને સુરતના ભાજપ કાર્યાલયથી વિતરણ કર્યું હતું. ગુજરાતમાં આ ઈન્જેક્શનની ભારે અછત હતી, ત્યારે પાટીલ પાસે આ ઈન્જેક્શન આવ્યા કયાંથી? પાટીલ આ સવાલનો જવાબ કોર્ટમાં આપી શક્યા નથી. આ વિવાદ ખૂબ ચગ્યો હતો અને વિપક્ષોએ પાટીલ પર ખૂબ માછલા ધોયા હતા. રૂપાણી સરકાર પર સવાલ ઉભા થયા હતા. પત્રકારોએ આરોગ્યપ્રધાન નીતિન પટેલ(nitin patel)ને પુછ્યું હતું કે, પાટીલ પાસે ઈન્જેક્શન આવ્યા કયાંથી?, ત્યારે નીતિન પટેલે કહ્યું હતું કે, તમે પાટીલને પુછો. આમ તે વખતે પાટીલની કામગીરીથી સરકાર કઢેડામાં આવી ગઇ હતી.

પાટીલની વરણીથી સુરતના પાટીદારો નારાજ

પાટીલની વરણી પક્ષ પ્રમુખપદે થતાં દક્ષિણ ગુજરાતના પાટીદારો નારાજ થયા છે અને પાટીલના જ વિસ્તાર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન(municipal corporation) ની ચૂંટણીમાં 27 કોર્પોરેટરો આમ આદમી પાર્ટી જીતીને આવ્યા છે. એટલે કે સુરતના પાટીદારો ભાજપથી નારાજ થઈને ‘આપ’ તરફ વળ્યા છે. ત્યારે પાટીલે કહ્યું હતું કે, ‘લોઢાની થાળીમાં મેખ વાગી ગઈ છે.’ પાટીલ સામેની નારાજગીથી સુરતમાં પાટીદારો ભાજપથી વિમુખ થયા છે અને ‘આપ’નો વિકલ્પ પસંદ કર્યો છે. ત્યાર પછી ખોડલધામવાળા નરેશ પટેલને કહેવું પડ્યું હતું કે, મુખ્યપ્રધાન તો પાટીદાર જ હોવા જોઈએ. જે પછી જ્ઞાતિવાદી રાજકારણ ઉભું થયું હતું.

સારી કામગીરીને પ્રજા સમક્ષ લઈ જવાશે
ગુજરાતની રૂપાણી સરકારને સાત ઓગસ્ટે પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે તેમની પાંચ વર્ષની સિદ્ધિઓ લોકો સુધી લઈ જવા માટે પ્રદેશ ભાજપ કાર્યાલયમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોરોનાકાળમાં આરોગ્ય ક્ષેત્રે સરકારની સારી કામગીરી અને તાઉતે વાવાઝોડામાં સરકારના આગોતરા આયોજનથી ખૂબ ઓછુ નુકસાન થયું હતું તેમજ ઉનાળામાં જળસંચયની સુંદર કામગીરી આમ પ્રજા સુધી લઈ જવાશે.

વિકાસના કામોને ગતિએ ચૂંટણી પ્રચારની શરૂઆત
રૂપાણી સરકાર અને પક્ષ પ્રમુખ પાટીલે સાથે મળીને ચૂંટણીની રણનીતિ બનાવી હતી, જેમાં સફળતા મળતાં હવે સી. આર.પાટીલે (c r patil)જાહેરાત કરી દીધી છે, હવે 2022માં આવનારી વિધાનસભાની ચૂંટણી મુખ્યપ્રધાન વિજય રૂપાણી(chief minister vijay rupani) ના નેતૃત્વમાં જ લડાશે. જો કે, તે અગાઉ પાટીલે 2022ની ચૂંટણી પ્રચારની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અધુરા રહેલા વિકાસના કામોને ગતિ આપીને પૂર્ણ કરવા માટે સરકારે આદેશ આપી દીધો છે અને વિકાસના મુદ્દા પર ચૂંટણી લડાય તો ભાજપ વધુ જોરશોરથી તે મુદ્દા પ્રજા સમક્ષ લઈ જઈને સરકારની કામગીરીની સિદ્ધિઓ વર્ણવી શકશે.

આમ આદમી પાર્ટીને હવે અવગણી શકાય તેમ નથી
હવે સી. આર. પાટીલ(c r patil) સામે અનેક નવા પડકારો છે. પાટીલની પાંખો કાપવા માટે દર્શન જરદોશને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળ્યું અને રેલવે જેવું મહત્વનું ખાતું મળ્યું છે. પાટીલ માટે હવે 2022ની વિધાનસભાની ચૂંટણી જીતવી સૌથી મોટો પડકાર છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માત્ર 99 બેઠકો જીતી હતી, પણ હવે 2022 વિધાનસભાની ચૂંટણી ખૂબ ટફ થવાની છે. ભાજપ અને કોંગ્રેસ સાથે સીધો જંગ હતો, પણ હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની જોરદાર એન્ટ્રી થઈ છે. આમ આદમી પાર્ટી(aam admi party) ની ભવ્ય એન્ટ્રીને હવે કોઈ અવગણી શકાય તેમ નથી.

ભાજપ અને કોંગ્રેસના નારાજ 'આપ'માં જોડાઈ રહ્યા છે
હાલ ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપમાં નારાજ કાર્યકરો અને અગ્રણી નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. છેલ્લા બે મહિનામાં અનેક મોટા માથા ‘આપ’માં જોડાયા છે, તે વાતને ભાજપ અને કોંગ્રેસે સ્વીકારવી પડશે અને તે પ્રમાણે ચૂંટણીની રણનીતિ તૈયાર કરવી પડશે. ખાસ કરીને ભાજપ માટે ચિંતાનો વિષય છે કે, હવે સત્તા ટકાવી રાખવા માટે આમ આદમી પાર્ટીને કેમ અટકાવવી? અથવા તો કેવો પ્રચાર કરવો કે, ગુજરાતની પ્રજા ભાજપ ભાજપ જ કરે. પાટીલ માટે હવે 2022ની ચૂંટણી જીતવી અને 99 કરતાં વધુ બેઠકો જીતવી એ સૌથી મોટો પડકાર બની રહેશે.

હજુ તો ટીએમસી અને બસપા ચૂંટણી લડવા આવશે
હજુ તો 2022ની ચૂંટણીમાં બીજા રાજ્યોના પક્ષો જેમકે મમતા બેનર્જિની ટીએમસી અને માયાવતીની બહુજન સમાજ પાર્ટી પણ ગુજરાતમાં ચૂંટણી લડવા આવશે. તેમના પ્રતિકાર કરવા માટે પાટીલે ફરીથી પાવર બતાવવો જ પડશે અને રણનીતિ તૈયાર કરવી પડશે.

ગુજરાતના રાજકારણ મુદ્દે ચર્ચા સંભવ
સી.આર. પાટીલ પક્ષ પ્રમુખ પદે એક વર્ષ પૂર્ણ થયાની ખુશી પર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને દિલ્હીમાં મળ્યા હતા અને ગુજરાતના રાજકારણ મુદ્દે ચર્ચા કરી તેમજ 2022ની ચૂંટણીમાં કેવી રીતે રણનીતિ બનાવવી તે અંગે માર્ગદર્શન મેળવ્યું હોવાની શક્યતા છે તેમજ રૂપાણી સરકારની પાંચ વર્ષની સિદ્ધિઓને પ્રજા સમક્ષ વર્ણવી તે અંગે પણ ચર્ચા કરી હતી.

ભરત પંચાલ, બ્યુરો ચીફ, ETV Bharat, અમદાવાદ

Last Updated : Jul 20, 2021, 9:11 PM IST

ABOUT THE AUTHOR

...view details