ગુજરાત

gujarat

ડ્રગ્સ કેસ : શું મુન્દ્રાના અદાણી પોર્ટને થયો ફાયદો ? NDPS કોર્ટે તપાસના આદેશ આપ્યા

By

Published : Sep 29, 2021, 5:02 PM IST

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ 16 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાનથી આયાત કરેલા 2 કન્ટેનરમાંથી 2,990 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. અદાણી પોર્ટ આટલા મોટા જથ્થામાં ડ્રગ્સ જપ્ત કર્યા બાદ આ કેસમાં ચેન્નાઈથી 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે NDPS કોર્ટે તપાસના આદેશ આપ્યા છે કે, શું અદાણી પોર્ટને કોઈ ફાયદો થયો છે કે કેમ ?

ndps court asks dri to probeif mundra adani port made benefits
શું મુન્દ્રાના અદાણી પોર્ટને થયો ફાયદો ? NDPS કોર્ટે તપાસના આદેશ આપ્યા

  • નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ આદેશ
  • કોર્ટે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સને તપાસ કરવાનો આદેશ આપ્યો
  • મેનેજમેન્ટને 2,990 કિલો હેરોઈનની આયાતથી કોઈ નફો થયો છે કે કેમ ? : કોર્ટ

અમદાવાદ : નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુજરાતની એક વિશેષ કોર્ટે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) ને તપાસ કરવાનો આદેશ આપ્યો છે કે અદાણી પોર્ટ અથવા તેમના મેનેજમેન્ટને 2,990 કિલો હેરોઈનની આયાતથી કોઈ નફો થયો છે કે કેમ ?

2 કન્ટેનરમાંથી 2,990 કિલો હેરોઈન જપ્ત

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ 16 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાનથી આયાત કરેલા 2 કન્ટેનરમાંથી 2,990 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. ડ્રગ્સના આ કેસમાં ચેન્નાઈથી 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. મુન્દ્રા બંદર અદાણી પોર્ટની માલિકીનું છે. અદાણી પોર્ટ ગૌતમ અદાણીની કંપની છે. સૂત્રોનું કહેવું છે કે, આ જથ્થો આંધ્રપ્રદેશના વિજયવાડામાં નોંધાયેલી મેસર્સ આશી ટ્રેડિંગ કંપની દ્વારા આયાત કરવામાં આવ્યો હતો અને તે ટેલ્કમ પાવડર હોવાનું કહેવાય છે.

પોર્ટ અધિકારીઓ અને વહીવટની ભૂમિકા શું હતી ?

એક મીડિયાના અહેવાલ મુજબ કોર્ટે કહ્યું છે કે - મુન્દ્રા અદાણી પોર્ટના વહીવટીતંત્ર અને અધિકારીઓની શું ભૂમિકા છે તેની તપાસ કરવાની જરૂર છે. આ જથ્થો વિદેશથી ભારત મોકલવામાં આવ્યો હતો અને મુન્દ્રા પોર્ટ પર ઉતારવામાં આવ્યો હતો. તો કેવી રીતે પોર્ટના અધિકારીઓ અને વહીવટીતંત્ર તેના વિશે સંપૂર્ણપણે અજાણ હતા.

માત્ર મુન્દ્રા બંદર પર જ કન્સાઈનમેન્ટ કેમ

એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સીએમ પવારે પણ કહ્યું કે- 'કન્સાઈનમેન્ટ મુન્દ્રા પોર્ટ માટે રજીસ્ટર થયું હતું અને ત્યાં પહોંચ્યું હતું. આ જગ્યા ગુજરાતમાં છે, જે આંધ્રપ્રદેશના વિજયવાડાથી ઘણી દૂર છે.' ચેન્નાઈ બંદર વિજયવાડા પાસે છે.

DRI તમામ પક્ષોની તપાસ કરશે

કોર્ટે આગ્રહ કર્યો છે કે, DRI એ આ મામલા સાથે જોડાયેલા તમામ પાસાઓની તપાસ કરવી જોઈએ. કોર્ટે કહ્યું છે કે, જો અન્ય એજન્સીઓ પણ આ મામલે તપાસ કરી રહી છે, તો DRI એ તમામ પાસાઓને ધ્યાનમાં લીધા બાદ તપાસ કરવી જોઈએ. સરકારી વકીલે દલીલ કરી હતી કે અન્ય એજન્સીઓ પણ આ મામલે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details