ગુજરાત

gujarat

ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં કસ્ટોડિયલ ડેથના 159 કિસ્સા

By

Published : Jul 26, 2021, 5:38 PM IST

નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં 21 જુલાઈના રોજ સવારે 5થી 8 વાગ્યાની વચ્ચે 2 આરોપીએ પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી લીધી હતી. જેના આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. આ બન્ને આદિવાસી યુવકોને ન્યાય મળે તે માટે સોમવારે ડાંગ બંધનું એલાન આપવામાં આવ્યું હતું, આ બંધનું એલાન સફળ રહ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં કેટલા કસ્ટોડિયલ ડેથ થયા તેના પર વિશેષ અહેવાલ…

ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં કસ્ટોડિયલ ડેથના 159 કિસ્સા
ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં કસ્ટોડિયલ ડેથના 159 કિસ્સા

  • 3 વર્ષમાં કસ્ટોડિયલ ડેથના કુલ 159 બનાવો
  • 2021ના વર્ષમાં બે બનાવમાં 4 આરોપીના મોત
  • એક જ કેસમાં મૃતકના પરિવારને વળતર ચૂકવાયું છે

અમદાવાદ : ચીખલી પોલીસ સ્ટેશનમાં 2 આરોપીએ ગળેફાંસો ખાઘો હોવાના સમાચારથી સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ સ્ટેશનમાં કે જેલમાં આરોપીનું અપમૃત્યુ થાય તેને કસ્ટોડિયલ ડેથ કહે છે. છેલ્લા 3 વર્ષમાં ચીખલી પોલીસ સ્ટેશનના આ બનાવ સહિત કસ્ટોડિયલ ડેથના કુલ 159 બનાવો નોંધાયા છે. 2019માં 70 બનાવો અને 2020માં 87 બનાવો નોંધાયા છે. જ્યારે 2021માં કુલ 2 બનાવમાં 4 આરોપીઓના મોત થયા છે.

2019 અને 2020માં કસ્ટોડિયલ ડેથના 157 બનાવો

ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે જે સત્તાવાર આંકડા આપ્યા હતા, તે મુજબ છેલ્લા વર્ષ 2019 અને 2020માં કુલ 157 કસ્ટોડિયલ ડેથની ઘટના નોંધાઈ હતી, જેમાં પોલીસ કર્મચારીઓ સામે કડક પગલા ભર્યા છે. 3 પોલીસ ઇન્સ્પેક્ટર, 5 PSI અને 15 પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ પગલા ભર્યા છે.

મુંદ્રામાં ફેબ્રુઆરી-2021માં પોલીસ દમનથી 2 આરોપીના મોત

2021ની વાત કરીએ તો, 8 ફેબ્રુઆરી, 2021ના રોજ મુંદ્રા તાલુકાના સમાઘોઘા ગામના 2 યુવાનોના મોત નિપજ્યા હતા. પોલીસ દમનને કારણે બે યુવાનોના કસ્ટડીમાં જ મોત થયા હતા. જેના પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને મુદ્રા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ કેસના ફરાર 3 પોલીસકર્મી ભાવનગરથી પકડાયા હતા.

ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આદિવાસી યુવાનોએ ગળેફાંસો ખાઘો

2021ની 21 જુલાઈએ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના આદિવાસી યુવાનો સુનિલભાઈ પવાર અને રવિભાઈ જાધવની ચોરીના આરોપમાં પોલીસે ધરપકડ કરી હતી અને તે પોલીસ કસ્ટડી દરમિયાન જ તેમણે ગળે ફાંસો ખાઘેલી હાલતમાં મળી આવ્યા હતા. ત્યાર બાદ આરોપીઓની આત્મહત્યા મામલે પરિવારજનોને શંકા છે, જેથી તેમણે કસૂરવારો સામે માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે તેવી માગ કરી છે અને ન્યાય માટે ડાંગ બંધનું એલાન આપ્યું હતું. જેને સજ્જડ પ્રતિસાદ સાંપડ્યો હતો. જિલ્લા પોલીસ અધિક્ષકે, ચીખલી પોલીસ સ્ટેશનના PSI સહિત 3 પોલીસ કર્મીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા. તેમ છતાં આદિવાસી સંગઠનોએ ચીખલી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે.

વડોદરામાં 7 મહિના બાદ PI, PSI સહિત 6 પોલીસ કર્મીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો

તેલંગણાથી વડોદરા આવીને સાયકલ પર સાડી વેચતા શેખ બાબુને ચોરીની ઘટનામાં શકમંદ તરીકે ફતેગંજ પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેનું પોલીસ કસ્ટડીમાં મોત નિપજ્યું હતું. જ્યારબાદ તેમનો પુત્ર સતત વડોદરા શહેરમાં તેમને શોધતો ફરતો હતો. જોકે, પોલીસ તરફથી સંતોષકારક જવાબ ન મળતા તે અંતે હાઈકોર્ટની શરણે ગયો હતો. જ્યાંથી આદેશ મળ્યા બાદ આ ઘટનામાં સંડોવાયેલા ફતેગંજ પોલીસ મથકના PI, PSI સહિતના 6 પોલીસ કર્મીઓ વિરુદ્ધ 7 મહિના સુધી ચાલેલી તપાસ બાદ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

સરકાર દ્વારા કોઈ નક્કર પગલા નહી

2021ના વર્ષમાં કુલ 2 બનાવમાં 4 આરોપીના કસ્ટોડિયલ ડેથની ઘટના સામે આવી છે. જોકે, સરકાર દ્વારા પોલીસ સ્ટેશનના જવાબદાર પોલીસોને સસ્પેન્ડ કરીને સંતોષ માની લે છે, પણ આવી ઘટના ન બને તે માટે કોઈ નક્કર પગલા લેવાતા નથી. રાજ્ય સરકારે વિધાનસભામાં જ સ્વીકાર્યું હતું કે, 31 ડિસેમ્બર, 2020ની સ્થિતિને જોતા છેલ્લા બે વર્ષમાં બનેલા કસ્ટોડિયલ ડેથમાં સુરત શહેરના એક કેસમાં રૂપિયા 2.50 લાખનું વળતર મૃતકના વારસદારને ચૂકવાયું છે.

ABOUT THE AUTHOR

...view details