ગુજરાત

gujarat

Dr. Jyoti Pandya: વડોદરા બેઠકના ઉમેદવાર ન બનાવતા ડૉ. જ્યોતિ પંડ્યાએ બળાપો કાઢ્યો, ભાજપે કર્યા સસ્પેન્ડ

By ETV Bharat Gujarati Team

Published : Mar 14, 2024, 8:57 PM IST

વડોદરાની લોકસભાની બેઠક પર રંજનબેન ભટ્ટને ટિકિટ ફાળવતા પૂર્વ મેયર ડો. જ્યોતિ પંડ્યાએ ભાજપની ટિકિટ ફાળવણી પર કર્યા આકરા વાકપ્રહારો. ભાજપે જ્યોતિ પંડ્યાને સસ્પેન્ડ કર્યા છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Vadodara Loksabha Election 2024 Dr. Jyoti Pandya Ranjanben Bhatt

વડોદરા બેઠકના ઉમેદવાર ન બનાવતા ડૉ. જ્યોતિ પંડ્યાએ બળાપો કાઢ્યો
વડોદરા બેઠકના ઉમેદવાર ન બનાવતા ડૉ. જ્યોતિ પંડ્યાએ બળાપો કાઢ્યો

પક્ષે મારી અવગણના કેમ કરી

વડોદરાઃ ભાજપે વડોદરા લોકસભા બેઠક પર રંજન ભટ્ટને ત્રીજીવાર ટિકિટ આપી છે. આ ઘટના સંદર્ભે વડોદરા શહેરના પૂર્વ મેયર ડૉ.જ્યોતિ પંડ્યાએ સાંજે 5 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરવાનાં હતાં. જોકે પ્રેસ કોન્ફરન્સ પહેલાં જ 4.30 કલાકે તાત્કાલિક ધોરણે પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી જ્યોતિ પંડ્યાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

જ્યોતિ પંડ્યાના વાકપ્રહારઃ ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ભાજપના મધ્ય ઝોન પ્રવક્તા ડૉ.જ્યોતિ પંડ્યાને પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યોતિ પંડ્યા અગાઉ વડોદરા શહેરનાં મેયર પણ રહી ચૂક્યાં છે. તેઓ છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલ છે. જ્યોતિ પંડ્યાને સસ્પેન્ડ કરાતા તેણીએ આકરા વાકપ્રહાર કર્યા છે. તેણીએ કહ્યું કે, એવું તો કયું કારણ છે કે પક્ષે મારી અવગણના કરી અને 3જી વખત રંજન ભટ્ટને ટિકિટ આપી. રંજન ભટ્ટની જેમ હું પણ સંનિષ્ઠ મહિલા કાર્યકર છું.

ડૉ. જ્યોતિ પંડ્યાના આકરા વાકપ્રહાર

મારુ ડીએનએ ભાજપનું છેઃ જ્યોતિ પંડ્યા સસ્પેન્ડ થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં જોરદાર ઉકળ્યા હતા. તેમણે ભાજપને વડોદરાના વિકાસની દુહાઈ આપતા વેધક સવાલો પણ કર્યા હતા. તેણીએ કહ્યું કે, થોડાક દિવસો પહેલા મુખ્ય પ્રધાન વડોદરામાં આવ્યા, વડોદરાના વિકાસની વાત કરી. ગઈ કાલે પણ આપણી સમક્ષ સી.આર. પાટીલે વિકાસની વાત કરી. આપણે બધા પણ વડોદરાનો વિકાસ ઝંખીએ છીએ. મારું ડીએનએ ભાજપનું છે. હું અપક્ષમાંથી આવેલી નથી. મને વડોદરાના વિકાસની પડી છે. મને હજારો લોકોએ કીધુ આ યોગ્ય નથી. ક્યાં શું ટૂંકુ પડે છે? મારૂ વડોદરા શહેર કહેશે તેમ હું કરીશ. પાર્ટી ફરી ફરીને એવા ઉમેદવારને ટિકિટઆપે છે, જેને આખુ શહેર પસંદ કરતું નથી. મેં મારા પરિવારને મુકીને સતત 30 વર્ષથી પ્રવાસો કર્યા છે. પાર્ટીમાં રહેવા માટે કાર્યકર્તા ઘસાઈ જાય છે. આ બધુ કામ કાર્યકર્તા ડરમાં કરે છે. ઘણી જગ્યાએ કાર્યકર્તાને સસ્પેન્ડ થવાનો ડર હોય છે. મેં તો પાર્ટીને કહી દીધું છે કે આજે હું ખુશ નથી, હું છોડું છું. તમને બીજો કોઈ કાર્યકર્તા મળતો નથી. ટિકિટને લઇ ઘણી ચર્ચાઓ થાય છે, પણ તે ઉપર સુધી પહોંચે છે કે નહિ તે જ મને સમજાતું નથી.

3 ટર્મથી સ્ત્રીહઠઃ જ્યોતિ પંડ્યાએ રંજન ભટ્ટને ભાજપે સતત 3 ટર્મ ટિકિટ આપી છે. તેને પક્ષ સ્ત્રીહઠ આગળ જુકી ગયો હોવાનું ગણાવે છે. જ્યોતિ પંડ્યાએ જણાવ્યું હતું કે, સતત 3 ટર્મ સુધી પક્ષે શા માટે સ્ત્રીહઠને માની લેવી પડે!!! આ બેનને ત્રીજી ટર્મમાં ટિકિટ આપવામાં એવી તો કઈ અનિવાર્યતા છે, એવું તો તમને વડોદરા પાસે શું જોઈએ છે કે તમે આને આ જ ઝંખો છે. વ્યક્તિ તરીકે હું કોઈની વિરૂદ્ધ નથી. મારે પુછવું છે કે, ત્રણ ત્રણ ટર્મ સુધી શા માટે સ્ત્રીહઠને માનવી પડે? હું પણ સ્ત્રી છું. મેં 30 વર્ષ સુધી ભાજપનું કામ નિષ્ઠાપૂર્વક કર્યું છે. મારા મેયર તરીકેના કાર્યકાળમાં કરપ્શન ન કરવું જોઈએ તેવી માન્યતા લઇને નિકળી અને તેને વળગી રહી છું.

બીજા કાર્યકર્તાઓ પણ અવાજ ઉઠાવશેઃ જ્યોતિબેન પંડ્યાએ પત્રકાર પરિષદમાં પત્રકારોને પણ જણાવ્યું હતું કે, આપ સૌ જર્નાલિસ્ટ છો, આપ જાણો છો કે મારા થકી કેટલો વિકાસ થયો છે. એટલું જ નહીં પરંતુ બીજા કેટલાય કાર્યકર્તાઓ પણ આ બાબતે અવાજ ઉઠાવશે, પક્ષે આ બાબતે ધ્યાન આપવું જોઈએ. આજે મારો અવાજ હું નરેન્દ્ર મોદી કે અમિત શાહ સુધી પહોંચી શકતો નથી તેનું શું કારણ છે???

  1. BJP Releases Second List : ભાજપે લોકસભા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, હસમુખ પટેલ અને રંજન ભટ્ટ રીપીટ
  2. Vadodara Airport : વડોદરા-પૂનાની નવી ફ્લાઇટ શરૂ, સાંસદે મોં મીઠું કરાવીને વેલકમ કર્યું

ABOUT THE AUTHOR

...view details