ગુજરાત

gujarat

Bhuj philanthropist Mitesh Shah : નિસ્વાર્થ સેવાનું સાચું ઉદાહરણ ભુજના મિતેશ શાહ, 350 લોકોને આપ્યું નવજીવન

By ETV Bharat Gujarati Team

Published : Mar 13, 2024, 2:13 PM IST

Updated : Mar 14, 2024, 6:36 AM IST

નિસ્વાર્થ સેવા જ સાચી ભક્તી છે, આ સૂત્રને ભુજના એક વ્યક્તિએ સિદ્ધ કર્યું છે. સ્વ કરતા સર્વને મહત્વ આપી સતત સેવાકાર્ય કરતા મિતેશ શાહ છેલ્લા 9 વર્ષથી વિવિધ રીતે સેવાકાર્ય કરી રહ્યા છે. પરંતુ તેમના આ સેવાયજ્ઞની શરૂઆત કેવી રીતે થઈ અને કેવી રીતે એક વ્યક્તિ આટલી સેવા કરી શકે છે, જુઓ આ અહેવાલમાં...

ભુજના મિતેશ શાહ
ભુજના મિતેશ શાહ

Bhuj philanthropist Mitesh Shah

કચ્છ :સ્વ કરતા સર્વને વધુ મહત્વ આપી સતત સેવાકાર્યમાં સમય આપવો એ માનવતાના શિખર પર બિરાજમાન થવાનું સોપાન છે. આવા જ શિખર પર બિરાજી રહેલા ભુજના એક એવા સેવાભાવી વ્યક્તિ આરોગ્ય ક્ષેત્રે સરાહનીય કામગીરી કરી રહ્યા છે. ભુજના મિતેશ શાહ અનેક લોકોને આરોગ્ય લક્ષી મદદ કરીને નવજીવન આપી રહ્યા છે.

મિતેશભાઈનું વિશાળ સેવાક્ષેત્ર

2005 માં શરૂ થયો સેવાયજ્ઞ :ભુજના મિતેશ શાહે વર્ષ 2005 માં એક પરિવારની મદદ કરીને સેવાકાર્યનો પ્રારંભ કર્યો હતો. આજે 350 જેટલા દર્દીઓને મેડીકલ મદદ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. દરવર્ષે સારવાર પાછળ 50 લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે. મિતેશ શાહે અત્યાર સુધીમાં અનેક જરૂરિયાતમંદ લોકોની મેડિકલ ક્ષેત્રે મદદ કરીને સેવાની ધૂણી ધખાવી છે.

મિતેશભાઈનું વિશાળ સેવાક્ષેત્ર :મિતેશ શાહ પાસે આવેલ કોઈ પણ વ્યક્તિ ખાલી હાથે પરત જતો નથી. તેમના આ સેવા કાર્યથી અનેક લોકોને નવજીવન મળ્યું છે. મિતેશભાઇનું સેવા ક્ષેત્ર ખૂબ જ વિશાળ છે. તેઓ જીવદયા, વિધવા કે અપંગોની સહાય, મુસીબતનો માર્યા લોકોને મદદ તથા સૌની માંગણીને યોગ્ય માર્ગદર્શન અને મદદથી પૂરી કરવાની નિષ્ઠા સાથે કામ કરી રહ્યા છે. તેઓ શિક્ષણ તેમજ આરોગ્ય ક્ષેત્રમાં પોતાના અનુભવથી લોકોની સમસ્યાનું સમાધાન કરવાના સતત પ્રયત્નો કરી રહ્યા છે.

નિસ્વાર્થ સેવાનું સાચું ઉદાહરણ

માતાના શબ્દ બન્યા પ્રેરણાસ્ત્રોત :મિતેશ શાહને આવી રીતે આરોગ્ય ક્ષેત્ર તેમજ શિક્ષણ ક્ષેત્રે જરૂરિયાત મંદ લોકોને મદદ કરવાની પ્રેરણા તેમના માતા દ્વારા આપવામાં આવી હતી. તેમના માતાએ એક વખત જણાવ્યું હતું કે, બે-ચાર વ્યક્તિ એવા હોવા જોઈએ જેના મુખ પર સ્મિત આપણા થકી દેખાતું હોય. આ શબ્દોની ગાંઠ બાંધી મિતેશભાઈએ જીવનભર સેવા કરવાનું નક્કી કર્યું છે.

મિતેશભાઈ ડાયાલીસીસ વાળા :મિતેશ શાહની ઓફિસમાં જરૂરીયાતમંદ લોકો અહીંયા મદદ માટે આવે છે. આ દર્દીઓને સારવાર, હોસ્પિટલમાં એડમિટ કરવા અને દવા આપવા તેમજ ભોજન સહિતની વ્યવસ્થા અથવા તો આર્થિક મદદ મિતેશભાઈ કરી આપે છે. તેઓ ડાયાલીસીસના દર્દીઓ માટે સેવા કરી રહ્યા છે, એટલે લોકો તેમને મિતેશભાઈ ડાયાલીસીસ વાળા તરીકે પણ ઓળખે છે. મિતેશભાઈ અપરણિત છે અને તેઓ કોઈ ધંધો કે નોકરી નથી કરી રહ્યાં. પરંતુ દાતાઓના સહયોગથી તેઓ 350 જેટલા દર્દીઓની સારવારની તમામ જવાબદારી નિભાવી રહ્યા છે. દર વર્ષે સારવાર પાછળ 50 લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે.

Bhuj philanthropist Mitesh Shah

દરેક સેવાની પારદર્શક નોંધ :કોઈ પેઢીના કે ઓફિસના હિસાબો આટલા ચોક્કસ અને પારદર્શક નહીં હોય જેટલા મિતેશભાઈ પોતાના દ્વારા કરવામાં આવતી સેવાના હિસાબો રાખે છે. તેમની પાસે એક એક લાભાર્થીની નોંધ છે, તેમના બાયોડેટા, ફોટા અને ખાતા છે કે જેમાં દરરોજ, દર મહિને અને દર વર્ષે તેમને કોના દ્વારા કેટલી મદદ કરવામાં આવી તેની તમામ નોંધ છે. આજે કોઈ પણ વ્યક્તિ તેમના હિસાબ જોઈને તેમની પારદર્શક સેવાનો અંદાજ પણ મેળવી શકે છે.

વિધવા બહેનોની નિસ્વાર્થ મદદ :મિતેશભાઈ વિધવા બહેનોને દર મહિને રાશન કીટ અને રોકડ રકમ આપીને મદદ કરી રહ્યા છે. મિતેશભાઈએ અંધશાળા અને ચિલ્ડ્રન હોમના 35 જેટલા બાળકોને પોતાનો પરિવાર માની રહ્યા છે. મિતેશભાઈ તમામ તહેવારોની ઉજવણી બાળકો સાથે કરે છે. મિતેશભાઈએ કરેલી સેવાના કારણે આજે અનેક લોકોને મદદ અને નવજીવન મળી રહ્યું છે.

જેનો કોઈ નથી તેના મિતેશભાઈ :છેલ્લા 8 વર્ષથી મિતેશભાઈ પાસેથી આર્થિક મદદ મેળવી રહેલા લાભાર્થી સુધીર જોશીએ જણાવ્યું કે, છેલ્લા 8 વર્ષથી મિતેશભાઈના સંપર્કમાં છે અને પોતાની સારવાર માટે મદદ મેળવી રહ્યા છે. અગાઉ તે રિક્ષા ચલાવતા હતા અને તેમના મોટા બહેનને ડાયાલિસિસ કરવાનું થતું હતું. એક ડાયાલિસિસનો ખર્ચ 3000 રૂપિયા થતો, તેની મદદ મિતેશભાઈ દ્વારા કરવામાં આવતી હતી. છેલ્લા 3 વર્ષથી પોતાની કિડની પણ ફેલ થયા સુધીરભાઈ બેરોજગાર થયા છે. ત્યારે તેમની સારવાર માટે પણ મિતેશભાઈએ મદદ કરી હતી. તેઓ જણાવે છે કે જેના કોઈ નથી તેના મિતેશભાઈ છે.

કેન્સરથી પીડિતની વ્હારે મિતેશભાઈ :મોઢાના કેન્સરથી પીડિત મોહનભાઈ માંદેલે પણ સારવાર માટે મિતેશભાઈ પાસેથી દર મહિને સહાય મેળવે છે. બહારની દવા માટે તેમજ પોતાના 9 વર્ષના બાળકને ફીટ આવવાની બીમારી માટેની જરૂરી દવા અને સારવાર માટેની મદદ પણ મિતેશભાઈ તેમને કરે છે. છેલ્લા 6-7 મહિનાથી મિતેશભાઈ સાથે તેમના સંપર્કમાં આવ્યા છે, પરંતુ ક્યારેય પણ તેઓ ખાલી હાથે પાછા નથી ગયા.

જીવદયા, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે સેવા :મિતેશ શાહે જણાવ્યું હતું કે, સેવા કરવાનું કાર્ય તેઓ વહેલી સવારથી જ શરૂ કરી દે છે. તેઓ ભુજ શહેરમાં 3 પાણીની પરબ, 10 વર્ષથી 3 જેટલા ચબુતરા પણ ચલાવી રહ્યા છે. સાથે જ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે પણ દાતાઓના સહયોગથી સેવા કરી રહ્યા છે. તેઓ પોતે સિંગલ હોવાથી તેમજ પોતે કંઈ નોકરી ધંધો કરતા ન હોવાથી દાતાઓ તરફથી આપવામાં આવેલ રકમનો ઉપયોગ સ્વ ખર્ચ માટે નથી કરતા, તેનો નિભાવ ખર્ચ દર મહિને તેમના ભાણેજ પ્રશાંત શાહ દ્વારા આપવામાં આવે છે.

  1. Bhuj Collection Of Coins : ભુજના બેંકરને જાગ્યો અનોખો શોખ અને તૈયાર થયો પાંચ હજાર સિક્કાનો અમૂલ્ય સંગ્રહ
  2. Parents' Worship Day: ભુજની શાળામાં બાળકોએ મા-બાપનું પૂજન કરીને વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી
Last Updated : Mar 14, 2024, 6:36 AM IST

ABOUT THE AUTHOR

...view details