ગુજરાત

gujarat

Wetlands of Gujarat: મહીસાગરના સ્વરુપસાગર તળાવમાં પક્ષી ગણતરી યોજાઇ, 75 પક્ષીઓની જાતો નોંધાઇ

By ETV Bharat Gujarati Team

Published : Feb 2, 2024, 9:32 PM IST

મહીસાગરના લૂણાવાડાના સ્વરુપસાગર તળાવમાં પક્ષી ગણતરી કરવામાં આવી હતી. બે દિવસ ચાલેલી આ પક્ષી ગણતરીમાં યાયાવર પક્ષીઓની 20 ટકા પ્રજાતિઓ મહીસાગર જિલ્લામાં નોંધાઈ છે. આપને જણાવીએ કે બે ફેબ્રુઆરી વર્લ્ડ વેટલેન્ડ ડેની ઉજવણી થાય છે. ગુજરાતના જળપ્લાવિત ક્ષેત્રો સંરક્ષણ અને વિકાસનો હેતુ આ ઉજવણીમાં છે.

Wetlands of Gujarat: મહીસાગરના સ્વરુપસાગર તળાવમાં પક્ષી ગણતરી યોજાઇ,  75 પક્ષીઓની જાતો નોંધાઇ
Wetlands of Gujarat: મહીસાગરના સ્વરુપસાગર તળાવમાં પક્ષી ગણતરી યોજાઇ, 75 પક્ષીઓની જાતો નોંધાઇ

મહીસાગર : જળપ્લાવિત વિસ્તારોના સંરક્ષણ અને વિકાસ માટે વેટલેન્ડને સંરક્ષિત બનાવી રાખવાનાં ઉદ્દેશ્યથી દર વર્ષે બે ફેબ્રુઆરી વર્લ્ડ વેટલેન્ડ ડેની ઉજવણી થાય છે. ત્યારે સૌને વર્લ્ડ વેટલેન્ડ ડે ની શુભકામનાઓ પાઠવતા મહીસાગર જિલ્લા નાયબ વન સંરક્ષક નેવિલ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ વર્ષે વેટલેન્ડની થીમ છે “ વેટલેન્ડ એન્ડ હ્યુમન વેલબીઈંગ” વેટલેન્ડ માત્ર પક્ષીઓ માટે જ નહીં, પરંતુ માણસો માટે પણ ખૂબ અગત્યના છે તે સ્થાનિક વપરાશ તેમજ સિંચાઇના ઉપયોગ માટે પાણી આપે છે. તેઓ ભૂગર્ભ જળના તળ ઉપર લાવવામાં પણ મદદરૂપ થાય છે. વેટલેન્ડ પાણીની અછત અને આહાર સંબંધિત પાણીની જરૂરીયાતો પરિપૂર્ણ કરે છે અને પ્રકૃતિતંત્રની અનેક પ્રકારે સેવા કરે છે.

બે ફેબ્રુઆરી વર્લ્ડ વેટલેન્ડ ડેની ઉજવણી

સ્વરુપસાગર તળાવમાં પક્ષી ગણતરી :ગુજરાતના જળપ્લાવિત ક્ષેત્રોમાં આ તળાવની ગણતરી કરવામાં આવે છે. આ વર્ષ વિશેષ એટલા માટે છે કે આ વખતે મહીસાગર જિલ્લાની સાથે સાથે સમગ્ર રાજ્યમાં વેટલેન્ડ બર્ડસની ગણતરી કરવામાં આવી હતી અને આ ગણતરી બે તબક્કામાં કરી હતી. જેમાં પ્રાથમિક તબક્કામાં ડિસેમ્બર મહિનામાં એની શરૂઆત કરી હતી અને તેમાં મહીસાગર જિલ્લાના 37 જળપ્લાવિત વિસ્તારો ગણતરીમાં લેવામાં આવ્યા હતાં. તેનાથી જે અંદાજ મળ્યો તેના આધારે મહીસાગર જિલ્લાનું મોટું વેટલેન્ડ લુણાવાડા તાલુકાના વરધરી પાસે આવેલ સ્વરૂપસાગર લેકને મુખ્ય ગણતરીમાં લેવામાં આવ્યું હતું.

યાયાવર પક્ષીઓની 20 ટકા પ્રજાતિઓ મહીસાગર જિલ્લામાં

યાયાવર પક્ષીઓની 20 ટકા પ્રજાતિઓ મહીસાગર જિલ્લામાં નોંધાઈ :સ્વરુપસાગર તળાવમાં પક્ષી ગણતરી 27 અને 28 જાન્યુઆરી એમ બે દિવસ ચાલી હતી. જેમાં 400 હેક્ટરના આખા તળાવને નાયબ વન સંરક્ષક નેવિલ ચૌધરી અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર વૈભવ હારેજાના માર્ગદર્શનમાં ચાર કાઉન્ટિંગ ઝોનમાં વિભાજીત કરી દરેક કાઉન્ટિંગ ઝોનમાં ટીમ લીડર ફોરેસ્ટર સાથે અન્ય બીટગાર્ડસ અને પક્ષી વિદો એમાં જોડાયા હતા. સમગ્ર બે દિવસની પક્ષી ગણતરીના જે આંકડા આવ્યા છે એ જોતા કુલ અંદાજિત 75 જેટલી પક્ષીઓની જાતો નોંધવામાં આવી છે અને એની સંખ્યા દસ હજારને પણ પાર કરી ચુકી છે એ જિલ્લા માટે આનંદની વાત છે. જેમાં સમગ્ર રાજ્યમાં જોવા મળતાં યાયાવર પક્ષીઓની 20 ટકા પ્રજાતિઓ જિલ્લામાં નોંધાઈ છે.

75 જેટલી પક્ષીઓની જાતો નોંધવામાં આવી

લુપ્ત થતી પ્રજાતિના રેડ ક્રેસ્ટર્ડ પોચાર્ડ અને ગાજહંસે મુખ્ય આકર્ષણ જમાવ્યું : ગુજરાતના જળપ્લાવિત ક્ષેત્રોમાંના એક સ્વરૂપસાગર તળાવમાં પક્ષી ગણતરીમાં રેસીડેન્ટ પ્રજાતિ કોમન કૂટ, ગ્રીપ્સ, કોર્મોરેન્ટસ, ડાર્ટ્સ, હેરોન, કોમ્બ ડક સહિત યાયાવર પ્રજાતિમાં શોવેલર, ગાર્ડવોલ , પીટેલ, વિજીઓન, પોચાડે જેવી અનેક વિધ પ્રજાતિ જોવા મળી. જેમાં લુપ્ત થતી પ્રજાતિ રેડ ક્રેસટર્ડ પોચાર્ડ અને ગાજ હંસનું મુખ્ય આકર્ષણ હતું.

વર્લ્ડ વેટલેન્ડ ડે પર ચિંતા : આ ઉપરાંત મોટા યાયાવર પક્ષી સારસ ક્રેનથી માંડીને ફ્લેમિંગોસ પણ આપણા જિલ્લાની મુલાકાતે અવાર નવાર આવતા હોય છે. પક્ષીઓનું સંરક્ષણ-સંવર્ધન અતિથિ દેવો ભવની વિભાવનાને સાર્થક કરીએ અને આશા રાખીએ કે, આના કરતાં પણ વધારે સારા પ્રમાણમાં અને વિવિધ પ્રજાતિના પક્ષીઓ આપણા ગુજરાતમાં મુલાકાત લઇ પ્રકૃતિને રળિયામણી બનાવે.કારણ કે વિશ્વ સમક્ષ પર્યાવરણની જાળવણી એક પડકાર ઉભો થયો છે. બદલાતા પરિમાણો અને તેને પગલે સર્જાતા પરિણામોથી આજે વેટલેન્ડના અસ્તિત્વ સામે પણ અનેક પડકારો ઉભા થયા છે. તેથી તેની સુરક્ષા અને સંવર્ધનની તાતી જરૂરિયાત ઊભી થઈ છે.

  1. Wetlands Day 2023 : નળ સરોવર ખાતે કરાશે વેટલેન્ડ ડેની ઉજવણી
  2. Migratory Birds In Porbandar: શિયાળામાં મોકર સાગર વેટલેન્ડમાં યાયાવર પક્ષીઓનો જમાવડો

ABOUT THE AUTHOR

...view details