ગુજરાત

gujarat

Morbi News : કોંગ્રેસ મોવડી મંડળના નિર્ણયથી કાર્યકરો કેમ નારાજ ? નવનિયુક્ત જિલ્લા પ્રમુખે કર્યો મોટો દાવો

By ETV Bharat Gujarati Team

Published : Feb 16, 2024, 5:12 PM IST

દિલ્હીથી કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા ગુજરાતના 13 જિલ્લામાં ફેરફાર કરવામાં આવ્યા છે. મોરબીમાં જિલ્લા પ્રમુખ તરીકે કિશોર ચીખલીયાની વરણી થતા જિલ્લા કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં નારાજગી છે. આ મામલે પૂર્વ જિલ્લા પ્રમુખે બે પૂર્વ ધારાસભ્ય અને નવનિયુક્ત પ્રમુખ પર આક્ષેપ કર્યા હતા.

જિલ્લા કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં નારાજગી
જિલ્લા કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં નારાજગી

કોંગ્રેસ મોવડી મંડળના નિર્ણયથી કાર્યકરો કેમ નારાજ ?

મોરબી :મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશોર ચીખલીયાની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસ મોવડી મંડળના નિર્ણય સામે મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો હતો. પૂર્વ પ્રમુખ જયંતી પટેલે કહ્યું કે, કોંગ્રેસના બે પૂર્વ ધારાસભ્યએ પક્ષ વિરોધી કાર્ય કરનારને આગળ કરી કોંગ્રેસમાં પરત લાવ્યા તેને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદ આપવું યોગ્ય નથી અને કાર્યકરો ક્યારેય સ્વીકારશે નહીં.

નવનિયુક્ત જિલ્લા પ્રમુખનો વિરોધ :મોરબી જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ જયંતી પટેલે જણાવ્યું કે, જિલ્લા કોંગ્રેસમાં ફેરફાર થયા છે અને કિશોર ચીખલીયાની પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે, જેનો કાર્યકરો અને નેતાઓ વિરોધ નોંધાવે છે. પક્ષમાં પરિવર્તન થાય તે સ્વાભાવિક છે પરંતુ જે નામની નિમણુંક થઈ તેણે અગાઉ બે વખત પક્ષ સામે બળવો કર્યો છે. કારોબારી ચેરમેન બનવા માટે તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ બનવા સમયે તેને પક્ષના મેન્ડેડથી વિરુદ્ધ જઈને પદ મેળવ્યું હતું. એટલું જ નહીં પેટા ચૂંટણી સમયે પણ પક્ષે જયંતી પટેલને ઉમેદવાર જાહેર કર્યા હતા. ત્યારે ભાજપ સાથે સોદો કરીને ભાજપમાં ગયા અને મોરબી કોંગ્રેસને જીતેલી બેઠક ગુમાવવી પડી હતી. વારંવાર આ ઘટનાક્રમ જોવા મળ્યો છે, છતાં પક્ષ આવા નિર્ણય લે તેને કાર્યકરો સ્વીકારી લેશે નહીં.

પૂર્વ ધારાસભ્યો પર આક્ષેપ : જયંતી પટેલે વધુમાં જણાવ્યું કે, કિશોરભાઈને કોંગ્રેસના વફાદાર કાર્યકરો ક્યારેય સ્વીકારશે નહીં. વર્ષ 2022 ચૂંટણી પૂર્વે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પીરઝાદા અને લલિત કગથરા કિશોરભાઈને પક્ષમાં પરત લાવ્યા અને તેમણે પક્ષ વિરોધી કાર્ય કર્યું હતું. જે વિરોધ અંગે પ્રદેશ નેતાઓને જાણ કરી છે. તેમના પત્ની હાલ જિલ્લા પંચાયતમાં ભાજપના સદસ્ય છે અને 2 કમીટીમાં સભ્ય તરીકે કાર્યરત છે. કોંગ્રેસને તબક્કાવાર વિખવાનું કાર્ય ચાલી રહ્યું છે.

આ પ્રમુખને કાર્યકરો નહીં સ્વીકારે :બ્રિજેશ મેરજા સામે વિરોધ નોંધાવતા જયંતી પટેલે જણાવ્યું કે, વર્ષ 2014 માં બ્રિજેશ મેરજા કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા અને ફરી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો. ત્યારે તેમને પ્રમુખ બનાવ્યા અને 2017 માં પક્ષે ટીકીટ આપતા તે વિજેતા બન્યા હતા. છતાં પક્ષ છોડી પેટા ચૂંટણી સમયે તેઓ ભાજપમાં ચાલ્યા ગયા અને પછી શું કર્યું તે જગજાહેર છે. કિશોરભાઈની ટોળકીના કાર્યોને પગલે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે જયંતી પટેલને નજીવા મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો.

નવનિયુક્ત પ્રમુખનો દાવો :નવનિયુક્ત મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાએ જણાવ્યું કે, પક્ષે જે જવાબદારી સોંપી છે તે નિષ્ઠાપૂર્વક નિભાવશે. ઉપરાંત પૂર્વ પ્રમુખના આક્ષેપો અંગે કહ્યું કે, તેઓ વડીલ છે અને તેમને સાથે રાખીને કોંગ્રેસ પક્ષને મજબૂત કરવાનું કાર્ય કરીશ. બધાને સાથે રાખી સંગઠન વધુ મજબૂત બને તે માટે કાર્યરત રહીશ. કોઈ દૂર હશે તો તેને સમજાવીને સાથે કરીશું અને પક્ષને મજબૂત બનાવીશું. કોંગ્રેસ છોડવું તેમની ભૂલ હતી તે સ્વીકારતા કિશોર ચીખલીયાએ કહ્યું કે, હું કોંગ્રેસ વિચારધારાને માનું છું અને ભાજપ વિચારધારા મારા મગજમાં નહોતી બેસતી જેથી પરત આવ્યો છું.

  1. Dayanand Sarswati: ટંકારામાં દયાનંદ જન્મભૂમીની હાલત જોઈને ખુબ દુ:ખ થયું, પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી : રાજ્યપાલ
  2. Morbi Crime : મોરબી કોર્ટ પરિસરમાં હથિયાર લઈ જનાર શખ્સ કોણ

ABOUT THE AUTHOR

...view details