Modak competition: જામનગરમાં યોજાઈ મોદક સ્પર્ધા, જાણો કોણે કેટલા લાડવા ખાધા ?
જામનગર: આગામી ગણેશ ચતુર્થીના તહેવારને ધ્યાનમાં રાખીને જામનગરમાં મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોદક સ્પર્ધામાં 36 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પુરુષ કેટેગરીમાં 11 લાડુ ખાનાર વ્યક્તિને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા તો મહિલા કેટેગરીમાં પણ 11 લાડુ ખાનાર મહિલા પ્રથમ ક્રમે રહી હતી. બાળકોની કેટેગરીમાં 9 લાડુ ખાનાર બાળકને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ ઘીથી બનેલા ચુરમાના લાડુનું વજન 70 ગ્રામ વજન હોય છે.
1100 રૂપિયાનું રોકડ ઇનામ: મોદકની સાથે તુવેરની દાળ પણ પીરસવામાં આવી હતી. આજ રોજ યોજાયેલ મોદક સ્પર્ધામાં બાળકોમાં દર્શીતસિંહ ચૌહાણે 9 લાડુ ખાધા તો જય રાજસિંહ ચૌહાણે 7 લાડુ આરોગ્યા હતા. પુરુષોમાં 11 લાડુ શેલેશ ગોવિદભાઈ વૈષ્ણવ અને 10 લાડુ પંડ્યા હિતેશભાઈએ ખાધા હતા. જો કે મોદક સ્પર્ધામાં મહિલાઓ પણ મેદાન મારી ગઇ છે. પદ્મા બહેન ગજેરા 11 લાડુ ખાઈ ગયા હતા તો વાઢેર તેજલ પાંચ લાડુ ખાઈ ગયા હતા. સ્પર્ધામાં વિજેતા જાહેર થયેલા સ્પર્ધાકોને 1100 રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું.