ETV Bharat / sukhibhava

ટ્રોમા ગંભીર માનસિક રોગનું કારણ બની શકે છે : વિશ્વ ટ્રોમા દિવસ

author img

By

Published : Oct 17, 2021, 9:04 AM IST

WORLD TRAUMA DAY
WORLD TRAUMA DAY

કટોકટીની પરિસ્થિતિઓમાં કોઈપણ પ્રકારના આઘાતનો ભોગ ન બનવા તેમજ આઘાતના લક્ષણો અને નિવારણ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય માટે 17 ઓક્ટોબરના રોજ વર્લ્ડ ટ્રોમા ડે (WORLD TRAUMA DAY) ઉજવવામાં આવે છે.

  • વિશ્વભરમાં આજે ઉજવવામાં આવે છે "વિશ્વ ટ્રોમા દિવસ"
  • આઘાત માત્ર શારીરિક ઈજા કે પીડાને કારણે થતો નથી
  • ટ્રોમા થયા અને બાદ જરૂરી કાળજી રાખવી પડે છે

ન્યૂઝ ડેસ્ક : ટ્રોમાનો (WORLD TRAUMA DAY) શાબ્દિક અર્થ ગુજરાતીમાં આઘાત થાય છે. જો તેને સરળ શબ્દોમાં સમજવામાં આવે તો તે મુંઢ ઈજા જેવી છે જે ઓછી દેખાય છે, પરંતુ તેનાથી થતી પીડા અથવા નુકસાન લાંબા સમય સુધી કે ક્યારેક આજીવન પરેશાન કરી શકે છે. આઘાત માત્ર શારીરિક ઈજા કે પીડાને કારણે થતો નથી, પણ આપણે અહીં જે સંદર્ભમાં આઘાત વિશે વાત કરી રહ્યા છીએ તે માનસિક આઘાત સાથે સંબંધિત છે.

કોઈનું મૃત્યુ, કોઈ ખાસ વ્યક્તિથી અંતર, માંદગી, હિંસા, નિષ્ફળતા, કુદરતી આફત અથવા અપંગતા, ઘણા કારણો છે જે આપણા જીવનમાં કેટલાક ગંભીર આઘાત પેદા કરી શકે છે. જો આ સ્થિતિને સમયસર નિયંત્રિત કરવામાં ન આવે, તો ક્યારેક પીડિતો પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD) જેવા મનોરોગના શિકાર પણ બની શકે છે. આઘાત જેવી પરિસ્થિતિઓથી પોતાને બચાવવા અને તમારા પરિવાર તેમજ નજીકના લોકોને બચાવવા માટે, જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી, લોકોને કટોકટીની પરિસ્થિતિઓમાં સલામતી અને સાવચેતી બન્ને વિશે જાગૃત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આને કારણે, સમગ્ર વિશ્વમાં લોકોને જાગૃત કરવાના હેતુથી 17 ઓક્ટોબરના રોજ સમગ્ર વિશ્વમાં 'વર્લ્ડ ટ્રોમા ડે' (WORLD TRAUMA DAY) ઉજવવામાં આવે છે. પ્રથમ વખત, આ દિવસની ઉજવણી વર્ષ 2011 માં દેશની રાજધાની દિલ્હીમાં શરૂ કરવામાં આવી હતી.

ટ્રોમાની અસરો અને લક્ષણો

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહે છે કે, આઘાત વિશ્વભરમાં મૃત્યુ અને અપંગતાનું સૌથી મોટું અને અગ્રણી કારણ છે. ટ્રોમાને એક રોગ તરીકે વ્યાખ્યાયિત કરી શકાતુ નથી. તે એવી સ્થિતિ છે જે પીડિતના સામાજિક, માનસિક, શારીરિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય અને વર્તનને અસર કરે છે. બીજી બાજુ, આઘાતનો શિકાર બનવા માટે, તે જરૂરી નથી કે તમે પોતે અથવા તમારી નજીકનો કોઈ વ્યક્તિ આપત્તિ અથવા અકસ્માતનો શિકાર બન્યો હોય. ઘણી વખત, ટીવી અથવા સંદેશાવ્યવહારના અન્ય માધ્યમો દ્વારા રોગચાળો, યુદ્ધ, કુદરતી આપત્તિ અથવા કોઈપણ સામાજિક સમસ્યા વિશે જાણ્યા પછી પણ, લોકો પોતે કંઇક ખરાબ થવાનો ભય અને ડર અનુભવવા લાગે છે જે આઘાતનું કારણ બની શકે છે. જેનું સૌથી તાજેતરનું ઉદાહરણ તાજેતરમાં કોરોના મહામારીના રૂપમાં જોવા મળ્યું છે. જ્યાં રોગચાળો અને તેના કારણે મૃત્યુનો ડર લોકોના માનસિક સ્વાસ્થ્યને ખૂબ અસર કરે છે. આ યુગમાં ફેલાયેલા ભયની અસર હજુ પણ મોટી સંખ્યામાં લોકોના મન પર પોસ્ટ ટ્રોમેટિક ડિસઓર્ડરના રૂપમાં દેખાય છે.

ટ્રોમાંથી પીડાતા વ્યક્તિના લક્ષણો

  • ગુસ્સો, ચીડિયાપણું અને મૂડમાં બદલાવ
  • નિરાશા અને ઉદાસી
  • એકલતા અનુભવવી
  • કોઈ પણ બાબતમાં અણગમો
  • સામાજિક જીવનમાંથી દૂર થવું
  • ચિંતા અને ડર
  • ઉંઘનો અભાવ
  • વાત વાતમાં ગભરાય જવું
  • અવિશ્વાસ
  • ભાવનાત્મક આઘાત

માર્ગ અકસ્માતના મુખ્ય કારણો

માર્ગ અકસ્માતો, જેને 'RTAs' તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સમગ્ર વિશ્વમાં ટ્રોમાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) અનુસાર, લગભગ 50 ટકા માર્ગ અકસ્માતો વિકસિત દેશોમાં થાય છે.

માત્ર ભારતની વાત કરીએ તો વર્ષ 2013 માં નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) અનુસાર, માર્ગ અકસ્માતમાં લગભગ 1 લાખ 37 હજાર લોકો માર્યા ગયા હતા. ત્યારથી આ સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

આ સંદર્ભે વિવિધ સ્રોતોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, દર વર્ષે વિશ્વભરમાં આશરે 5 મિલિયન લોકો અને માત્ર ભારતમાં 10 લાખ લોકો માર્ગ અકસ્માતોને કારણે મોટી સંખ્યામાં મૃત્યુ અને શારીરિક અપંગતાના શિકાર બને છે. એવું માનવામાં આવે છે કે આપણા દેશમાં દર 2 મિનિટે એક વ્યક્તિ માર્ગ અકસ્માતના કારણે અને દર 8 મિનિટે દુર્ઘટનાને કારણે મૃત્યુ પામે છે. માર્ગ અકસ્માતોનો ભોગ બનેલા મોટાભાગના યુવાનો છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે દર વર્ષે આપણા દેશમાં માર્ગ અકસ્માતોની સંખ્યા ગયા વર્ષની સરખામણીમાં 3 ટકા વધે છે.

માર્ગ અકસ્માતો ઉપરાંત, કેન્સર અને હૃદય સંબંધીત રોગો પણ આપણા દેશમાં ટ્રોમાના મુખ્ય કારણોમાં ગણવામાં આવે છે.

સાવચેતી રાખવાની જરૂર

એક પ્રચલિત કહેવત છે કે, સારવાર કરતા સાવચેતી વધુ સારી, તેથી ટ્રોમા જેવી પરિસ્થિતિને ટાળવા માટે, જરૂરી સાવચેતી રાખો અને સલામતીના નિયમો અપનાવો. ઘરે અને બહાર સલામતી નિયમોને અપનાવીને, લોકો તેમની સલામતીના પગલાઓ ભરી શકે છે.

  • માર્ગ સલામતી, ટ્રાફિક સિગ્નલો અને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરો
  • ટુ વ્હીલર ચલાવતી વખતે હંમેશા હેલ્મેટનો ઉપયોગ કરો, તેમજ વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરો
  • ઘરમાં નાના બાળકોની સલામતી પર ખાસ ધ્યાન આપો અને તેમને વિદ્યુત સ્વીચો અને તીક્ષ્ણ વસ્તુઓથી દૂર રાખવાનો પ્રયાસ કરો
  • સીડી, બાલ્કની, છત અને બારીઓ માટે જરૂરી સલામતી ધોરણોનો ઉપયોગ કરો
  • સીપીઆર જેવી કટોકટીમાં જીવન બચાવ તકનીકોથી વાકેફ રહો
  • ઘરે અને તમારા વાહનમાં ફર્સ્ટ એઇડ કીટ હંમેશા તૈયાર રાખો

ટ્રોમા પીડિતને કેવી રીતે મદદ કરવી

જ્યારે ગંભીર આઘાતના લક્ષણો દેખાય છે, તે સમયે ભોગ બનનારની વ્યક્તિગત સંભાળ સાથે ઉપચાર અથવા તબીબી મદદ લેવી જરૂરી બને છે. આવી સ્થિતિમાં, ઘણી વખત પીડિત ખૂબ ચીડિયા અને માનસિક હતાશાનો શિકાર બની શકે છે. તેથી, તેની સાથે ધીરજથી વ્યવહાર કરો. આ સાથે, પીડિતનો આત્મવિશ્વાસ જાળવવા અને તેની આસપાસના વાતાવરણને સુખદ રાખવા માટે પ્રયત્નો કરવા જોઈએ. આ સાથે, પીડિતને એવું લાગવું જરૂરી છે કે જે બન્યું તે બદલી શકાતું નથી, પરંતુ માત્ર ઉદાસી અથવા ભયને અપનાવવાથી તેઓ જ નહીં પરંતુ તેમના નજીકના અને પ્રિયજનો પણ દુ:ખી થઈ શકે છે, તેથી તમારા મનના ડરને દૂર કરવાનો પ્રયાસ કરો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.