ETV Bharat / state

DFCCILના ગતિશીલ પ્રોજેકટમાં વાપી વાસીઓએ 2 વર્ષ સુધી પીસાવું પડશે!

author img

By

Published : May 31, 2021, 7:55 AM IST

વાપી
વાપી

વલસાડ જિલ્લાના વાપી સહિત વલસાડમાં હાલ DFCCIL પ્રોજેકટ હેઠળ ફ્રેઈટ કોરિડોરની કામગીરી પ્રગતિમાં છે. આ અંગે આ વિસ્તારમાં વર્ષોથી લોકો જે ગરનાળાઓનો ઉપયોગ આવાગમન માટે કરતા હતા તેને બંધ કરવાની નોબત આવી છે. વલસાડમાં આવા જ રેલવે ગરનાળાને કારણે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો છે. જોકે, વાપીમાં પણ પ્રોજેકટની કામગીરીને લઈને જૂનું રેલવે ગરનાળુ બંધ કર્યું છે. વાપીવાસીઓ માટે એટલે જ આગામી 2 વર્ષ સુધી DFCCIL ના ગતિશીલ પ્રોજેકટને કારણે પીસાવું પડશે.

  • વાપીમાં DFCCIL પ્રોજેકટ હેઠળ જૂનું ગરનાળુ બંધ કર્યું
  • ગટર સહિતની લાઇન માટે ગરનાળુ બંધ કરતા ટ્રાફિકની સમસ્યા
  • ઇસ્ટ-વેસ્ટને જોડતું જૂનું ગરનાળુ કાયમી બંધ થવાની ભીતિ

વાપી: વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર JNPT (જવાહરલાલ નહેરુ પોર્ટ ટર્મિનલ)થી દાદરી વાયા વડોદરા-અમદાવાદ-પાલનપુર-ફૂલેરા-રેવારી સુધીના ડબલ લાઇન ઇલેક્ટ્રિક (2 એક્સ 25 કેવી)ના 1504 કિલોમીટરના અંતરનો પ્રોજેેેકટ પ્રગતિમાં ચાલી રહ્યો છે. વાપીમાં પણ આ પ્રોજેકટ હેઠળ વોટર ડ્રેઇન, સાઈડ ડ્રેઇન, સેન્ટ્રલ ડ્રેઇન, ગેબી ઓન વોલ, કનેકટિંગ રોડ સહિતની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત જુના રેલવે ગરનાળાને બંધ કરવામાં આવ્યું છે. જોકે, મળતી વિગતો મુજબ આગામી દિવસોમાં આ ગરનાળુ વલસાડના ગરનાળાની જેમ કાયમી બંધ કરવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

DFCCILના ફ્રેઈટ કોરિડોર પ્રોજેકટમાં ઓવરબ્રિજના પિલ્લર અડચણરૂપ

વાપીમાં હાલ DFCCIL (ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ) દ્વારા હાથ ધરાયેલા પ્રોજેકટ અંતર્ગત કામગીરી ચાલી રહી છે. વાપીવાસીઓ માટે આ કામગીરી જૂન 2022 સુધી અનેક આપદા આપનારી છે. સૌ-પ્રથમ તો વાપીને ઇસ્ટ-વેસ્ટ એમ બે ભાગે વંહેંચી દેતી પશ્ચિમ રેલવેની લાઈનને કારણે લોકો માટે રેલવે ઓવરબ્રિજ અને રેલવે ગરનાળુ જ મુખ્ય રસ્તા છે. જેમાં DFCCILના ફ્રેઈટ કોરિડોર પ્રોજેકટમાં ઓવરબ્રિજના પિલ્લર અડચણરૂપ થતા હોય તેને તોડી પડવાની જરૂરત ઉભી થઇ છે. ઓવરબ્રિજ પણ 20 વર્ષ જૂનો હોય તેને તોડી નવો બ્રિજ બનાવવા માટે ધારાસભ્ય કનું દેસાઈની પહેલથી 141 કરોડ આસપાસનો નવો બ્રિજ બનાવવાની મંજૂરી મળી છે.

DFCCILના ગતિશીલ પ્રોજેકટમાં વાપી વાસીઓએ 2 વર્ષ સુધી પીસાવું પડશે!
DFCCILના ગતિશીલ પ્રોજેકટમાં વાપી વાસીઓએ 2 વર્ષ સુધી પીસાવું પડશે!

જૂનું ગરનાળુ બંધ થતાં ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો છે

આગામી દિવસોમાં જો ઓવર બ્રિજને તોડી નવા બ્રિજનું કામ શરૂ કરાશે તો ટ્રાફિકને ધ્યાને રાખી હાલ જુના રેલવે ફાટકને ફરી ખુલ્લો કરવો પડશે જે માટે નગરપાલિકાએ, PWD અને રેલવે વિભાગે એકમેક સાથે સંકલન સાધી તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ તમામ તૈયારીઓ વચ્ચે વાપી વાસીઓએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે. હાલમાં DFCL દ્વારા વાપી રેલવે સ્ટેશન નજીક બને તરફ ગટર લાઇન, ટ્રેક સહિતની કામગીરી શરૂ કરી છે. બે દિવસથી જૂનું રેલવે ગરનાળુ પણ બંધ કર્યું છે. એટલે એ વિસ્તારમાં વાહનોના ટ્રાફિકજામની સમસ્યા વકરી રહી છે.

ચોમાસામાં હાલાકીનો સામનો કરવો પડશે

મળતી માહિતી મુજબ આ જૂનું રેલવે ગરનાળુ હવે આગામી દિવસમાં કાયમી બંધ કરવામાં આવશે. જો એવું થાય તો ઇસ્ટ-વેસ્ટમાં આવાગમન માટે માત્ર નવું રેલવે ગરનાળુ એક માત્ર વિકલ્પ રહેશે. જો ચોમાસા પહેલા જુના ફાટકને ખોલવામાં નહીં આવે અને નવા રેલવે ગરનાળામાં પાણીનો ભરાવો થશે તો વાપીવાસીઓ ઇસ્ટમાંથી વેસ્ટમાં જવા આવવા મોટી આપદા અનુભવશે.

આ પણ વાંચો: શહીદ દિને વડોદરા કોંગ્રેસની માગણી: સમા તળાવ પાસે શહીદ વન પ્રોજેકટ શરુ કરી રાષ્ટ્રધ્વજ લગાવો

38,722 કરોડનો છે પ્રોજેકટ

DFCCIL પ્રોજેકટ અંગે વાત કરીએ તો આ કેન્દ્ર સરકાર અને રેલવે મંત્રાલયનો મહત્વનો પ્રોજેકટ છે. ઇસ્ટ-વેસ્ટ રેલવેનો કુલ આ પ્રોજેકટ 95,238 કરોડનો છે. જેમાં વેસ્ટર્ન રેલવે હેઠળ આવતા પાંચ રાજ્યમાં કુલ 1504 કિમિ સુધીનો આ ટ્રેક બનશે. રાજ્ય મુજબ ગુજરાતમાં 565 કિલોમીટર, રાજસ્થાન માં 567 કિમિ, હરિયાણામાં 177 કિમિ, મહારાષ્ટ્રમાં પણ 177 કિમિ અને ઉત્તરપ્રદેશમાં 18 કીમીનો હશે. જે માટે કુલ 38,722 કરોડનું બજેટ છે.

વાપીવાસીઓના આવાગમન માટે સુચારુ ઉકેલ મેળવવો જરૂરી

આ પ્રોજેકટ હેઠળ અલગ-અલગ પેટા કંપનીઓને કન્સ્ટ્રકશનના કોન્ટ્રાકટ અપાયા છે. JNPથી દાદરી સુધીનો વાયા વાપી, સુરત, વડોદરા, અમદાવાદનો આ ફ્રેઈટ કોરિડોર મહત્વનો પ્રોજેકટ છે. જૂન 2022 સુધીમાં તે પૂર્ણ કરવાનો છે. જેને લઈને વાપી વાસીઓએ હાલાકી ભોગવવી પડશે. જે માટે સ્થાનિક નેતાઓ કે વહીવટીતંત્ર તરફથી કોઈ સુચારુ ઉકેલ મળે તેવી આશા સેવવી પણ નકામી છે.

DFCCIL પ્રોજેકટ હેઠળ ફ્રેઈટ કોરિડોરની કામગીરી પ્રગતિમાં
DFCCIL પ્રોજેકટ હેઠળ ફ્રેઈટ કોરિડોરની કામગીરી પ્રગતિમાં

ફ્રેઈટ કોરિડોર પર 109 ટ્રેનનું આવાગમન હશે

પશ્ચિમ કોરિડોર પરના ટ્રાફિકમાં મુખ્યત્વે મહારાષ્ટ્રના જેએનપીટી અને મુંબઇ બંદરના આઇએસઓ કન્ટેનર અને ગુજરાતના પીપાવાવ, મુન્દ્રા અને કંડલાના બંદરોનો સમાવેશ થાય છે, પશ્ચિમ ડીએફસી મારફતે મોકલવામાં આવનાર ચીજોમાં પીઓએલ, ખાતરો, ખાદ્ય અનાજ, મીઠું, કોલસો, આયર્ન, સ્ટીલ અને સિમેન્ટ છે. અન્ય ચીજવસ્તુઓની તુલનામાં તેની ઝડપી વૃદ્ધિને કારણે, કન્ટેનર ટ્રાફિકનો હિસ્સો ધીરે-ધીરે વધશે અને 2021-22 સુધીમાં આશરે 80 ટકાની સપાટીએ પહોંચવાની અપેક્ષા છે. આ માટે 109 જેટલી ટ્રેનોનું આવાગમન થશે.

આ પણ વાંચો: સંઘપ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે વર્ષ પહેલા કરેલા વિકાસલક્ષી પ્રોજેકટના લેખાજોખા

ઔદ્યોગિક નગરી વાપીમાં લોજોસ્ટિક પાર્ક આકાર લેશે

મુંબઇ વિસ્તારમાં ખાસ કરીને કલ્યાણ-ઉલ્હાસનગર અથવા નવી મુંબઈમાં વશી-બેલાપુર, ગુજરાતના વાપી, અમદાવાદ, કચ્છ-ગાંધીધામ, રાજસ્થાનમાં જયપુર વિસ્તારમાં લોજિસ્ટિક્સ પાર્ક સ્થાપવાની દરખાસ્ત છે. વાપી સહિતનો વિસ્તાર ઔદ્યોગિક વિસ્તાર હોય વાપી મહત્વનું સ્ટેશન હશે. જે માટે હાલ પુરજોશમાં કામગીરી ચાલી રહી છે. એટલે ગતિશીલ પ્રોજેકટમાં વાપીવાસીઓએ 2 વર્ષ સુધી પીસાવું પડશે એ ચોક્કસ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.