ETV Bharat / state

વલસાડ SOGએ મહારાષ્ટ્રમાં નોટ છાપી ગુજરાતમાં ઘુસાડવાના કૌભાંડનો કર્યો પર્દાફાશ

author img

By

Published : Jun 14, 2021, 7:51 PM IST

મુદ્દામાલ જપ્ત
મુદ્દામાલ જપ્ત

વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ધરમપુર વિસ્તારમાં 500 રૂપિયાની ડુપ્લીકેટ નોટનો સાચી તરીકે ઉપયોગ કરી માર્કેટમાં વટાવી રહેલા ચાર જેટલા ઈસમો દ્વારા છેલ્લા કેટલાક સમયથી ચાલતું કૌભાંડ ઝડપી પાડ્યું છે. જેમાં પોલીસે રૂપિયા 500ના દરની 148 જેટલી ડુપ્લીકેટ નોટ કબજે કરી છે. પકડાયેલા ચાર ઈસમો ધરમપુર અને તેની આસપાસના ગામોમાં તેમજ મહારાષ્ટ્રના નજીકના ગામોમાં પહોંચી રૂપિયા 500ના દરની ડુપ્લીકેટ નોટ માર્કેટ વટાવતાં હતા. સમગ્ર રેકેટ મહારાષ્ટ્રના ગુંદી ગામ ખાતેથી કોઈ અનિલ નામનો ઈસમ ચલાવતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

  • 148 નકલી નોટો પોલીસે કબ્જે કરી 4 લોકોની ધરપકડ કરી
  • સ્કેનર અને પ્રિન્ટિંગ મદદથી છાપેલી નોટો માર્કેટમાં વટાવતાં હતા
  • 132 નોટની શોધખોળ પોલીસે હાથ ધરી છે

વલસાડ: જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રાજદીપસિંહ ઝાલાએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા જણાવ્યું હતું કે, ધરમપુર અને તેની આસપાસના ગામોમાં છેલ્લા કેટલાક સમયથી ચાર જેટલા ઈસમો 500 રૂપિયાના દરની ડુપ્લીકેટ નોટ બનાવી તેનો ખરી નોટ તરીકે ઉપયોગ કરી કેટલાક લોકોને માર્કેટમાં તે વટાવવા માટે આપતા હતા. જો કે, લોકોને આ બાબતની ગંધ ન આવે તે માટે ખરી નોટોને બંડલમાં ડુપ્લીકેટ નોટોની અંદર મૂકી 500ના દરના બંડલો લોકોને આપતા હતા. આમ આ ચાર ઈસમો છેલ્લા કેટલાક સમયથી ડુપ્લીકેટ નોટની વટાવટ ચલાવી રહ્યા હતા અને ભારતના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાની કામગીરી કરી રહ્યા હતા.

ડો. રાજદીપસિંહ ઝાલાએ પત્રકાર પરિષદ યોજી

ધરમપુર સમડી ચોક નજીક ડુપ્લીકેટ નોટ વટાવવા આવેલા રિક્ષા ચાલકને પોલીસે ઝડપી લીધો

જે અંગેની જાણકારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીને મળતા તેમણે ધરમપુર ચોક નજીક આવેલી જૂની કેરી માર્કેટ પાસે એક છટકું ગોઠવ્યું હતું અને તેમાં પીયાગો રિક્ષા લઈને આવેલા ઝીપરુભાઈ સાન્તાભાઈ ભોયાંને ઝડપી પાડ્યો હતો. જે પોતે રીક્ષા ચલાવવાનો ધંધો કરતો હતો અને ધરમપુર અને તેની આસપાસના ગામોમાં આ ડુપ્લીકેટ નોટો સાચી કહીને લોકોને વટાવવા માટે આપતો હતો. જેની પાસેથી પોલીસે રૂપિયા 500ના દરની ડુપ્લીકેટ એવી 60 જેટલી નોટો કબજે કરી હતી. જે બાદ પોલીસે તેની સામે ધરમપુર પોલીસ મથકે ગુનો દાખલ કરી તપાસ કરતા તેની સાથે આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: રાજકોટમાં દોઢ વર્ષથી નકલી નોટ છાપતા બે કારખાનેદાર ઝડપાયા

કોણ કોણ પોલીસને હાથે ઝડપાયું ?

જેમાં પરસે ઉર્ફે પરશુ મલા ભાઈ પવાર, ચિંતું ઝીપર ભાઈ ભૂજડ તેમજ ધરમપુર જકાતનાકા પાસે દુકાન ચલાવતા પાર્થ નિલેશભાઈ શાહની ધરપકડ કરતા આ ત્રણ ઈસમો પાસેથી પોલીસે રૂપિયા 500ના દરની કુલ 148 ડુપ્લીકેટ નોટ કબજે કરી છે.

કૌભાંડની તપાસ બાદ ઘટના મહારાષ્ટ્રના ગુંદી ગામ સુધી પહોંચી

ડુપ્લીકેટ નોટ કૌભાંડની તપાસનો રેલો મહારાષ્ટ્રના ગુંદી ગામે કોઈ અનિલ નામનો ઈસમ પ્રિન્ટર અને સ્કેનરની મદદ વડે પ્રિન્ટ કરી કટિંગ કરીને હરિદાસને આપી હતી. હરિદાસે આ નોટ જયસિંગને આપી હતી અને જયસિંગે આ નોટ 30 ટકા લેખે ઝિપ્રુને આપી જ્યારે ધરમપુરમાં પાર્થ શાહને આ નોટ 50 ટકા લેખે આપવામાં આવી હતી.

મુદ્દામાલ જપ્ત
મુદ્દામાલ જપ્ત

પોલીસે 148 ડુપ્લીકેટ નોટ કબજે કરી અને 132 નોટની શોધખોળ જારી છે

અત્યાર સુધીમાં પોલીસે 74,000 જેટલી કીંમતની રૂપિયા 500ના દરની નકલી નોટો કબજે કરી છે અને વધુ 134 નોટ હજુ પોલીસને મળી નથી જેની પણ શોધખોળ પોલીસ કરી રહી છે અને માર્કેટમાં 134 નોટ વટાવવામાં આવી ચૂકી છે જે અંગે તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો: ભાવનગરમાં નકલી નોટ કૌભાંડમાં સાધુ સહિત ત્રણને 10 વર્ષની કેદ, મુખ્ય આરોપીને આજીવન સજા

સમગ્ર પ્રકરણમાં 76,500નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો

પોલીસે હાલ આ ડુપ્લીકેટ નોટ પ્રકરણમાં ચાર ઈસમો પાસેથી કુલ 148 નંગ રૂપિયા 500ની ડુપ્લીકેટ નોટ, પિયાગો રિક્ષા જેની કિંમત 70,000 , મોબાઈલ નંગ 4 જેની કિંમત 6,500, પકડાયેલા ઇસમોના આધારકાર્ડ તેમજ અન્ય ડોક્યુમેન્ટ મળીને કુલ રૂપિયા 76,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આમ હજુ ત્રણ ઈસમો ની પોલીસ શોધખોળ કરી રહી છે. જ્યારે વધુ 132 નોટ વલસાડ જિલ્લામાં વટાવવામાં આવી હોય કોને આપવામાં આવી અને તે ક્યાં છે તે અંગે તપાસ તેજ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.