ETV Bharat / state

શાકભાજી, ફળફળાદી તેમજ કરિયાણાના વધતા જતા ભાવથી મધ્યમ વર્ગ પીડિત...

author img

By

Published : Jul 24, 2021, 4:29 PM IST

વાપી સહિત સમગ્ર દેશમાં મોંઘવારીએ માજા મૂકી છે. પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવ સાથે હવે શાકભાજી, ફ્રૂટ અને કરીયાણા જેવી ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ પણ સતત વધી રહ્યા છે. ગ્રાહકોનું માનવું છે કે, વધતા ભાવથી મધ્યમ વર્ગ અને રોજનું રોજ કમાઈને ખાનારો વર્ગ તેમાં પીસાઈ રહ્યો છે. પરિવારના ભરણપોષણ માટે આ ભાવે ખાદ્ય પદાર્થો નહિ ખરીદનાર અનેક પરિવારના મોભીઓ આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરી રહ્યા છે. સરકારે વધતી મોંઘવારી અંગે યોગ્ય નિર્ણય લેવો જરૂરી છે.

શાકભાજી, ફળફળાદી તેમજ કરિયાણાના વધતા જતા ભાવથી મધ્યમ વર્ગ પીડિત
શાકભાજી, ફળફળાદી તેમજ કરિયાણાના વધતા જતા ભાવથી મધ્યમ વર્ગ પીડિત

  • શાકભાજી-કરીયાણા સહિતની વસ્તુઓના ભાવ આસમાને
  • મધ્યમ અને રોજનું રોજ કમાઈને ખાનારો વર્ગ પીસાઈ રહ્યો છે
  • હોલસેલ-રિટેઇલમાં 10થી 15 ટકા ભાવવધારો


વાપી : દેશમાં અન્ય રાજ્ય કે શહેરની તુલનાએ વાપીમાં સામાન્ય રીતે શાકભાજી, ફ્રૂટના ભાવ ઓછા હોય છે. જોકે, આ વખતે વરસાદી માહોલ અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચને કારણે સીઝનલ અને ઓફ સીઝનલ શાકભાજી-ફ્રૂટના હોલસેલ-રિટેઇલમાં 10થી 15 ટકાનો વધારો નોંધાયો છે. જેના કારણે ગૃહિણીઓ તોબા પોકારી ઉઠી છે. જ્યારે શાકભાજી વિક્રેતાને ત્યાં પણ ગ્રાહકો ઘટ્યા છે.

શાકભાજી, ફળફળાદી તેમજ કરિયાણાના વધતા જતા ભાવથી મધ્યમ વર્ગ પીડિત

40 રૂપિયે મળતી શાકભાજીના ભાવ હાલમાં 80થી 100 રૂપિયે કિલો

વાપીમાં એક સપ્તાહ પહેલા 40 રૂપિયા આસપાસ મળતું શાકભાજી 80થી 100 રૂપિયે કિલો થયું છે. પરિવાર એટલો મોંઘો ભાવ આપી શકતા નથી. આવી જ હાલત ફળફળાદી બજારમાં પણ વર્તાઈ રહી છે. ફ્રૂટના વેપારીઓનું કહેવું છે કે લોકડાઉનના સમયથી ફ્રૂટ બજારમાં સતત તેજી-મંદી વર્તાઈ રહી છે. હાલમાં વરસાદને કારણે ટ્રાન્સપોર્ટેશન ઠપ્પ થતા અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને કારણે બહારથી આવતા ફ્રૂટના ભાવમાં 10થી 15 ટકાનો વધારો થયો છે. સીઝનલ ફ્રૂટ અને વિદેશથી આવતા તમામ ફ્રૂટમાં આ ભાવવધારો નોંધાયો છે. જોકે, એકાદ સપ્તાહ બાદ સિઝનલ ફ્રૂટનો ભાવ ઘટશે, પરંતુ એકાદ મહિના બાદ તે જ ફૂટનો ભાવ ફરીથી વધી શકે છે.

આગામી દિવસોમાં ભાવ ઘટી શકે છે અને ગ્રાહકો પણ વધી શકે છે

શાકભાજી અને ફ્રૂટના હોલસેલ વેપારીઓ પણ માની રહ્યા છે કે, હાલમાં શાકભાજીમાં ભાવવધારો નોંધાયો છે. 15 દિવસ પહેલા જે ભાવ હતો તેની સામે હાલમાં શાકભાજીમાં વરસાદના કારણે ભાવ વધ્યા છે. સાથે જ કોરોનાની અસર પણ શાકભાજીના ભાવ વધારા માટે એક કારણ છે. વરસાદી માહોલના કારણે પાકને નુકસાન થયું છે. શાકભાજીના ભાવ વધ્યા છે. જેમાં ગુવાર, મરચા, ફણસી જેવા શાકભાજીના ભાવ વધારે છે. મોટાભાગે વાપીમાં નાસિક અને સુરતથી શાકભાજી આવે છે. જે તમામ શાકભાજીમાં ભાવ વધ્યા છે. જોકે આગામી દિવસમાં ભાવ ઘટવાની સાથે સાથે ગ્રાહકો વધવાની સંભાવના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

શાકમાર્કેટમાં ગ્રાહકોએ ખરીદી પર કાપ મૂક્યો

વાપીમાં વધતી શાકભાજી અને ફ્રૂટની મોંઘવારીને કારણે હોલસેલ-રિટેઇલની મુખ્ય શાકભાજી માર્કેટમાં સીઝનલ શાકભાજીનો ભરાવો થઈ રહ્યો છે, પરંતુ તેને ખરીદનારો વર્ગ ઘટ્યો છે અથવા તો તેમના બજેટ પર કાપ મૂક્યો છે. ત્યારે આશા રાખીએ કે, મોંઘવારીની આ માયાજાળમાંથી પ્રજાને છૂટકારો અપાવવા સરકાર યોગ્ય ભાવબાંધણું કરતો નિર્ણય લઈને છૂટકારો અપાવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.