ETV Bharat / state

Vadodara News: એમ.એસ.યુનિવર્સિટીમાં વિદ્યાર્થી વાતચીત દરમિયાન ઢળી પડ્યો, હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા

author img

By

Published : Aug 17, 2023, 5:40 PM IST

આજકાલ યુવાનોના અપમૃત્યુના કિસ્સા વધી રહ્યા છે. આ શ્રેણીમાં વડોદરાના યુવાનનું અપમૃત્યુ પણ ઉમેરાયું છે. એમ. એસ. યુનિવર્સિટીમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા યુવાનનું મિત્રો સાથેની વાતચીત દરમિયાન અચાનક જ અપમૃત્યુ થયું છે. યુવાનને હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા છે. એમબ્યુલન્સમાં જ મિત્રના ખોળામાં યુવકે જીવ છોડી દીધો.

વાતચીત કરતા અચાનક જ ઢળી પડ્યો યુવાન
વાતચીત કરતા અચાનક જ ઢળી પડ્યો યુવાન

એમ એસ યુનિમાં વિદ્યાર્થીનું અપમૃત્યુ

વડોદરા: એમ.એસ. યુનિવર્સિટીના ઝૂઓલોજી ડીપાર્ટમેન્ટના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું અકાળે કરૂણ અવસાન થયું છે. દીપ ચૌધરી નામનો વિદ્યાર્થી ગઈકાલે રાત્રે મિત્રો સાથે હસતા હસતા વાત કરી રહ્યો હતો. અચાનક તે ઢળી પડ્યો હતો. આશંકા છે કે વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો હોય. પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચુ કારણ જાણી શકાશે.આ ઘટનાને પગલે સમગ્ર યુનિવર્સિટી અને મૃતકના પરિવારમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું છે. 18 વર્ષીય દીપ ચૌધરી મૂળ પાટણનો રહેવાસી હતો.

મૃતક વિદ્યાર્થીના મિત્ર તેજસ સોલંકીએ જણાવ્યું હતું કે, મારા નાના-ભાઇ સમાન મારા મિત્ર દીપ ચૌધરીનું અવસાન થયું છે. અમે ખૂબ જ દુઃખી છીએ. ગઇકાલે રાત્રે મિત્રોને મળવા આવ્યો હતો અને અચાનક ઢળી પડ્યો હતો અને તેનું દુઃખદ અવસાન થયું છે. હું એમ્બ્યુલન્સમાં તેની સાથે જ હતો અને રસ્તામાં જ તેનું મોત થયું હતું. તેને કોઈ પણ પ્રકારની બીમારી ન હતી અને તે ક્યારે વ્યસન પણ કરતો ન હતો... તેજસ સોલંકી (મૃતકનો મિત્ર)

સમગ્ર ઘટનાઃ ઝૂઓલોજીના બીજા વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી દીપ ચૌધરી પોતાના મિત્રો સાથે છોલે ભટુરે ખાઇને બોય્ઝ હોસ્ટેલના કનૈયાલાલ મુન્શી હોલમાં મિત્રોને મળવા ગયો હતો. પોતાના મિત્રો સાથે મજાક મસ્તી કરવામાં મશગુલ દીપ અચાનક જ ઢળી પડ્યો. મિત્રો દ્વારા એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી. દીપને તાત્કાલીક હોસ્પિટલ લઈ જવાની કામગીરી કરવામાં આવી. પરંતુ રસ્તામાં મિત્રના ખોળામાં દીપે જીવ છોડી દીધો. સયાજી હોસ્પિટલમાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાને લઈ વિધાર્થીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે જ્યારે યુવકનો પરિવાર હોસ્પિટલ પરિસરમાં આક્રંદ કરતો જોવા મળ્યો હતો કરણ કે પરિવારમાં એકનો એક દીકરો હતો. જેને અભ્યાસ માટે પોતાના પિતા વિદેશ મોકલવા માંગતા હતા. દીકરાનું અકાળે મૃત્યુ થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મિત્રો અને પરિવારનું કહેવું છે કે કોઈ બીમારી ન હતી.

દીપ ચૌધરી વિધાર્થી ભણવામાં ખૂબ હોશિયાર હતો. વિદ્યાર્થીને એકથી વધારે હાર્ટ એટેક આવ્યા હોય તેવુ લાગે છે. સયાજી હોસ્પિટલમાં તેને લઇને પહોંચ્યા ત્યાં સુધી તેને જીવ ગુમાવી દીધો હતો. વધુ માહિતી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવશે.અમારી ફેકલ્ટીને ભારોભાર દુઃખ છે કે એક આશાસ્પદ વિદ્યાર્થી અમે ગુમાવ્યો છે. ભગવાન એના આત્માને શાંતિ આપે અને તેના પરિવારને આ કારમો ભાર વેઠવાની શક્તિ આપે...હરીભાઇ કટારીયા(ડીન,સાયન્સ ડીપાર્ટમેન્ટ, એમ.એસ. યુનિવર્સિટી)

પોલીસે વધુ તપાસ હાથ ધરી: આ ઘટનાની જાણ થતાં જ સયાજીગંજ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ સાથે ડિપાર્ટમેન્ટના ડીન તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયા હતા અને વિદ્યાર્થીના પિતા શામલાલ ચૌધરી સહિત પરિવારજનો પણ આવી પહોંચ્યા હતા.આ મામલે સયાજીગંજ પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.

  1. અમદાવાદમાં ક્રિકેટ રમતાં રમતાં યુવાનને મેદાનમાં જ આવ્યો હાર્ટએટેક
  2. Heart Attack Aravalli: ક્રિકેટ રમતા રમતા જીવનમાંથી આઉટ થયો યુવાન, હાર્ટ એટેકથી મૃત્યુ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.