વડોદરા: PM મોદી દ્વારા “મારી માટી મારો દેશ” અંતર્ગત દેશભરના ઘરોમાંથી એક ચપટી માટી અને ચોખાના દાણા ભરેલા કળશ એકઠા કરી દિલ્લી મોકલવા આહ્વાન કરવામાં આવ્યું હતું. જેની શરૂઆત ગુજરાતની 182 વિધાનસભા મત વિસ્તારમાં કરવામાં આવી છે. જે અંતર્ગત વડોદરા શહેરના 19 વોડૅના દરેક વિસ્તારમાંથી કળશમાં માટી એકત્રિત કરવામાં આવી છે. જેને 27મી ઓક્ટોબરના રોજ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે પરત મોકલવામાં આવશે.
કળશ યાત્રામાં જોડાવા આહ્વાન: સમગ્ર વડોદરા જિલ્લામાં આ કળશ રથને ફેરવવામાં આવ્યો હતો અને દરેક શહેરના ધારાસભ્ય, સંગઠનના કાર્યકર્તાઓ અને સ્થાનિક વોડૅના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ કળશ યાત્રામાં જોડાયા હતા. એકત્રિત કરેલી માટીના કળશને દિલ્હી લઈ જવાનો હોવાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાઈ એ માટે જિલ્લા ભાજપના પ્રમુખના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઇ હતી. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ કળશ યાત્રા પરત ફરી રહી છે તેમાં જોડાય તે માટે તેઓએ આહ્વાન કર્યું હતું.
અમૃતવન બનાવાશે: માટી અને એકત્ર કરાયેલા ચોખા ભરેલો કુંભનો ઘડો દિલ્હી ખાતે મોકલવા માટેની કામગીરી હાલ શરૂ છે. જેની શરૂઆત વડોદરા અને સમગ્ર ગુજરાતમાં આજથી કરવામાં આવી છે. જેમાં વડોદરા જિલ્લાના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાશે. જ્યાં પ્રત્યેક વિધાનસભા પ્રમાણે એક કુંભ બનાવી અમદાવાદ ખાતે એકત્ર કરવામાં આવશે. જે ઇલેક્ટ્રિકલ વ્હીકલ મારફતે દિલ્લી ખાતે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભેગી કરવામાં આવેલ ચપટી માટી અને ચોખાનું એક અમૃતવન બનાવવામાં આવશે.
વડાપ્રધાનની સૂચનાનું અમલીકરણ: દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા દેશના વીર જવાનોને વંદન કરવા અને દેશ પ્રત્યેની લોકોમાં ભાવના જળવાય રહે તે હેતુસર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “મારી માટી મારો દેશ” કાર્યક્રમની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમ થકી વડાપ્રધાને દેશભરમાં લોકોને એક ચપટી માટી અને ચોખાના ત્રણથી ચાર દાણા ભેગા કરી એક -એક કળશ તૈયાર કરવા દેશભરના લોકોને આહવાન કર્યું હતું. જેમાં ગુજરાતની 182 વિધાનસભામાં પણ આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. ભાજપના અલગ અલગ નેતાઓને તેની જવાબદારી સોંપવામાં આવી છે.