Darshan on Mauni Amavasya 2023 : વર્ષની પહેલી અમાસને લઇ કરનાળીનાં કુબેર ભંડારી મંદિરે દર્શનાર્થે ભકતજનો ઉમટ્યાં

Darshan on Mauni Amavasya 2023 : વર્ષની પહેલી અમાસને લઇ કરનાળીનાં કુબેર ભંડારી મંદિરે દર્શનાર્થે ભકતજનો ઉમટ્યાં
વડોદરાના ડભોઇમાં નર્મદા કિનારે કુબેર ભંડારી મંદિરે (Kuber Bhandari Mandir in Karnali Dabhoi ) વર્ષની પહેલી અમાસના દર્શન નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યાં હતાં. પોષી અમાસનું મૌની અમાસ તરીકે મહત્ત્વ છે અને તેમાં શનિવારનો દિવસ આવતાં ભક્તોએ લાઇનોમાં ઊભા રહીને પણ કુબેર ભંડારીના દર્શન કર્યાં હતાં.
ડભોઇ : વડોદરા જિલ્લાનું ડભોઇ તાલુકાનું કરનાળી ગામ અહીંના કુબેર ભંડારી મંદિરના કારણે ખૂબ જ ખ્યાતિ ધરાવે છે. સામાન્ય દિવસોમાં પણ અહીં દર્શનાર્થે આવતાં ભક્તોની સારી એવી સંખ્યા જોવા મળતી હોચ છે. ત્યારે ગત શનિવારે મૌની અમાસના કારણે મોટી સંખ્યામાં લોકો કુબેર ભંડારી દાદાના દર્શને ઉમટી પડ્યાં હતાં.
શનિશ્વરી મૌની અમાંવાસ્યાનો શુભ સંયોગ : ડભોઈ તાલુકાનાં કરનાળીના તીર્થધામ કુબેર ભંડારી મંદિરે પોષી પૂનમ શનિવારે આવતાં દાદાના દર્શનાર્થે ભકતજનો ઉમટયાં હતાં. વર્ષ 2023ની આ પહેલી અમાવસ્યા પણ હતી અને શનિવારના દિવસે અમાસ હોવાથી દર્શન માટે ભકતજનો ઉમટયાં હતાં.
મૌની અમાસના દર્શન : ડભોઇ તાલુકાના યાત્રાધામ કરનાળી ખાતે આવેલ પ્રસિદ્ધ કુબેર દાદાના મંદિરે આજે વર્ષ 2023 ની પહેલી જ પોષી મહિનાની અમાસ જે શાસ્ત્રો મુજબ મૌની અમાસ તરીકે ઓળખાય છે. જેને લઈ લાખો શ્રધ્ધાળુએ કુબેર દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
શનિવાર અને અમાસનો શુભ સંયોગ : આજની આ શનિશ્વરી અમાસે યાત્રાધામ કરનાળી ખાતેના કુબેર દાદાના મંદિરે દૂર દૂરથી દર્શન માટે શ્રદ્ધાળુઓ રાત્રીના 12વાગ્યાથી દર્શન માટે લાઇનમાં ઉભા રહી કુબેર દાદાના દર્શન કર્યા હતાં. મહારાષ્ટ્ર, સુરત, વાપી, વલસાડ, વડોદરા,અમદાવાદ સહિતના અનેક જિલ્લા તાલુકામાંથી દર અમાસે કુબેર દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. આજે 2023ના વર્ષની પ્રથમ અમાસ અને તે પણ શનિવારે હોઈ આ અમાસને શાસ્ત્રો મુજબ શનિશ્વરી અમાસ તરીકે ઓળખાય છે અને આ અમાસ મૌની અમાસ તરીકે પણ ઓળખાય છે.
નિશુલ્ક પ્રસાદી અને પાર્કિંગની સુવિધા : મંદિરના વ્યવસ્થાપક ટ્રસ્ટ દ્વારા અમાસના દિવસે મંદિરના ટ્રસ્ટ દ્વારા ભકતજનોને કોઈ અગવડ ન પડે તે માટે પૂરતી તકેદારી રખાઈ હતી. ભકતજનોને વિવિધ સગવડો પૂરી પડાઈ હતી. કુબેરદાદા દરેક ભક્તોને આખું વર્ષ સુખમય જાય એવી કુબેર દાદા તેમજ નર્મદાજીને પ્રાર્થના મંદિરના વ્યવસ્થાપક રજનીભાઇ પંડ્યાએ કરી હતી. સાથે ભક્તોએ મંદિરના પટાંગણમાં " જય કુબેર, હર હર મહાદેવ" ના ભક્તિમય નાદ સાથે કુબેર દાદાનું પટાંગણ ગુંજી ઉઠ્યું હતું. સાથે મંદિર પ્રશાસન દ્વારા નિ:શુલ્ક સુંદર પાર્કિંગ તેમજ પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
નર્મદા મૈયાની પવિત્રતા જાળવી રાખવા અપીલ : આ સાથે મંદિરના વ્યવસ્થાપકો દ્વારા મંદિર પરિસર પાસે આવેલ નર્મદા મૈયાની પવિત્રતા જળવાઈ રહે તે માટે ભકતજનો પૂરતો સહકાર આપે તે માટે ભક્તજનોને એક સંદેશ પણ આપ્યો હતો કે, જે ભક્તજનો નર્મદા નદીમાં સ્નાન કરે છે તેઓએ નદીમાં ચપ્પલ, થેલી,કપડાં નાખવા નહીં અને નર્મદા મૈયાની પવિત્રતા જળવાઈ રહે તે માટે ભક્તોને પૂરતો સહકાર આપવો જોઈએ. સાથે આ વર્ષ પણ ભકતો માટે સુખમય અને આનંદદાયી બની રહે એવી નર્મદાજી અને કુબેર દાદાને પ્રાર્થના કરી હતી.
