ETV Bharat / state

Keyur Rokadia Resign : કેયૂર રોકડીયાનું રાજીનામું, મેયર પદ છોડવા કોની જોડે ચર્ચા કરી નિર્ણય લેવાયો જૂઓ

author img

By

Published : Feb 21, 2023, 3:17 PM IST

વડોદરા મહાનગરપાલિકાના મેયર પદેથી કેયૂર રોકડીયાનું રાજીનામું પડ્યું છે. રાજીનામાં અંગે મુખ્યપ્રધાન અને પ્રદેશ અધ્યક્ષ સાથે થઈ હતી ચર્ચા અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી બહાર આવી છે. નોંધનીય છે કે તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે ત્યારે મેયર પદ છોડવાની વાતો ચાલતી રહી છે.

Keyur Rokadia Resign : કેયૂર રોકડીયાનું રાજીનામું, મેયર પદ છોડવા કોની જોડે ચર્ચા કરી નિર્ણય લેવાયો જૂઓ
Keyur Rokadia Resign : કેયૂર રોકડીયાનું રાજીનામું, મેયર પદ છોડવા કોની જોડે ચર્ચા કરી નિર્ણય લેવાયો જૂઓ

મુખ્યપ્રધાન અને પ્રદેશ અધ્યક્ષ સાથે ચર્ચા પછી નિર્ણય લીધો

વડોદરા : મહાનગરપાલિકાના મેયર પદેથી કેયૂર રોકડીયાનું રાજીનામુંં અપાયું હોવાના સમાચાર મળી રહ્યાં છે. આ રાજીનામાં અંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે ચર્ચા થઈ હતી અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો છે.

બંને બાજુ કામગીરી કરવી મુશ્કેલ : વડોદરા મહાનગરપાલિકાના મેયર કેયૂર રોકડીયાએ આજે પાલિકાના મ્યુનિસિપલ સેક્રેટરી ચિંતન દેસાઈને પોતાના મેયર પદનું રાજીનામુંં સુપ્રત કર્યું હતું. પાલિકામાં મેયર તરીકે હજુ પણ તેમનો સાત માસ જેટલો સમય બાકી હતો. પરંતુ શહેરની અકોટા વિધાનસભા બેઠક પર ધારાસભ્ય પદે ચૂંટાયા બાદ મેયર પદ અને ધારાસભ્ય પદ બંને બાજુ કામગીરી કરવી મુશ્કેલ હોય છે. સાથે વિધાનસભા સત્ર શરૂ થવાનું હોવાથી મેયર પદ પરની કામગીરી શક્ય ન હોવાથી આખરે આજે રાજીનામુંં આપી દીધું છે. તેમણે રાજીનામું આપવા સમયે શહેર અધ્યક્ષ ડો.વિજય શાહ અને વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો કેયૂર રોકડીયા વડોદરામાં મેયર અને ધારાસભ્યની બેવડી ભૂમિકા ભજવી શકે કે નહીં

બેવડી જવાબદારીના કારણે રાજીનામુંં : આ તકે આ સાથે મેયર કેયૂર રોકડીયાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એ મને વર્ષ 2021માં કોર્પોરેશનની ચૂંટણીમાં લડવાની તક આપી મેયર તરીકેની જવાબદારી સોંપી હતી અને હાલમાં ચાલુ મેયર ટર્મમાં 2022માં વિધાનસભાની ચૂંટણીમાં તક આપી હું ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું. વડાપ્રધાન પર સૌનો વિશ્વાસ છે ત્યારે ખૂબ સારી કામગીરી ચાલી રહી છે અને એક પરિવારમાંથી એક વ્યક્તિ અને એક વ્યક્તિને એક જવાબદારીના ભાગરૂપે આજે મેં મારી એક જવાબદારી છોડી અને એક સ્વીકારી છે. આજે બે જવાબદારી હતી જેમાં આવનાર સમયમાં વિધાનસભા સત્ર શરૂ થવાનું હોવાથી નાગરિકોની તફલીફ અને શહેરના વિવિધ નિર્ણયો કરવાના અને ગાંધીનગર બંને જવાબદારી સાથે હોવાથી મેં એક પત્ર પાર્ટીને લખ્યો હતો.

મુખ્યપ્રધાન અને પ્રદેશ અધ્યક્ષની સૂચનો : આખરે 15 તારીખે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ સેક્રેટરી ચિંતન દેસાઈને મેં મારું રાજીનામુંં આપ્યું હતું. પરંતુ 15 તારીખથી શહેરનું બજેટ શરૂ થતું હોવાથી આ બાબતે રાજીનામુંં સત્તાવાર સ્વીકારાયું નહોતું. કારણ કે શહેરના વિકાસ માટે પણ યોગદાન જરૂરી હતું. સાથે રાજ્યના મુખ્યપ્રધાન અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે વાતચીત થયા બાદ તેઓના માર્ગદર્શન અને સૂચનના આધારે બજેટ સત્ર બાદ આજે સુપ્રત કર્યું છે.

આ પણ વાંચો Illegal Construction demolition : મહિલાઓ રોતી જ રહી ગઈ ને કૉર્પોરેશને ગેરકાયદેસર દબાણ પર ફેરવી નાખ્યું બુલડોઝર

મારા કાર્યકાળમાં થયેલ કામ : વડોદરા શહેરના વિકાસ માટે સતત બે વર્ષથી નાગરિકોના વિશ્વાસ સાથે યોગ્ય કામગીરી કરી છે અને લોકોનો ખૂબ પ્રેમ મળ્યો છે. મારા કાર્યકાળમાં રાજ્યનો સૌથી મોટો બ્રિજ અટલ બ્રિજ બનાવાયો છે. સાથે સિંઘરોટથી 150 એમેલડી પાણી લાવી પાણીની સમસ્યાને દૂર કરી છે. સાથે સંજયનગર આવાસ યોજના સાથે વિવિધ પ્રશ્નોનું નિરાકરણ કરવાનું કામ કરાયું છે. નવી એવીયરી, સૂરસાગર તળાવમાં બોટિંગ,ગાર્ડન સાથે 100 કરોડના બોન્ડ સાથે કોર્પોરેશનને એક ઐતિહાસિક સિધ્ધિ અપાવવાનું સુભાગ્ય મળ્યું છે. વિવિધ વિકાસના કામો મારા થકી કરવામાં આવ્યા છે. સૌથી મોટો નિર્ણય ઇલેક્શન વોર્ડ દીઠ વહીવટી વોર્ડની રચના કરવામાં આવી છે. સાથે કલાર્કની યોગ્ય બદલી અને ભરતી યોગ્ય રીતે કરવામાં આવી છે. સાથે દબાણોનો સૌથી મોટો પ્રશ્ન હતો જે કાર્યકાળમાં પૂર્ણ કર્યો છે. ત્રણ 50 બેડની સીએચસી હોસ્પિટલ શરૂ કરવામા આવી છે. જે કઈ નવા કામ બાકી છે તે નવા મેયરના માધ્યમથી કરવામાં આવશે.

શું કહે છે મ્યુનિસિપલ સેક્રેટરી : આ મામલે મ્યુનિસિપલ સેક્રેટરી ચિંતન દેસાઈને મેયર પદ બાબતે પૂછતાં જણાવ્યું કે આજે સત્તાવાર મને રાજીનામું સુપ્રત કરવામા આવ્યું છે. આ રાજીનામાં થકી આગામી દિવસોમાં સભા બોલાવવામાં આવશે. ત્યારબાદ રાજીનામાનો પ્રસ્તાવ સભામાં રજુ કરવામાં આવશે અને સર્વાનુમતે મંજૂરી મળ્યા બાદ કાયદેસર રાજીનામુંં સ્વીકારશે. હાલમાં કાર્યકારી મેયર જેવું કોઈ પદ નથી. જ્યાં સુધી સભા મળશે નહીં ત્યાં સુધી વર્તમાન મેયર જ કામગીરી કરશે અને સભામાં નક્કી થયા બાદ રાજીનામુંં સ્વીકારી નવા મેયરની નિમણૂક થશે જો નામ નક્કી હશે તો. નહીં તો રાજીનામાં બાદ ડેપ્યુટી મેયર દ્વારા મેયર પદનો ચાર્જ સંભાળવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.