ETV Bharat / state

વ્યારામાં બિલ્ડરની હત્યામાં વપરાયેલી કાર મઢી નજીક નહેરમાંથી મળી આવી

author img

By

Published : May 15, 2021, 7:00 PM IST

બારડોલી તાલુકાનાં મઢી સુરાલી ગામે કાકરાપાર ડાબા કાંઠા નહેરમાંથી એક મહિન્દ્રા KUV કાર મળી આવી હતી. પોલીસે બારડોલી ફાયર બ્રિગેડની મદદથી આ કાર બહાર કાઢી હતી. નંબર પ્લેટના આધારે આ કાર વ્યારામાં થયેલી હત્યાના ગુનામાં વપરાયેલી હોવાનું બહાર આવ્યું હતું. વ્યારા પોલીસે કારનો કબ્જો લઈ આગળની તપાસ હાથ ધરી છે.

વ્યારામાં બિલ્ડરની હત્યામાં વપરાયેલી કાર મઢી નજીક નહેરમાંથી મળી આવી
વ્યારામાં બિલ્ડરની હત્યામાં વપરાયેલી કાર મઢી નજીક નહેરમાંથી મળી આવી

  • શુક્રવારે રાત્રે વ્યારામાં તલવારના ઘા ઝીંકી બિલ્ડરની હત્યા કરાઇ હતી
  • હત્યા બાદ આરોપી કાર લઈને નાસી છૂટ્યા હતા
  • પુરાવાનો નાશ કરવા કાર નહેરમાં ફેંકી હોવાનું અનુમાન

બારડોલી : બારડોલી તાલુકાનાં મઢી સુરાલી ગામની સીમમાંથી પસાર થતી નહેરમાંથી એક કાર મળી આવતા ચકચાર મચી ગઈ હતી. જો કે કાર બહાર કાઢ્યા બાદ જાણવા મળ્યું હતું કે આ કાર શુક્રવારે રાત્રે તાપી જિલ્લાના વ્યારામાં થયેલા હત્યાના ગુનામાં વપરાય હતી. હત્યા બાદ પુરાવાનો નાશ કરવા કાર નહેરમાં ફેંકી દેવામાં આવી હોવાનું પોલીસે અનુમાન લગાવ્યું છે. હાલ કારનો કબ્જો વ્યારા પોલીસે લઈ આગળની તપાસ હાથ ધરી છે.

ફાયરબ્રિગેડે અઢી કલાકની મહેનત બાદ કાર બહાર કાઢી

બારડોલી તાલુકાનાં મઢી સુરાલી ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબાકાંઠા મુખ્ય કેનાલમાં એક કાર પડી હોવાની જાણકારી મળતા સ્થાનિક આઉટપોસ્ટના જમાદાર મુકેશ વેલજી સ્થળ પર પહોંચ્યા હતા અને ત્યાં જઈને જોતાં નહેરમાં કારની પાર્કિંગ લાઇટ ચાલુ હતી. આથી પોલીસે બારડોલી ફાયર વિભાગને જાણ કરતાં ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને કારને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. ફાયરની ટીમે લગભગ 2 થી અઢી કલાકની જહેમત બાદ કાર નહેરમાંથી બહાર કાઢી હતી. નસીબજોગ કારમાંથી કોઈ વ્યક્તિ મળી આવી ન હતી.

વ્યારામાં બિલ્ડરની હત્યામાં વપરાયેલી કાર મઢી નજીક નહેરમાંથી મળી આવી
વ્યારામાં બિલ્ડરની હત્યામાં વપરાયેલી કાર મઢી નજીક નહેરમાંથી મળી આવી

કારનો કબ્જો વ્યારા પોલીસને સોંપ્યો

બીજી તરફ તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે નહેરમાંથી મળી આવેલી કાર શુક્રવારે રાત્રે તાપીના વ્યારા નગરમાં થયેલા હત્યાના ગુનામાં ઉપયોગમાં લેવામાં આવી છે. બારડોલી પોલીસે તાત્કાલિક વ્યારા પોલીસનો સંપર્ક કરી કારનો કબ્જો વ્યારા પોલીસને સોંપ્યો હતો. પુરાવા છુપાવવા માટે હત્યારાઓ દ્વારા આ કાર નહેરમાં ફેંકી દેવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

વ્યારા પોલીસ કરી રહી છે તપાસ : બારડોલી PI

બારડોલી PI પી.વી. પટેલે જણાવ્યુ હતું કે, વ્યારા પોલીસ દ્વારા હત્યાના ગુનામાં વપરાયેલી કારના રજીસ્ટ્રેશન નંબર અંગે અલગ અલગ પોલીસ મથકોમાં જાણ કરવામાં આવી હતી. બારડોલીના મઢીથી મળી આવેલી કારનો નંબર આ જ હોય કારનો કબ્જો વ્યારા પોલીસને સોંપવામાં આવ્યો છે. આ મામલાની તપાસ વ્યારા પોલીસ કરી રહી છે.

કારમાંથી બેઝબોલ અને ચપ્પુ મળ્યા

હત્યાના ગુનામાં વપરાયેલી આ કારમાંથી બે બેઝબોલ બેટ અને એક ચપ્પુ પણ મળી આવ્યું હતું. પોલીસે આ તમામ વસ્તુઓ કબ્જે લઈ કારના માલિક અને તેમાં આવેલા શખ્સોની શોધખોળ આદરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.