ETV Bharat / state

વિશ્વ સમક્ષ ભારતનું નવલું નજરાણું : સુરત ડાયમંડ બુર્સ, વિશ્વના સૌથી મોટા ટ્રેડિંગ સેન્ટરની વિશેષતા જાણીને તમે પણ કહેશો હા મોજ ! હા...

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 16, 2023, 10:22 AM IST

વિશ્વના હીરા ઉદ્યોગનું નવલું નજરાણું
વિશ્વના હીરા ઉદ્યોગનું નવલું નજરાણું

ગુજરાતના સુરતમાં નિર્માણ પામેલ વિશ્વની સૌથી મોટા બાંધકામ સુરત ડાયમંડ બુર્સને 17 ડિસેમ્બરના રોજ પીએમ મોદીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવશે. ડાયમંડ બુર્સથી હીરાઉદ્યોગના વેપારીઓને વૈશ્વિક મંચ મળશે, આ સાથે જ ડાયમંડ બુર્સ ખુદમાં એક આકર્ષક અને આદર્શ આર્કિટેક્ચરનો નમૂનો છે. ત્યારે જાણો સુરત ડાયમંડ બુર્સની વિશેષતા અને ખાસયિત સહિતની સંપૂર્ણ માહિતી...

સુરત : રાજ્યનું આર્થિક પાટનગર ગણાતું સુરત ડાયમંડ અને ટેક્સટાઇલ ક્ષેત્રે વિકાસની નવી ક્ષિતિજો પાર કરી રહ્યું છે. જેમાં સુરતના ખજોદ વિસ્તારમાં નિર્માણ પામેલ 'સુરત ડાયમંડ બુર્સ' રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે સીમાચિહ્ન બનશે. આર્થિક વિકાસ માટે યશકલગી સમાન ડાયમંડ બુર્સ સુરતના હીરા ઉદ્યોગને એક નવી ચમક પ્રદાન કરશે. આજે 17 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર માદીના હસ્તે સુરત ડાયમંડ બુર્સ ખુલ્લું મૂકવામાં આવશે.

સુરત ડાયમંડ બુર્સ : સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ (CBD) અને સામાજિક, વ્યાપારિક તથા શૈક્ષણિક માળખાગત સુવિધાઓ સાથે મહત્વકાંક્ષી 'સુરત ડ્રીમ સિટી' પ્રોજેક્ટના ભાગરૂપે 35.54 એકર વિશાળ જગ્યામાં સુરત ડાયમંડ બુર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. અંદાજિત રૂ. 3400 કરોડના ખર્ચે નિર્મિત વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે. વિશેષ વાત એ છે કે, કોઈ એક વ્યક્તિ કે કંપનીએ નહીં, પરંતુ 4,200 વેપારીઓએ સાથે મળીને સુરત ડાયમંડ બુર્સનો વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટ સાકાર કર્યો છે.

હીરાઉદ્યોગનું વૈશ્વિક મંચ : ડાયમંડ મેન્યુફેક્ચરિંગમાં સુરત આગવી વૈશ્વિક ખ્યાતિ ધરાવે છે, ત્યારે આ બુર્સ સાકાર થતા સુરત હવે ડાયમંડ ટ્રેડિંગનું પણ હબ બની જશે, એ સાથે જ સુરતની વિકાસગાથામાં વધુ એક પ્રકરણનો ઉમેરો થશે. ડાયમંડ બુર્સ બનાવવાનો મુખ્ય આશય ભારતમાંથી હીરા, જેમ્સ અને જ્વેલરીની આયાત-નિકાસ અને વ્યાપારને પ્રોત્સાહન આપવાનો છે. તેમજ ડાયમંડ પ્રોડક્શન અને બિઝનેસ સાથે સંકળાયેલી નાની મોટી કંપની, MSME ને અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડાયમંડ ટ્રેડીંગનું ગ્લોબલ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. 175 દેશના વેપારીઓને સુરતમાં પોલિશ્ડ ડાયમંડ ખરીદવાનું આગવું પ્લેટફોર્મ મળશે.

બુર્સે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ : અગાઉ વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ અમેરિકાનું પેન્ટાગોન હતું, જે 65 લાખ ચોરસ ફૂટમાં બાંધકામ ધરાવે છે. પરંતુ હવે દુનિયાના સૌથી મોટા બિલ્ડીંગનું સ્થાન ગુજરાતના સુરતમાં 67 લાખ ચોરસ ફૂટમાં નિર્માણ પામેલા ડાયમંડ બુર્સ બિલ્ડીંગે લઈ લીધું છે. એટલું જ નહીં નવ ટાવરમાં પથરાયેલું આ બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગ છે અને નવીનીકરણ તેમજ ગ્રીન એનર્જીમાં સર્વોચ્ચ એવું પ્લેટિનિયમ ગ્રેડેશન પણ ધરાવે છે. સાથે જ વિશ્વની શ્રેષ્ઠ કહી શકાય તેવી તમામ સવલતો અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

વિશ્વ ફલક પર ગુજરાતનું ગૌરવ : ગુજરાતમાં વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલ સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સૌથી મોટો સોલાર રિન્યુએબલ એનર્જી પાર્ક-ચારણકા, અમદાવાદમાં સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ જેવા અનેક આયામોથી વૈશ્વિક ફલક પર ગુજરાતની આગવી ઓળખ બની છે. એ જ રીતે હવે સુરતમાં ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે. અહીં દેશ-વિદેશના ડાયમંડ વેપારીઓને વિશ્વકક્ષાનું નવું વ્યાપાર કેન્દ્ર મળશે. જેનો સીધો લાભ રાજ્ય અને દેશના અર્થતંત્રને થવાની સાથે હજારો લોકોને રોજગારીના અવસરો પણ મળશે.

ઈન્ટરનેશનલ ટ્રેડિંગ સેન્ટર : સુરત ડાયમંડ બુર્સ ખાતે દુનિયાભરના ડાયમંડ રો-મટિરિયલની હરાજી, રફ, કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ, સ્ટડેડ જ્વેલરી, ડાયમંડ-ગોલ્ડ-સિલ્વર-પ્લેટિનમ જવેલરી સહિતની હાઈ વેલ્યુ ગુડ્ઝ મોટી માત્રામાં ખરીદ-વેચાણ માટે ઉપલબ્ધ બનશે. અહીં 27 ઇન્ટરનેશનલ જ્વેલરી શો-રૂમ નિર્માણ પામશે, જેમાં દેશ વિદેશથી આવતા વ્યાપારીઓ, તેમના પરિવારજનો ડાયમંડ જ્વેલરી ખરીદી શકશે. સુરત, મુંબઈ સહિત વિદેશના હીરા વેપારીઓએ ઓફિસ ખરીદી છે.

આકર્ષક આર્કિટેક્ચરનો નમૂનો : ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઈન્ટરકનેક્ટેડ બિલ્ડીંગ છે. બુર્સની 4500 થી વધુ ઓફિસો એકબીજા સાથે જોડાયેલી છે. સુરત ડાયમંડ બુર્સમાં 131 હાઈ સ્પીડ લિફ્ટનું ઈન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે, જેની સ્પીડ પ્રતિ સેકન્ડ 3 મીટરની છે. લિફ્ટનું મેનેજમેન્ટ અત્યાધુનિક ડેસ્ટીનેશન કન્ટ્રોલ સિસ્ટમ વડે થશે. જેથી કોઈપણ વ્યક્તિને 16 માં માળ સુધી પહોંચવા માટે ત્રણ મિનિટ લાગશે. કોઈ પણ વ્યક્તિ બુર્સના 9 ટાવર પૈકી કોઈ પણ ટાવરમાંથી એન્ટ્રી કરશે તો પણ કોઈ પણ ઓફિસમાં પહોંચવા માટે માત્ર 3 મિનિટ લાગશે.

અત્યાધુનિક સુવિધાઓ : સુરત ડાયમંડ બુર્સના 35.54 એકરના સમગ્ર પરિસરમાં 15 એકરમાં પંચતત્વ થીમ આધારિત ફક્ત ગાર્ડન એરિયા છે. આ બગીચો વાસ્તુશાસ્ત્ર મુજબ નવ ગ્રહોને આધિન બનાવાયો છે. એક પણ ઓફિસને સૂર્ય પ્રકાશ ન મળે એવું નહીં બને. આદર્શ આર્કિટેક્ચર મુજબ પૂરતું ગણાય એટલું બે ટાવર વચ્ચે અંતર હોવાથી તમામ ઓફિસોને પૂરતો હવા ઉજાસ સૂર્યપ્રકાશ મળી રહે છે. બુર્સમાં ઝીરો લિક્વિડ ડિસચાર્જ કોન્સેપ્ટ અંતર્ગત 1800 KLD સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા વેસ્ટ વોટરને રિસાયકલિંગ કરવામાં આવશે, તેમજ 400 કિલોવોટ સોલાર પાવર પ્લાન્ટ પણ ઉભો કર્યો છે, જેનાથી પ્રદૂષણ નિયંત્રણ સાથે પર્યાવરણની સુરક્ષા જળવાશે.

ડ્રીમ સિટી પ્રોજેક્ટ : સુરત ડાયમંડ બુર્સના કોર કમિટી મેમ્બર અને પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના હસ્તે 15 ફેબ્રુઆરી, 2015 ના રોજ સુરતમાં ખજોદના મગદલ્લા પાસે ડ્રીમ સિટી (ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઈલ સિટી) પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથોસાથ ડ્રીમ સિટી પ્રોજેક્ટમાં સમાવિષ્ટ સુરત ડાયમંડ બુર્સ પ્રોજેક્ટનું પણ આનંદીબેન પટેલે ભૂમિપૂજન કર્યું હતું. તત્કાલીન મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ પણ બુર્સ ઝડપભેર સાકાર થાય એ માટે ઉમદા સહયોગ આપ્યો હતો.

સુરતનો હીરાઉદ્યોગ : સુરતના હીરાઉદ્યોગમાં 2 લાખ કરોડનો વેપાર થાય છે, ડાયમંડ બુર્સ સાકાર થતા તે વધીને 4 લાખ કરોડ થવાની સંભાવના છે. એટલે કે માત્ર SDB થકી જ વર્ષે 2 લાખ કરોડનો વ્યાપાર થશે. જેનાથી રાજ્ય અને કેન્દ્ર સરકારને ટેક્સની આવકમાં મોટો લાભ થશે. ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્ર અને રાજ્યના પ્રધાન, ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ લખાણી, ડિરેક્ટર મથુરભાઈ સવાણી, ગોવિંદભાઈ ધોળકિયા, લાલજીભાઈ પટેલ, સુરત ડાયમંડ ઈન્સ્ટીટયુટના ચેરમેન અને બુર્સ કમિટીના સભ્યો સહિત હીરા ઉદ્યોગના માંધાતાઓ ઉપસ્થિત રહેશે.

વન સ્ટોપ ડેસ્ટીનેશન : ડાયમંડ મેન્યુફેક્ચરિંગમાં વૈશ્વિક સિદ્ધિ બાદ હવે સુરત હવે ડાયમંડ ટ્રેડિંગનું પણ હબ બનશે એનો આનંદ વ્યક્ત કરતા મથુરભાઈ સવાણીએ વધુમાં કહ્યું કે, આ બુર્સ પ્લેટિનમ, સિલ્વર ડાયમંડ, લેબગ્રોન ડાયમંડના વન સ્ટોપ ડેસ્ટીનેશન તરીકે ઊભરી આવશે. વિશ્વના ખૂણે ખૂણાથી આવેલા ગ્રાહકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. જાણીતી ડાયમંડ કંપનીઓ ઉપરાંત જે MSME નાના ઉદ્યોગકારો મુંબઈમાં ઓફિસ ખરીદી શકતા નહોતા, તેમણે પણ અહીં ઓફિસ ખરીદી છે. જેથી હવે ડાયરેક્ટ વિદેશી બાયર્સ સાથે કનેક્ટિવિટી મળશે. જેનો સીધો લાભ તમામ વેપારીઓને થશે.

  1. સુરત ડાયમંડ બુર્સ વિવાદમાં બાંધકામ કંપનીએ કહ્યુ 538 કરોડ રૂપિયા બાકી, બુર્સના ટ્રસ્ટીઓનું જુદું નિવેદન
  2. Surat Diamond Bourse E Auction : ડાયમંડ બુર્સની 94 ઓફિસનું ઈ ઓક્શન યોજાયું, સ્ક્વેર ફૂટ દીઠ કેટલો ભાવ ઉપજ્યો જાણો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.