ETV Bharat / state

Surat News: ગોરખનાથ સંપ્રદાયે સ્વામિનારાયણ સંપ્રદાય વિરૂદ્ધ આપ્યું આવેદન પત્ર, ગેબીનાથ જેવા સિદ્ધ પુરુષનું અપમાન નહીં સાંખી લેવાય

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 5, 2023, 6:31 PM IST

Updated : Sep 5, 2023, 6:39 PM IST

સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ બ્રહ્મસ્વરૂપદાસ સ્વામી પોતાના પ્રવચનમાં અનેક વાર ગેબી સંપ્રદાય વિરૂદ્ધ કડવા વેણ કરતા જોવા મળ્યા છે. તેથી ગેબી-નાથ સંપ્રદાયના ભકતો-અનુયાયી દ્વારા ગોરખનાથ સંપ્રદાય તરફથી સ્વામિનારાયણના આ સાધુ વિરૂદ્ધ કડકમાં કડક પગલાં ભરવાની માંગણી દર્શાવતું આવેદનપત્ર સુરત કલેક્ટરને આપવામાં આવ્યું છે. તેના પરિણામે આજે ગોરખનાથ સંપ્રદાયના ભક્તોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. વાંચો સ્વામિનારાયણ વિરૂદ્ધ ગોરખનાથ સંપ્રદાયની માંગણીઓ વિશે વિગતવાર...

સ્વામિનારાયણ સંપ્રદાય વિરૂદ્ધ આવેદન અપાયું
સ્વામિનારાયણ સંપ્રદાય વિરૂદ્ધ આવેદન અપાયું

Surat News

સુરતઃ શહેરના ગોરખનાથ સંપ્રદાયના ભકતો, અનુયાયીઓ અને અગ્રણીઓએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે. આવેદન પત્રમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ બ્રહ્મસ્વરુપદાસ સ્વામી વિરૂદ્ધ ફરિયાદો કરાઈ છે. સાધુ બ્રહ્મસ્વરુપદાસ સ્વામી વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરવાની માંગણી પણ કરવામાં આવી છે. રાજ્ય સરકારને પણ સમાજમાં કડવા વેણ દ્વારા ઝેર ઓકતા સ્વામી વિરુદ્ધ નક્કર પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલોઃ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ બ્રહ્મસ્વરુપદાસ પોતાના પ્રવચન દરમિયાન ગેબી સંપ્રદાય, નાથ સંપ્રદાય અને ગોરખનાથ સંપ્રદાય વિરૂદ્ધ કટુ વચનો કરતા જોવા મળે છે. બ્રહ્મસ્વરુપદાસ પોતાના પ્રવચનમાં ગેબીનાથજી જેવા સિદ્ધ પુરૂષને ગેબી કાટો જેવા હીન શબ્દથી ઉદબોધન કરાય છે. જેનો અર્થ થાય છે કાન ફાટેલા હોય અને કુંડળ ધારણ કરેલા હોય. ઉપરાંત ગેબીનાથજીને કાન કટ્ટો અસૂર કહેવામાં આવ્યો જે સ્વામિનારાયણ પ્રભુને મારવા આવ્યો હતો. આવા નિવેદનો બ્રહ્મસ્વરુપદાસજીએ પોતાની યુ ટ્યૂબ ચેનલ નિત્યકથામાં કરેલા જોવા મળે છે. આ નિવેદનોથી સમગ્ર ગેબી-નાથ સંપ્રદાય, ગોરખનાથ સંપ્રદાયનું અપમાન થયું છે. ભક્તોમાં રોષ ફાટી નીકળ્યો છે અને તેમણે કલેક્ટરને કડક કાર્યવાહીનું આવેદન પાઠવી દીધું છે.

સ્વામિનારાયણના બ્રહમસ્વરૂપદાસ સ્વામીજીએ નાથ સંપ્રદાયના વિરુદ્ધમાં હલકું નિવેદન આપ્યું છે કે, ગેબી કાન ફાટ્ટો, જે અસુર હતો, જે સ્વામિનારાયણ ભગવાનને મારવા પણ આવ્યો હતો. જેનાથી સુરતના સેવકોને ખૂબ જ ઠેસ પહોંચી છે. તેથી અમે કલેકટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે, આ મામલે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેઓને સજા થવી જરૂરી છે. જે મામલે અમે સરકારને પણ વિનંતી કરીએ છીએ કે, આવા સ્વામીજીના વિરુદ્ધમાં કડકમાં કડક પગલાંઓ લેવામાં આવે...પ્રતાપ જીરાવાળા(સેવક, ગોરખનાથ સંપ્રદાય)

આવેદન પત્રની વિગતોઃ છેલ્લા કેટલા સમય થી સમાચાર પત્રો, ટેલિવિઝન તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી સનાતન ધર્મ વિશેની કડવી ટીપ્પણીઓ કરવામાં આવે છે. પોતાના સંપ્રદાય ને ઊંચો દેખાડવા બીજા સંપ્રદાયને સાવ નિમ્નકક્ષાનો બતાવવાનો એક હલકો પ્રયાસ થઈ રહ્યો છે. સ્વામિનારાયણના એક સાધુ બ્રહમસ્વરૂપદાસ સ્વામી દ્વારા ખૂબ જ પાયા વિહોણી અને હલકી કક્ષાની વાત કરેલ છે. તેઓ વડતાલ સ્થિત સ્વામી નારાયણ મંદિરમાં બિરાજે છે. નિત્યકથા નામની યૂટયૂબ ચેનલમાં એક કથા દરમિયાન ગુજરાતના અગ્રણી ધાર્મિક સ્થાન ચાલાલ આપા દાનબાપુ, પાળીયાદ વિસામણબાપુ અને સતાધાર આપા ગીગાબાપુનું ગુરૂ ગાદી સ્થાન એટલે ગેબીનાથજી બાપુ જેવા સિદ્ધ પુરૂષ વિશે ગેબી ફાટ્ટો (જેમના કાન ફાટેલા હોય અને કુંડળ પહેરેલા હોય એવા) શબ્દ પ્રયોગ કરેલ છે. તેમજ આ શીંગડા વાળો અસુર સ્વામિનારાયણ ભગવાનને મારવા પણ આવ્યો હતો તેવા નિવેદનો કર્યા છે. જેનાથી સમગ્ર નાથ સંપ્રદાયના અનુયાયીઓ અપમાનિત થયા છે.

  1. Sarangpur Hanuman Controversy : સાળંગપુર હનુમાન મંદિર મામલે ગુજરાતના વધુ એક દિગ્ગજ નેતાનું નિવેદન
  2. માતાજીનું અપમાન કરનારા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીને લોકોએ મેથીપાક ચખાડ્યો
Last Updated : Sep 5, 2023, 6:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.