ETV Bharat / state

Surat News: રેલવે સ્ટેશન દુર્ઘટનાનો મૃતક અંકિત સિંહ સુરતમાં રત્નકલાકાર હતો, હર્ષ સંઘવીએ રેલવે સ્ટેશન પર કરી ઈમરજન્સી મીટિંગ

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 11, 2023, 8:55 PM IST

સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં.4 પર પોતાના વતન જવા માંગતા મુસાફરોની ભીડ એટલી વધી ગઈ કે એક યુવકનું ચગદાઈને મૃત્યુ થયું છે. આ સમગ્ર ઘટના બાદ તંત્ર દોડતું થયું છે. દરેક વિભાગ રેલવે પ્લેટફોર્મ પર આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે મથી રહ્યો છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક

રેલવે સ્ટેશન દુર્ઘટનાનો મૃતક અંકિત સિંહ સુરતમાં રત્નકલાકાર હતો
રેલવે સ્ટેશન દુર્ઘટનાનો મૃતક અંકિત સિંહ સુરતમાં રત્નકલાકાર હતો

હર્ષ સંઘવીએ રેલવે સ્ટેશન પર કરી ઈમરજન્સી મીટિંગ

સુરતઃ દિવાળી અને છઠ પૂજા નિમિતે સુરતમાં વસતા પરપ્રાંતિયો પોતાના વતન જવા રેલવે સ્ટેશન પર એક્ઠા થયા હતા. આ ભીડ એટલી વધી ગઈ કે 4થી 5 મુસાફરો ચગદાઈ ગયા હતા. જેમાંથી એક યુવકનો શ્વાસ રુંધાઈ જતા પ્લેટફોર્મ પર જ તેનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. અન્ય ઘાયલ મુસાફરોને 108 મારફત સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કેટલાક મુસાફરોને રેલવે સ્ટેશન પર જ સીપીઆર આપવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે તંત્ર સાબદું બની ગયું છે. સરકારના દરેક લાગતા વળગતા વિભાગો આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે સતત મથામણ કરી રહ્યા છે.

દુર્ઘટનાક્રમઃ સુરતના કેપી ગેસ્ટહાઉસમાં મૂળ બિહારના ભાગલપુરના જમસીગામના વતની રામપ્રકાશ અને અંકિતકુમાર એમ બે ભાઈઓ રહેતા હતા. મોટોભાઈ રામપ્રકાશ સીક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો જ્યારે નાનોભાઈ અંકિતકુમાર રત્નકલાકાર હતો. તે હીરાના કારખાનામાં હીરા ઘસવાનું કામ કરતો હતો. આ બંને ભાઈઓએ છઠ પૂજાના તહેવાર નિમિતે પોતાના વતન જવાની તૈયારી કરી હતી. બંને પાસે રેલવેની કન્ફર્મ ટિકિટ પણ હતી. જો કે રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ પ્લેટફોર્મ પર એટલી બધી ભીડ હતી કે દુર્ઘટના સર્જાઈ ગઈ. જેમાં તાપી ગંગા એક્સપ્રેસ ટ્રેનમાં ચડવા દરમિયાન અંકિતકુમારનો શ્વાસ રુંધાઈ ગયો અને ઘટનાસ્થળે જ તેનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. અંકિતકુમાર, તેના મોટાભાઈ રામપ્રકાશ સિવાય પણ અન્ય 4થી 5 મુસાફરો આ દુર્ઘટનાનો શિકાર બન્યા હતા. રામપ્રકાશ સહિત અન્ય ઘાયલ મુસાફરોને 108 મારફતે સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

પોલીસે મહિલાને માંડ બચાવીઃ પેસેન્જર્સની ભીડમાં દુઈજીબેન નામક મહિલાનો જીવ જતા માંડ બચ્યો. આ મહિલા પોતાના પતિ, ભાઈ અને એક સગા સાથે વતન જવા નીકળી હતી. ટ્રેનમાં ચડતી વખતે ભીડ એટલી વધી ગઈ કે તેણીનો શ્વાસ લેવાનો મુશ્કેલ બની ગયો. લોકો મહિલાના શરીર પર પગ મુકીને ટ્રેનમાં ચડવા લાગ્યા. એક ક્ષણે તો તેનું ગળું પણ દબાઈ ગયું હતું. પોલીસને મહિલાની ગંભીર સ્થિતિનો ખ્યાલ આવી ગયો. પોલીસે ભીડમાંથી મહિલાને ખેંચીને માંડ માંડ બહાર કાઢી. મહા મુસીબતે આ મહિલાનો જીવ બચ્યો.

ઈમરજન્સી મીટિંગઃ આ દુર્ઘટનાને પગલે સમગ્ર તંત્ર સાબદુ થઈ ગયું છે. ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ રેલવે પ્લેટફોર્મ પર જ એક ઈમરજન્સી મીટિંગ બોલાવી હતી. જેમાં સ્થાનિક પોલીસ, આપીએફ, કલેક્ટર તેમજ રેલવે વિભાગના અધિકારીઓ સામેલ થયા હતા. આ દુર્ઘટના શા કારણથી ઘટી, ફરીથી તેનું પુનરાવર્તન ન થાય તે માટે કયા કયા પગલા લેવા તેમજ વર્તમાન પરિસ્થિતિને સુધારવા શું કરી શકાય તેવા એજન્ડા પર આ મીટિંગમાં ચર્ચા થઈ હતી.

રેલવે પ્લેટફોર્મ પર ટ્રેનના સમયે ભાગદોડ ન થાય તે માટે અમે પગલા ભરી રહ્યા છીએ. આરપીએફ જવાનોની સંખ્યા વધારી રહ્યા છીએ. તેમજ સ્ટેટ પોલીસ પણ આરપીએફ જવાનોની શક્ય તેટલી મદદ કરી રહી છે...હર્ષ સંઘવી, ગૃહ પ્રધાન, ગુજરાત

ગત વર્ષ કરતા આ વર્ષે ટ્રેનોની સંખ્યા વધારી દીધી છે, વધારાના કોચ જોડવામાં આવ્યા છે. ટિકિટ વિન્ડો પણ વધારી દેવામાં આવી છે. કોમર્શિયલ સ્ટાફ 3 શિફ્ટમાં ફરજ બજાવી રહ્યો છે. મુસાફરોને મારી અપીલ છે કે એક સાથે ધસારો ન કરીએ, રેલવે તંત્રને સહયોગ આપીએ કારણ કે રેલવે સ્ટેશનનું ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે અને મલ્ટિ મોડલ હબ બની રહ્યા છે...દર્શના જરદોશ, કેન્દ્રીય રેલવે રાજ્ય પ્રધાન

  1. Surat News : સુરત રેલવે સ્ટેશન પર ઉત્તર ભારતની ટ્રેનમાં બેસવા ધક્કામુક્કી, પાંચ બેભાન બન્યાં એક યાત્રીનું મોત
  2. Surat News: 48 કલાક લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ મુસાફરોને ટ્રેનમાં જગ્યા ન મળી, કોઈ બારીમાં તો કોઈ શૌચાલયમાં બેસવા મજબૂર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.