ETV Bharat / state

Diwali 2023: પારસી પરિવાર 6 પેઢીથી 199 વર્ષ જૂની સ્વામિનારાયણ ભગવાનની પાઘડીની કરે છે પૂજા અને જાળવણી, માત્ર ભાઈબીજે જાહેર દર્શન

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 15, 2023, 1:23 PM IST

સ્વામિનારાયણના અનુયાયીઓ માટે ભાઈબીજનો દિવસ ખૂબ જ મહત્વનો છે, કારણ કે આ દિવસે ભક્તો અને અનુયાયીઓને ભગવાન સ્વામિનારાયણની પાઘડીના દર્શન કરવા મળે છે. 199 વર્ષ જૂની આ પાઘડી શા માટે પારસી પરિવાર પાસે છે, તેની કેવી રીતે લેવાય છે કાળજી વાંચો વિગતવાર

પારસી પરિવાર 6 પેઢીથી 199 વર્ષ જૂની સ્વામિનારાયણ ભગવાનની પાઘડીની કરે છે પૂજા અને જાળવણી
પારસી પરિવાર 6 પેઢીથી 199 વર્ષ જૂની સ્વામિનારાયણ ભગવાનની પાઘડીની કરે છે પૂજા અને જાળવણી

માત્ર ભાઈબીજે જાહેર દર્શન માટે મુકવામાં આવે છે

સુરતઃ શહેરના સ્વામિનારાયણ ભક્તો અને અનુયાયીઓ ભાઈબીજના દિવસની આતૂરતાપૂર્વક રાહ જોતા હોય છે. દર વર્ષે ભાઈબીજના દિવસે ભક્તોને ભગવાન સ્વામિનારાયણની પાઘડીના દર્શન કરવા મળે છે. ભગવાનની આ પાઘડી પરિવારની પૂજા અને જાળવણી સૈયદપુરા વિસ્તારના એક પારસી પરિવાર કરે છે. ભગવાને સ્વયં આ પાઘડી આ પારસી વાડીયા પરિવારના મોભીને 199 વર્ષ અગાઉ આપી હતી. છ પેઢીઓથી આ વાડીયા પરિવાર ભગવાન સ્વામિનારાયણની પાઘડીની પૂજા-અર્ચના અને જાળવણી કરે છે.

199 વર્ષ પહેલાની ઘટનાઃ સંવત 1881 એટલે કે વર્ષ 1824માં સુરતના પ્રખ્યાત કોટવાળ અરદેશરજીને સ્વામિનારાયણ ભગવાને પોતાના હાથે આ પાઘડી આપી હતી. આ પાઘડી સાથે શુકન માટે એક શ્રીફળ પણ આપ્યું હતું. માગશર સુદ ત્રીજના દિવસે ભગવાન સ્વામિનારાયણ સુરતથી કોસાડ ગામ તરફ જવાના હતા. આ દિવસે અરદેશરજી અને તેમના મોટાભાઈ પીરોજશાહ રુસ્તમબાગમાં ભગવાન સ્વામિનારાયણને મળવા આવ્યા હતા. અરદેશરજીએ હાથ જોડીને ભગવાનને કહ્યું કે તમે પ્રીતિ તોડીને ચાલી નીકળ્યા. અરદેશરજીના મનની સ્થિતિ પામીને ભગવાને પોતાના માથા પરની ગુલાબ તોરાથી ભરેલ પાઘડી અરદેશરજીના માથા પર મુકી હતી. ભગવાને શુકન માટે એક શ્રીફળ પણ અરદેશરજીને સોંપ્યું હતું. ભગવાને કહ્યું હતું કે, હું તમારી સાથે જ છું, જ્યારે પણ તકલીફ આવી પડે ત્યારે મને યાદ કરજો હું તમારી મદદે જરુર આવી જઈશ. ભગવાને અરદેશરજીના દેહત્યાગના ત્રણ દિવસ પહેલા પણ દર્શનનું વચન આપ્યું હતું. ત્યારથી લઈને આજે 199 વર્ષ સુધી સતત આ પારસી વાડીયા પરિવાર પાઘડીની પૂજા અર્ચના અને જાળવણી કરે છે. દર વર્ષે ભાઈબીજના દિવસે ભગવાનની પાઘડી જાહેર દર્શન માટે જાહેરમાં મુકવામાં આવે છે.

કોણ હતા અરદેશરજી?: વર્ષો સુધી સમૃદ્ધ ગણાતા સુરતમાં અંગ્રેજો સમયે ચોર લૂંટારાઓનો બહુ ત્રાસ ફેલાયો હતો. અંગ્રેજોએ આ માથાના દુખાવા સમાન સમસ્યાનો ઉકેલ લાવવાની જવાબદારી અને તમામ સત્તા અરદેશરજીને સોંપી હતી. અરદેશરજીએ આ જવાબદારી સુપેરે નિભાવી હતી. તેમણે તાલીમબદ્ધ સુરતી સૈનિકોની ટીમ બનાવી હતી, હથિયાર અને કુશળ પોલીસ ફોર્સની રચના કરી હતી, રાત્રે ચોકી માટે ખાસ દાંડીયા પ્રથા શરુ કરી હતી, ચોર લૂંટારાઓની ભાળ મેળવવા જાસૂસી પ્રથા અમલી બનાવી હતી. જાતે જીવના જોખમે વેશપલટો કરીને સુરત શહેરની સુરક્ષાની તપાસ કરવા નીકળતા હતા. અરદેશરજીના પ્રયત્નોને લીધે સુરત ચોર લૂંટારાઓથી સુરક્ષિત બન્યું હતું. અરદેશરજીએ સુરતની સુરક્ષામાં જે પગલા ભર્યા, સેવા કરી તે ઈતિહાસમાં બેજોડ છે.

વર્ષમાં એકવાર કપૂર લવિંગ વગેરે સુરક્ષા માટે મુકવામાં આવે છે
વર્ષમાં એકવાર કપૂર લવિંગ વગેરે સુરક્ષા માટે મુકવામાં આવે છે

ભગવાનની પાઘડી પ્રત્યે આસ્થા અને કાળજીઃ 199 વર્ષ અગાઉ અરદેશરજીને ભગવાન સ્વામિનારાયણે આ પાઘડી પોતાના હસ્તે આપી હતી. ત્યારથી લઈને આજ સુધી સતત આ પરિવાર ભગવાનની પાઘડીની પૂજા અર્ચના અને કાળજી કરી રહ્યો છે. આ પારસી વાડીયા પરિવારને ભગવાન સ્વામિનારાયણ અને આ ધર્મમાં ખૂબ જ આસ્થા છે. છ પેઢીથી વાડીયા પરિવાર આ પાઘડીની કાળજી લઈ રહ્યો છે. ભાઈ બીજના દિવસે ભક્તો અને અનુયાયીઓ આ પાઘડીના દર્શન કરી શકે તે માટે જાહેર દર્શન માટે મુકવામાં આવે છે. અગાઉ આ પાઘડી છાબડીમાં દર્શનાર્થે મુકવામાં આવતી હતી. જો કે ભક્તો કંકુ, ફુલોથી તેની પૂજા અર્ચના કરતા તેથી તેની જાળવણીમાં થોડી તકલીફ થતી હતી. ત્યારબાદ વાડીયા પરિવારે પાઘડી માટે કાચ અને લાકડામાંથી સ્પેશિયલ બોક્સ બનાવ્યું છે. તેથી ભક્તો સ્પર્શ્યા વિના પાઘડીના દર્શન કરી શકે. આ સ્પેશિયલ બોક્સમાં પાઘડી સાથે ભગવાન સ્વામિનારાયણે અરદેશરજીને આપ્યું હતું તે શ્રીફળ પણ મુકવામાં આવ્યું છે.

આખુ વર્ષ આ પાઘડી અમારા ઘરમાં લાકડા અને કાચના સ્પેશિયલ બોક્સમાં સચવાય છે. ભાઈ બીજના દિવસે ભકતો દર્શન કરી શકે તે માટે જાહેર દર્શન માટે મુકીએ છીએ. ભગવાન સ્વામિનારાયણે આપેલી આ પાઘડી હજુ પણ તે જ અવસ્થામાં રાખવામાં આવી છે. તેને ક્યારેય ધોવામાં નથી આવી. આ પાઘડીના બોક્સમાં વર્ષે એકવાર કપૂર, લવિંગ મુકવામાં આવે છે જેથી તે સુરક્ષિત રહે...કેરશાસ્પજી(પાઘડીની કાળજી લેનાર પારસી, સુરત)

ભગવાન સ્વામિનારાયણ પ્રેમના પ્રતીક સમાન છે. તેમણે પ્રેમથી સૌને જીત્યા હતા. અમને તેમના માટે ખૂબ જ આસ્થા છે. આખુ વર્ષ અમે આ દિવસની રાહ જોઈએ છીએ જ્યારે આ પાઘડીને જાહેર દર્શન માટે મુકવામાં આવે છે...કિરણભાઈ(હરિભક્ત, સુરત)

  1. Junagadh News : અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરે 1100 પકવાનોનો ભરાયો અન્નકૂટ, કરો દર્શન
  2. Ahmedabad News : અમદાવાદના શાહીબાગમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ભવ્યાતિભવ્ય અન્નકૂટ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.