ETV Bharat / state

Surat Crime: કડોદરામાં 12 વર્ષના બાળકના અપહરણ બાદ હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર અને બે સગીર બિહારથી ઝડપાયા

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 15, 2023, 7:06 PM IST

સુરત ક્રાઈમ બ્રાન્ચ અને બિહાર STFની ટીમે સર્ચ ઓપરેશન પાર પાડી 12 વર્ષના બાળકનું અપહરણ કરી હત્યા કરનાર આરોપીઓને બિહારના છપરાથી ઝડપી પાડયા હતા. રાત્રિના બે વાગ્યે આરોપીઓ ઊંઘમાં હતા તે જ સમયે પોલીસે ત્રાટકીને તેમને પકડી લીધા હતા. ત્રણ પૈકી બે આરોપી સગીર હોવાનું બહાર આવ્યું છે.

Surat Crime
Surat Crime

12 વર્ષના બાળકની હત્યા કરનાર આરોપીઓ ઝડપાયા

બારડોલી: સુરત જિલ્લાના કડોદરા ખાતે 12 વર્ષના બાળકના અપહરણ બાદ હત્યા કરવાના પ્રકરણમાં જિલ્લા પોલીસે મુખ્ય સૂત્રધાર અને બે સગીરને બિહારના છાપરાથી ઝડપી પાડ્યા છે. બિહાર STFની મદદથી સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. હાલ પોલીસની ટીમ ત્રણેયને લઈને બિહારથી રવાના થઈ છે.

15 લાખની ખંડણી માંગી: સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરાની સત્યમનગર સોસાયટીમાં રહેતા અને મૂળ બિહારના જહાનાબાદ સંતપૂરના રહેવાસી સુધીરકુમાર બલેશ્વર મહંતોના મોટા પુત્ર અમરેન્દ્ર ઉર્ફે શિવમ(ઉ.વર્ષ 12)નું ગત 8મી સપ્ટેમ્બરના રોજ અપહરણ થયું હતું. અપહરણકર્તાઓએ તેના પિતાને ફોન કરી 15 લાખ રૂપિયાની ખંડણી માગી હતી. આ અંગે પોલીસને જાણ થતાં જ કડોદરા જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરતાં સત્યમનગરમાં જ રહેતા સોનુ ઉર્ફે વિનાયક શ્રીરામ યાદવ, તેનો ભાઈ ગૌતમ ઉર્ફે મોનું વિનાયક યાદવ, મોહન, જીગો, સતીષ અને ઉમંગ નામના યુવાનોએ ષડયંત્ર રચી અપહરણ કર્યું હોવાનું બહાર આવ્યું હતું.

ક્રાઈમ બ્રાન્ચ અને બિહાર STFની ટીમનું સર્ચ ઓપરેશન
ક્રાઈમ બ્રાન્ચ અને બિહાર STFની ટીમનું સર્ચ ઓપરેશન

4 ટીમ દ્વારા શોધખોળ: પોલીસે 10મીના રોજ ઉમંગ નામના શખ્સની ધરપકડ કરી હતી. પૂછપરછમાં ઉમંગે ઊંભેળના દાડીયા ફળિયા નજીક અવાવરુ જગ્યામાં શિવમની હત્યા કરી નાખી હોવાની કબૂલાત કરતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી હત્યામાં સંડોવાયેલા અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે આરોપીઓને પકડી પાડવા માટે જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ ઉપરાંત એસ.ઑ.જી મળી કુલ 4 જેટલી ટીમો કામે લગાડી ઉત્તરપ્રદેશ અને બિહાર મોકલવામાં આવી હતી. જેમાં આરોપીઓ બિહારના છપરા ખાતે હોવાની બાતમી પોલીસને મળતા પોલીસની ટીમ છપરા પહોંચી હતી. જ્યાં બિહાર એસટીએફની મદદથી પોલીસે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું.

'આ પ્રકરણમાં બિહારથી મુખ્ય સૂત્રધાર અને બે સગીરની અટકાયત સાથે અત્યાર સુધીમાં 4 આરોપીઓ પકડાયા છે. જ્યારે બે આરોપીઓની પોલીસની અલગ અલગ ટીમ શોધખોળ કરી રહી છે. આ ઉપરાંત આ પ્રકરણને લઈને કડોદરા PIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાલ આંતરિક તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારી કરી રહ્યા છે. જો કોઈ બેદરકારી જણાશે તો તેવા કર્મચારીઓ સામે પણ પગલાં લેવામાં આવશે.' - હિતેશ જોયસર, સુરત જિલ્લા પોલીસ વડા

ત્રણ આરોપીની અટકાયત: બિહાર-ઉત્તરપ્રદેશની સરહદ પર આવેલ એક ગામમાં પોલીસે રાત્રિના બે વાગ્યે આરોપીઓનું સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસની ટીમ ગામમાં બધુ સૂમસામ થઈ ગયા બાદ આરોપીઓના ઘરે પહોંચી હતી. બે વાગ્યે ઊંઘમાંથી ઉઠાડીને ત્રણેય આરોપીની અટકાયત કરી હતી. ત્રણ પૈકી બે સગીર વયના હોય તેમના નામ જાહેર થઈ શક્યા નથી. મુખ્ય આરોપી ગૌતમ ઉર્ફે મોનુ શ્રીરામ યાદવની ધરપકડ કરી ત્રણેયને લઈને પોલીસની ટીમ બિહારથી રવાના થઈ ચૂકી હોવાની માહિતી સામે આવી છે.

દેવું વધી જતાં અપહરણ: શિવમ અપહરણ અને હત્યા પ્રકરણમાં મુખ્ય આરોપી મોનુ અને તેનો ભાઈ સોનુની વર્ષ 2017માં થયેલી હત્યા પ્રકરણમાં ધરપકડ થઈ હતી. જેલમાંથી જામીન ઉપર છૂટવા તેમને અંદાજિત 14 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. જેમાં તેમનું ઘર, માતાના દાગીના પણ ગીરવે મુક્યા હતા અને મોટર સાયકલ પણ વેચાઈ ગયું હતું. ઉપરાંત બંને ભાઈઓએ દારૂની ખેપ મારવાનું શરૂ કર્યું હતું. જેમાં પણ ઝડપાઇ જતાં જામીન ઉપર છૂટવા વધુ દેવાદાર બન્યા હતા. આર્થિક સંકડામણને કારણે અન્ય સાગરીતો સાથે ભેગા મળી શિવમનું અપહરણ કરી ખંડણી વસૂલવાનું નક્કી કર્યું હતું. જો કે, તેમાં સફળ નહીં રહેતા શિવમની હત્યા કરી નાખી હતી.

સાક્ષીઓના નિવેદન માટે કાર્યવાહી: શિવમ અપહરણ હત્યા પ્રકરણમાં LCB તપાસ કરી રહી છે. હાલમાં ચાલી રહેલી તપાસ દરમ્યાન મહત્વના સાક્ષીઓના નિવેદન લેવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે. આ દરમ્યાન શિવમનું જ્યારે રિક્ષામાં બેસાડી અપહરણ કરાયું હતું તે સમયે ભીડભાડ વાળી જગ્યા હતી. તેથી ત્યાં વેપાર કરતાં દુકાનદારોએ શિવમને રિક્ષામાં બેસાડ્યો તે નજરે જોયું હતું. આ મહત્વના સાક્ષીઓના પોલીસ નિવેદન લઈ રહી છે.

  1. Rajkot Crime: રાજકોટમાં 10 વર્ષની બાળકીએ પોતાના જ અપહરણનો ખેલ રચ્યો, જાણો શા માટે
  2. Kadodara PI Transfer: કડોદરાના PI સસ્પેન્ડ થતાં તેની જગ્યાએ આવેલ નવા PIની 24 કલાકમાં જ બદલી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.