ETV Bharat / state

સુરતમાં છેલ્લા 1 મહિનાથી વન વિભાગને છેતરી રહેલા દીપડાએ ફરી દેખા દીધા

author img

By

Published : Jan 23, 2021, 7:51 AM IST

છેલ્લા એક મહિનાથી વન વિભાગને છેતરી રહેલા દીપડાએ ફરી દેખા દીધા
છેલ્લા એક મહિનાથી વન વિભાગને છેતરી રહેલા દીપડાએ ફરી દેખા દીધા

છેલ્લા એક મહિનાથી હજીરાનાં કાંઠા વિસ્તારમાં જોવા મળી રહેલો દીપડો ત્રણ દિવસ પહેલા દેખાયા બાદ ફરી જુના ગામના ઝીંગા તળાવનાં પાછળનાં ભાગેથી નીકળી ગયો હતો. દીપડાનાં પગનાં નિશાનને આધારે આ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

  • એક મહિના પહેલા એસ્સાર ટાઉનશીપની પાછળ દીપડો જોવા મળ્યો હતો
  • ત્રણેક દિવસ અગાઉ દીપડાએ હજીરાનાં જૂના ગામમાં વાછરડાને ફાડી ખાધું હતું
  • દીપડો એક જ છે કે વધુ? વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ

સુરત: હજીરામાં ફરી રહેલો દીપડો ત્રણ દિવસ પહેલા દેખાયા બાદ ફરી જુના ગામના ઝીંગા તળાવનાં પાછળનાં ભાગેથી નીકળી ગયો હોવાનું પંજાનાં નિશાન પરથી જાણવા મળ્યું છે. છેલ્લા એક મહિનાથી હજીરાનાં કાંઠા વિસ્તારમાં જોવા મળી રહેલો આ દીપડો વનવિભાગને પણ છેતરી રહ્યો છે. હાલમાં ફરી વખત જોવા મળેલો આ દીપડો હવે જૂના ગામની સીમમાં જોવા મળ્યો હતો.

પાંજરા અને ત્રણ કેમેરા ગોઠવવામાં આવ્યા હોવા છતાં દીપડો પાંજરે ન પૂરાયો

એક મહિના પહેલા એસ્સાર ટાઉનશીપની પાછળના ભાગે ઝાડી-ઝાંખરા વાળા વિસ્તારમાં દીપડો જોવા મળતાં આસપાસના રહીશોમાં ગભરાટ જોવા મળ્યો હતો. ત્યારબાદ લગભગ એક મહિના પછી ફરી દીપડાએ હજીરા વિસ્તારમાં દસ્તક આપી છે. દીપડાને પકડી પાડવા માટે છેલ્લા ત્રણ દિવસથી સુરત વનવિભાગ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેમાં જૂના ગામ નજીક પાંજરા અને ત્રણ કેમેરા ગોઠવવામાં આવ્યા હોવા છતાં દીપડો પાંજરે પુરાયો નથી.

અંદાજે ત્રણ મહિનાથી દીપડો આ વિસ્તારમાં

વધુમાં જોવા જઈએ તો વનવિભાગ દ્વારા અગાઉ કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે, દીપડો છેલ્લા ત્રણેક મહિનાથી આ વિસ્તારમાં ભ્રમણ કરી રહ્યો છે. જો કે, જૂના ગામમાં જોવા મળેલો દીપડો અને એસ્સાર ટાઉનશીપમાં જોવા મળેલો દીપડો એક જ છે કે નહીં? તે જાણવા માટે વનવિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂર્યા બાદ તેની તસવીરો ના આધારે તારણ કાઢવામાં આવશે.

દીપડાની ભીડભાડ અને ગીચ વિસ્તાર તરફ કૂચ


સુરત જિલ્લામાં દેખાતો દીપડો હવે ધીરે-ધીરે ભીડભાડ અને વસ્તીવાળા વિસ્તારમાં દેખાવા માંડયો છે. વીતેલા ત્રણેક દિવસ અગાઉ હજીરાનાં જૂના ગામમાં દીપડો ત્રાટક્યો હતો. જૂના ગામમાં વાછરડાને ફાડી ખાધા બાદ દીપડો નીકળી ગયો હતો. દીપડાને પકડવા માટે નાયબ વન સંરક્ષણ અધિકારી સહિતની ટીમ દોડી આવી હતી. ઝીંગા તળાવ પાસે ફૂટપ્રિન્ટ દેખાયા બાદ પિંજરાનાં લોકેશન બદલવામાં આવ્યા છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરા પણ ગોઠવી દેવાયા છે. વનવિભાગ આશા સેવી રહ્યું છે કે, નજીકના દિવસોમાં દીપડો પાંજરે પુરાઈ જશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.