Ganesh Chaturthi 2023: ન્યૂઝ પેપર અને ટીસ્યુ પેપરથી બનેલી ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બની આકર્ષણનું કેન્દ્ર

Ganesh Chaturthi 2023: ન્યૂઝ પેપર અને ટીસ્યુ પેપરથી બનેલી ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બની આકર્ષણનું કેન્દ્ર
ગણેશ ચતુર્થીને ગણતરીના દિવસો બાકી છે. બજારમાં અવનવી ગણેશ પ્રતિમાઓ જોવા મળી રહી છે. પરંતુ સુરતના એક મૂર્તિકારે ન્યૂઝ પેપર અને ટીસ્યુ પેપરથી ગણેશ પ્રતિમા બનાવી છે. જે વજનમાં પણ હલકી છે અને સહેલાઈથી વિસર્જિત પણ થઈ જાય છે. એટલું જ નહીં નવ જેટલા દેશોમાં જે ગણેશજીની પ્રતિમાની પૂજા અર્ચના કરવામાં આવે છે તે જ પ્રતિમા સુરતમાં આ મૂર્તિકાર જીગ્નેશ મિસ્ત્રી દ્વારા બનાવવામાં આવી છે.
સુરત: પર્યાવરણ અને ખાસ કરીને તાપી નદીમાં પ્રદૂષણ ન થાય તે માટે ગણેશ વિસર્જન માટે માટીની પ્રતિમાઓ રાખવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે સુરતના મૂર્તિકાર જીગ્નેશ મિસ્ત્રીએ ગણેશ વિસર્જન સહેલાઈથી થઈ જાય તે માટે કાગળની આકર્ષક ગણેશજીની પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી છે. આ પ્રતિમાઓ જોઈને કોઈને પણ લાગશે નહીં કે આ ટીસ્યું પેપર, ન્યૂઝ પેપર કે અન્ય કાગળથી બનાવવામાં આવી છે.
કેવી રીતે બને છે કાગળની પ્રતિમા: આ મૂર્તિ માટીની મૂર્તિ કરતા વજનમાં ખૂબ જ હલકી હોય છે. તેની ઉપર માટીની પરત લગાવવામાં આવે છે. જેથી રંગરોગાન કરી ગણેશજીની આકર્ષક પ્રતિમાઓ બનાવી શકાય. પહેલા કાગળને ગુંદર સાથે થોડીક મિનિટો રાખીને તેનો પલ્પ બનાવવામાં આવે છે. આ પલ્પથી ગણેશજીની પ્રતિમાને આકાર આપવામાં આવે છે અને ત્યારબાદ કાગળથી તૈયાર થઈ જાય છે આ ગણેશજીની પ્રતિમા.
અન્ય દેશોના ગણપતિની પ્રતિમા: ગણેશજીની પૂજા માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ થતી હોય છે. તેમની પૂજા અર્ચના અન્ય કયા દેશોમાં થાય છે આ અંગે લોકોને જાણકારી મળે તે હેતુથી ત્યાંના આબેહુબ ગણેશજીની પ્રતિમાને સુરતમાં જીગ્નેશ મિસ્ત્રીએ બનાવી છે. ચાઇના, જાપાન, નેપાળ, ઈન્ડોનેશિયા, ખામેર, થાઈલેન્ડ, કમ્પુચીયા સહિત અન્ય દેશોમાં જે સ્વરૂપમાં ગણેશજીની પૂજા થાય છે તે જ પ્રતિમા માટીથી તૈયાર કરવામાં આવી છે.
'અમે તાપી શુદ્ધિકરણ અને પર્યાવરણ રક્ષણ માટે લોકો ઘરે સહેલાઈથી ગણેશ વિસર્જન કરી શકે તેમાટે કાગળની ગણેશજી પ્રતિમા તૈયાર કરી છે. કોઈપણ આ પ્રતિમાને જોઈ કહી શકશે નહીં કે આ કાગળથી તૈયાર કરવામાં આવી છે. ફિનિશિંગ માટે અમે માટી પણ વાપરી છે અને આ સંપૂર્ણ રીતે ઇકો ફ્રેન્ડલી છે. ભારત સિવાય અન્ય દેશોમાં ગણેશજીની અલગ અલગ સ્વરૂપમાં પૂજા અર્ચના કરવામાં આવે છે. તેને ધ્યાનમાં રાખી પુસ્તક અને મેગેઝીન સહિત ઇન્ટરનેટ પર સર્ચ કરીને નવ દેશોમાં જે ગણેશજીની પ્રતિમાની પૂજા અર્ચના થાય છે તે તે જ સ્વરૂપમાં અહીં માટીની પ્રતિમા તૈયાર કરી છે.' - જીગ્નેશ મિસ્ત્રી, મૂર્તિકાર
