ETV Bharat / state

કોરોના ઇફેક્ટ: રાજકોટની બજારોમાં નાના વેપારીઓને જોરદાર ફટકો, 80 ટકા ગ્રાહકોમાં ઘટાડો

author img

By

Published : Jul 9, 2020, 5:26 PM IST

કોરોના મહામારી કારણે ઉદ્યોગો બંઘ રહેતા ધંધાર્થીઓને ભારે હાલાકી વેઠી રહ્યાં છે. ખાસ કરીને રેડીમેડ કપડાના વેપારી, ફુટવેરના વેપારી અને સ્ટેશનરીઓના વેપારીઓ ખૂબ જ મંદીનો સામનો કરી રહ્યા છે. કારણે કોરોના કારણે શાળાઓ અને તમામ પ્રસંગો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યાં છે. સાથે સૌને બિનજરૂરી બહાર નીકળવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જેની સીધી અસર વેપારીઓની આવક પર થઈ રહી છે. જેથી વેપારીઓ 50 ટકા સ્ટાફથી કામ ચલાવવા મજબૂર થયા છે.

કોરોના ઇફેક્ટ
કોરોના ઇફેક્ટ

રાજકોટ: કોરોના વાઈરસની મહામારીને લઈને મોટાભાગના ઉદ્યોગ ધંધા ઠપ્પ થઈ ગયા હતા, ત્યારે દેશમાં બે મહિના જેટલું લોકડાઉન રહેવાના કારણે નાના ધંધાર્થીઓ સાવ ભાંગી પડ્યા છે. જેમાં રેડીમેડ કપડાના વેપારીઓ હોય કે ફુટવેરના વેપારીઓ કે પછી સ્ટેશનરીઓના વેપારીઓ હોય હાલ મોટાભાગના દુકાનદારો ખૂબ જ મંદીનો સામનો કરી રહ્યા છે.

કોરોના ઇફેક્ટ: રાજકોટની બજારોમાં નાના વેપારીઓને જોરદાર ફટકો, 80 ટકા ગ્રાહકોમાં ઘટાડો

રાજકોટની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના પાટનગર રંગીલા રાજકોટમાં મેન્સવેર કિડ્સ વેર અને લેડીઝ વેર આમ રેડીમેડ કપડાની અંદાજિત 20 હજાર દુકાનો આવેલી છે. જે વર્તમાન પરિસ્થિતિમા કોરોનાના કારણે મંદીનો સામનો કરી રહ્યા છે. રાજકોટમાં જંકશન વિસ્તારમાં મારુતિ સિલેક્શન નામની રેડીમેડ કપડાની દુકાન ધરાવતા કમલ મોટવાણીએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "હાલ લગ્નની સીઝન છે, પરંતુ કોરોનાના કારણે હાલ લગ્નમાં પણ કેટલાક લોકોને જવાની મંજૂરી મળે છે. જેના કારણે લોકો કપડા પણ ખરીદી રહ્યા નથી, ત્યારે બીજી તરફ દુકાનનું ભાડું સાથે લાઈટ બિલ અને દુકાનમાં કામ કરતા લોકોના પગાર કાઢવો મુશ્કેલ બન્યો છે.

રાજકોટ બજારોમાં મંદી
રાજકોટના બજારોમાં મંદી

હાલ, અડધા સ્ટાફે કામ કરવાની નોબત આવી છે. તેમજ લોન લઈને અને પૈસાની કરકસર કરીને કામ ચલાવી રહ્યા છીએ, ત્યારે રાજકોટમાં વર્ષોથી સ્ટેશનરીની દુકાન ધરાવતા ધનજીભાઈ જણાવ્યું હતું કે, હાલ કોરોનાને લઈને માત્ર 30 ટકા જ ગ્રાહકો દુકાને આવી રહ્યા છે. એમાં પણ ઓનલાઇન શિક્ષણ આવતાં માત્ર 15 થી 20 ટકા લોકો જ હાલ પુસ્તકો ખરીદી રહ્યા છે અને હાલ કોરોનાને લઈને શાળા કોલેજ પણ બંધ છે. જેને લઇને કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. અગાઉ 60થી 70 ટકા જેટલો ધંધો થતો હતો. પરંતુ કોરોનાને લઈને ખૂબ જ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. એમાં પણ બે મહિના તો સાવ બંધ હોવાના કારણે ખૂબ જ આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા છીએ."

રાજકોટના મવડી વિસ્તારમાં આવેલી ફુટવેરના વેપારી રવિભાઇએ ETV BHARATને જણાવ્યું હતું કે, "એક તરફ કોરોનાને લઈને દુકાને ગ્રાહકો આવતા નથી. જ્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના કારણે ટ્રાન્સપોર્ટેશનને લઈને માલ રાજકોટ પહોંચતા મોંઘો પડે છે. જ્યારે આ માલ અમે ગ્રાહકોને આપીએ છીએ તો તેમને પણ જૂના ભાવે જ વસ્તુઓ જોઈએ છે એટલે ગ્રાહકોને પણ પોસાય એવું મળતું નથી."

નોંધનીય છે કે, બજારમાં દુકાનો ભલે શરૂ થઈ ગઈ હોય પરંતુ હજુ પણ મંદીનો માહોલ છે. વસ્તુઓ સતત મોંઘી થઈ રહી છે. જેને લઇને અત્યારે કોઈ પણ ધંધો કરવો ખૂબ જ મુશ્કેલ બન્યું છે.

રાજકોટમાં અંદાજે 20 લાખ વસ્તી રહે છે જેની સામે અલગ-અલગ કપડા, ફુટવેર સ્ટેશનરી, નાસ્તા સહિતની અંદાજિત 60 હજારથી વધુ દુકાનો આવેલી છે. જયારે રાજકોટની બજારમાં આસપાસના ગામના પણ લોકો ખરીદી માટે આવે છે. પરંતુ કોરોનાને લઈને હાલ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવું હિતાવહ ન હોવાના કારણે લોકો પણ પોતાના ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે જેની સીધી અસર નાના નાના વેપારીઓને થઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.