ETV Bharat / state

Rajkot News : ગોંડલ સ્ટેટના મહારાજા સાહેબ ભગવતસિંહજીની 158 મી જન્મજયંતિ, જાણો ભગવતસિંહજીનો સ્વર્ણિમ શાસનકાળ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 24, 2023, 8:30 PM IST

Rajkot News
Rajkot News

ગોંડલ સ્ટેટના મહારાજા સાહેબ ભગવતસિંહજીની 158 મી જન્મજયંતિની ઉપલેટા શહેરમાં ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ઉપલેટા શહેર અને આસપાસના પંથકના આગેવાનો અને અગ્રણીઓએ સાથે મળીને ભગવતસિંહજીની પ્રતિમાને ફૂલોનો હાર પહેરાવી તેમના શાસનકાળની યાદો તાજી કરી હતી.

ગોંડલ સ્ટેટના મહારાજા સાહેબ ભગવતસિંહજીની 158 મી જન્મજયંતિ

રાજકોટ : ગોંડલ સ્ટેટસના યશસ્વી મહારાજા અને ભગા બાપુના હુલામણા નામથી ઓળખાતા મહારાજા સાહેબ ભગવતસિંહ સંગ્રામસિંહ જાડેજાની 24 ઓક્ટોબરના રોજ 158 મી જન્મજયંતી છે. ત્યારે ઉપલેટા શહેરના બાપુના બાવલા ચોક ખાતે ઉપલેટા શહેર તેમજ તાલુકા પંથકના આગેવાનો અને અગ્રણીઓએ સાથે મળીને મહારાજા ભગવતસિંહજીની જન્મજયંતિની ઉજવણી કરી હતી. મહારાજા ભગવતસિંહજીની પ્રતિમાને તેમજ તસવીરને ફુલહાર પહેરાવી આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ મહારાજા સાહેબના કાર્યકાળ અને તેમની કામગીરીને બિરદાવી હતી.

ગોંડલ સ્ટેટના યશસ્વી મહારાજા ભગવતસિંહ સંગ્રામસિંહ જાડેજાનો જન્મ 24 ઓક્ટોબર, 1865 ના રોજ ધોરાજી ખાતે થયો હતો. ત્યારબાદ તેમણે પરંપરાગત રીતે અભ્યાસ કરી અને રાજગાદી પર પોતાનું શાસન શરૂ કર્યું હતું. જેમાં તેમના શાસનકાળમાં થયેલા કાર્યો, નિયમો અને સુવિધાઓને લઈને આજે પણ તેમની પ્રજા ખુબ સારી રીતે તેમની આપેલી ભેટ હોંશે હોંશે બિરદાવે છે. ત્યારે આવા મહારાજાના જન્મદિવસ નિમિત્તે ઉપલેટા શહેરના આગેવાનો એકત્રિત થઈને મહારાજા સાહેબના જન્મદિવસની ઉજવણી કરી છે.

રાજકોટની રાજકુમાર કોલેજમાં 1887, સ્કોટલેન્ડની એડિનબરો યુનિવર્સિટીમાંથી LLD 1890, એડિનબરોમાંથી MBCM અને MRCP 1895, એડિનબરો રોયલ કોલેજમાંથી FRCP અને MD આયુર્વેદના સંક્ષિપ્ત કરેલ અને ઇતિહાસની શોધખોળ માટે પણ તેઓ જાણીતા હતા. ત્યારે આ મહારાજા ભગવતસિંહજીને સૌ કોઈ ગોંડલ બાપુ તેમજ ભગા બાપુના હુલામણા નામથી ઓળખે છે.

ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા અથવા મહારાજા ભગવતસિંહજી ગોંડલના મહારાજા હતા. તેઓ તેમના પ્રજાકલ્યાણના કાર્યો તેમજ ભગવદ્ગોમંડલના નિર્માણ માટે જાણીતા છે. ગોંડલ રાજ્યના પ્રજાકલ્યાણના અનેક કામો ઉપરાંત વાચનમાળા, અક્ષરમાળા, શિક્ષણમાળા, પાઠ્યપુસ્તકમાળા વગેરેનું આયોજન કર્યું છે. ઉપરાંત ગુજરાતી ભાષાનો અપૂર્વ કહી શકાય એવો 2,81,370 શબ્દો સમાવતો શબ્દકોશ ભગવદ્ગોમંડલ ભાગ 1 થી 9, 1944-46 માં તેઓએ તૈયાર કર્યો છે.

મહારાજા ભગવતસિંહજીનો 25 ઓગસ્ટ 1884 ના રોજ રાજ્યાભિષેક થયો હતો. ત્યારબાદ તેમણે પોતાના શાસનકાળમાં પ્રજા માટે અનેક કાર્યો કર્યા છે. જેમાં ખાસ કરીને કરોડો રૂપિયાના લોક ઉપયોગી કાર્યો જેમ કે પુલ, શાળા, રસ્તા, ધોરાજી અને ઉપલેટામાં વીજળી, ટ્રામની સગવડ ઉભી કરી હતી. જેથી ગોંડલ-ધોરાજી અને ઉપલેટા દેશના શ્રેષ્ઠ શહેર ગણાય છે. આ ઉપરાંત ગોંડલ અને મોવિયા ગામને સાત ટાંકીમાંથી શુદ્ધ પાણી વિતરણ, ગોંડલમાં તે જમાનામાં અંડર ગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા, અંડર ગ્રાઉન્ડ વીજળીનું પ્લાનિંગ અને રાજ્યના તમામ ગામડાઓ ગોંડલ સાથે ટેલિફોનથી જોડાયેલાં હતાં. આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રમાં કન્યા કેળવણી મફત અને ફરજિયાત બનાવી રાજ્યની દીકરીઓને શિક્ષિત કરવાનું ખાસ કાર્ય કર્યું હતું. જે શાળા આજે પણ હયાત છે.

ગોંડલ રાજ્યના રસ્તાની બંને બાજુએ અસંખ્ય વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેના પરિણામે વટેમાર્ગુઓ વૃક્ષોની શીતળ છાયા હેઠળ આરામથી મુસાફરી કરી શકતા હતા. ભગવદ્ગોમંડલના કુલ 9 દળદાર ગ્રંથોના 9870 જેટલા વિશાળ પૃષ્ઠોમાં વિશ્વકોશ કક્ષાની ભારતીય સંસ્કૃતિની માહિતીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. ગોંડલ સ્ટેટમાં થતા તમામ વિકાસકાર્યોમાં મહારાજા સાહેબ ખુદ વ્યક્તિગત રીતે દેખરેખ રાખી તમામ વિગતવાર થતા કામની વિસ્તૃત વિગતો મેળવી લોક ઉપયોગી કાર્યમાં હંમેશા સતત ખડે પગે રહેતા હતા. જેના પરિણામે આજે પણ તેમના બનાવેલા રસ્તા અને ઇમારતો અડીખમ ઊભી છે.

ગોંડલ સ્ટેટના યશસ્વી મહારાજા સાહેબ ભગવતસિંહજી જાડેજાને જન્મદિવસની શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી ભાવવંદના સાથે ગોંડલ સ્ટેટની તમામ પ્રજા આજે પણ ભગવતસિંહજીના કરેલા કાર્યોને વાગોળે છે. ઉપરાંત તેમના આકરા નિયમો અને કાયદાઓને સુખદ રીતે અનુભવે છે તેમજ સુખ, શાંતિ અને સમૃદ્ધિ સાથે રહે છે. સમગ્ર ભારત દેશમાં આ પ્રથમ રાજ્ય હતું કે જ્યાં ઓક્ટ્રોય નાબૂદ કરવામાં આવી હતી. સામાન્ય રીતે બજેટમાં આપણા રાજાઓ કરવેરો વધારતા રહે છે. વર્તમાન સમયમાં 28 % જેટલો જીએસટી છે, ત્યારે ગોંડલ રાજ્ય કરવેરા વિહીન રાજ્ય હતું. જેમાં ક્રમશ 36 જાતના કરવેરા નાબૂદ કરી દીધા હતા, છતાં પણ ગોંડલ સ્ટેટના દરેક ગામમાં વીજળી, શાળાના બિલ્ડીંગો, કુવા, અવેડા, આકર્ષક પ્રવેશદ્વાર જેવા વિવિધ કામો કર્યા છે. સાથે જ તેમના રાજ્યમાં ખાસ ટેલીફોનિક સવલત પણ શરૂ કરાવી હતી. આ ઉપરાંત ગોંડલમાં બે બિલ્ડીંગ એવા બનાવ્યા છે કે, જે લંડનની થેમ્સ નદીના કાંઠે છે એવા જ હેરો અને ઈટલી પ્રતિકૃતિ સમાન બિલ્ડીંગ સંગ્રામસિંહજી હાઇસ્કુલ અને મોંઘીબા ગર્લ્સ સ્કુલના બિલ્ડીંગ છે, જે આજે ગોંડલમાં ગોડલી નદીના કાંઠે જોવા મળે છે.

ગોંડલ સ્ટેટના રાજ્યની અંદર ચાલી રહેલા કામ અને કાર્યવાહીમાં જ્યારે પણ વિલંબ થતો ત્યારે કર્મચારીઓ પર આકરા પગલાં લેવામાં આવતા હતા. સરકારી કામના વિલંબ બદલ કર્મચારીને દંડ પણ ભરવો પડતો હતો. જે બદલ તે સમયે એક દિવસનો આનો એટલે કે છ પૈસા એમના પગારમાંથી વસૂલી કરવામાં આવતા હતા. આ રાજ્યમાં પણ આઝાદી પહેલા પણ નાગરિકો રાજ્યની કોઈપણ માહિતી માંગી શકતા હતા. તેમજ સત્તાને પણ સવાલ કરી શકતા એવા નિયમો અને કાયદાઓ પણ બનાવ્યા હતા.

ગોંડલ સ્ટેટના મહારાજા સર ભગવતસિંહજીને કોઈ પણ મળવા માટે આવી શકતા હતા. કોઈપણ નાગરિક રાજ્યની કચેરીમાં બેધડક આવી શકતો અને બેધડક તેમની રજૂઆત પણ રાજ દરબારમાં કરી શકતો હતો. આ રાજ્યમાં મહારાજા માટે કોઈપણ પ્રકારની ઝેડ પ્લસ સિક્યુરિટી પણ ન રાખી કોઈપણ ખોટા ટાઇફા પણ કરવામાં આવતા નહોતા.

ગોંડલ સ્ટેટમાં અભ્યાસ કરનાર દરેક વિદ્યાર્થીઓને ભણતર પૂર્ણ થયા બાદ તુરંત જ ગોંડલ રાજ્યમાં જ નોકરી આપી દેવામાં આવતી હતી. જેમાં રહેવા માટે 400 વાર જમીનનો પ્લોટ પણ ફાળવવામાં આવતો હતો. જેની કિંમત નોકરી કરનારના પગારમાંથી ધીમે-ધીમે વસૂલાત કરવામાં આવતી અને તેમને ખાસ સવલત પૂરી પાડવામાં આવતી હતી. આ ઉપરાંત ગોંડલ રાજ્યમાં લોકોને રોજગારી મળે તે માટે રાજ્યમાં રોજગારીની તકો પણ શાસનકાળની અંદર ખૂબ સુંદર રીતે ઉભી કરવામાં આવતી અને લોકોને રોજગારી મળે તે માટેના કાર્ય પણ ખાસ કરવામાં આવતા હતા.

  1. Rajkot News: કન્યા કેળવણીની જ્યાંથી શરૂઆત થઈ તે શાળાની તંત્ર જ ન કરી શક્યું જાળવણી
  2. Std 10 and 12 Low Result: ગુજરાત સરકાર કરશે ઓછું પરિણામ ધરાવતી શાળાનું નિરીક્ષણ, જાણો શું છે ઓછા પરિણામ આવવાના કારણો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.