ETV Bharat / state

Porbandar Crime : પોરબંદરમાં દિવાળી દરમિયાન તસ્કરોનો તરખાટ, વૃદ્ધ મહિલાના મકાનમાંથી 20 લાખથી વધુની ચોરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 15, 2023, 9:04 PM IST

પોરબંદર શહેરમાં ભાડાના મકાનમાં એકલી રહેતી એક મહિલા તસ્કરોનો ભોગ બની છે. પોરબંદરના રહેણાંક વિસ્તારમાંથી 20 લાખથી વધુની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે સબ સલામત હૈ તેવું માનતા પોલીસ વિભાગને તસ્કરોએ પડકાર ફેંક્યો છે તેમ કહી શકાય.

Porbandar Crime
Porbandar Crime

પોરબંદરમાં દિવાળી દરમિયાન તસ્કરોનો તરખાટ

પોરબંદર : દિવાળીના તહેવારની રજા દરમિયાન લોકો પ્રવાસ અથવા સ્વજનોને મળવા અન્ય શહેર જતા હોય છે. આ સમય ચોર અને તસ્કરો માટે ચાંદી જેવો સાબિત થતો હોય છે. ત્યારે હાલમાં જ પોરબંદરના દેવ દર્શન પાર્કના એક રહેણાંક મકાનમાંથી 20 લાખની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે.

દિવાળીના તહેવારોમાં તસ્કરોનો ત્રાસ : તારીખ 8 નવેમ્બરના રોજ પોરબંદર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર 62 વર્ષીય કાન્તાબેન રમેશભાઈ બાબુલાલ કોટીયા દેવદર્શન પાર્કમાં રહે છે. તેમના ઘરના દરવાજાનું તાળું તોડી કોઈ અજાણ્યો શખ્સ ઘરની અંદર પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો હતો. આ ઘટનામાં કાંતાબેન હોસ્પિટલ કામ અર્થે અમદાવાદ ગયા હતા ત્યારે પાછળથી ચોરીનો બનાવ બન્યો છે.

20 લાખથી વધુની ચોરી : તસ્કરે ઘરના કબાટમાં રહેલા સોના-ચાંદીના દાગીના તથા 7 લાખ રૂપિયા રોકડા મળી કુલ રુ. 19 લાખ 52 હજારની કિંમતનો મુદ્દામાલની ચોરી કર્યો હતો. આ ઘટના મામલે ઉદ્યોગ નગર પોલીસમાં 454, 457, 380 મુજબ ગુનો દાખલ થતાં DySp ઋતુ રાબાના માર્ગદર્શન હેઠળ PSI એમ. એલ. સોલંકી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

વૃદ્ધ મહિલાની જમાપૂંજી ગઈ : ઉલ્લેખનિય છે કે, પોરબંદર પોલીસ દ્વારા એકલા રહેતા સિનિયર સિટીઝનનું લિસ્ટ બનાવી તેઓને કોઈ તકલીફ નથી તે જાણવા પોલીસ સ્ટાફ રૂબરૂ મુલાકાત લેતા હોય છે. ત્યારે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એકલા રહેતા સિનિયર સિટીઝનના લીસ્ટમાં કાંતાબેન હતા કે નહીં તેની પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી હતી કે કેમ તે પણ ચર્ચાનો વિષય છે. પોરબંદર શહેરમાં ચોરીની ઘટનાનો ભોગ બનનાર કાંતાબેનના પતિ આજથી અઢી વર્ષ પહેલા અવસાન પામ્યા હતા. જે જગ્યાએ ચોરી થઈ હતી તે જગ્યાએ કાંતાબેન ભાડેથી રહેતા હતા. ત્યારે એક વૃદ્ધ મહિલા પાસે પોતાની જે મરણ મૂડી હતી તે પણ ચોરી થઈ જતા હાલ તેઓ ચિંતામાં છે.

પોલીસ તપાસ : પોરબંદર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના મામલે પોલીસે અલગ અલગ ટીમ બનાવી છે. જેમાં એક ટીમ ટેકનિકલ ડેટા ઉપર કામ કરે છે અન્ય એક ટીમ હ્યુમન ઈન્ટેલિજન્સ પર કામ કરે છે. આ ઉપરાંત તહેવારોના સમયે પોરબંદર SP દ્વારા નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગ ટીમ પણ અલગ રીતે બનાવવામાં આવી છે. પોરબંદર હનુમાન રોકડિયા મંદિર પાસે કોઈ સીસીટીવી કેમેરા નથી, પરંતુ નજીકના એક રોડ પરથી બાઈકમાં બે શખ્સો જતા હોવાનું માલુમ પડ્યું છે. પરંતુ તેઓના ચહેરાની ઓળખ હજુ સુધી થઈ નથી.

પોલીસનો જનતા જોગ સંદેશ : પોરબંદરના DySP ઋતુ રાબાએ મીડિયાના માધ્યમથી પોરબંદરના લોકોને અપીલ કરી હતી કે, ખાસ કરીને તહેવારના સમયગાળામાં દિવાળીથી લાભ પાંચમ સુધી આપના ઘરમાં જો કોઈ કીમતી ઘરેણાં કે પૈસાની રોકડ રકમ હોય તો નજીકના બેંકના લોકરમાં રાખવા અથવા આપના કોઈપણ સગા સંબંધી હોય તો તેમને આપવા જોઈએ. જો તેમ ન કરી શકે તો બહાર જતી વખતે પોલીસને જાણ કરવી અને ઘર બંધ કરીને બહાર જવાના હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં મકાન કેટલા દિવસ સુધી બંધ રહેવાનું છે તેની જાણ કરવી જોઈએ.

જનતાને અપીલ : આ ઉપરાંત પોરબંદરના DySP ઋતુ રાબાએ ઘરની બહાર પડી રહેલા બાઈક પણ અંદર રાખવા તથા બજારમાં કે જાહેર સ્થળોએ હેન્ડલ લોક રાખવા અપીલ કરી હતી. તેઓએ કહ્યું કે, આપનો સહકાર હશે તો પોરબંદરની જનતાને ચોરી કે ઘરફોડથી બચાવી શકીશું.

  1. Porbandar Crime : પોરબંદરમાં પત્નીને ભગાડી ગયા બાદ કરાઈ યુવકની હત્યા, બે આરોપીની ધરપકડ
  2. Porbandar Crime News: નજીવી બાબતમાં દીકરાના જન્મદિવસે જ ટોળાએ પિતાની કરી હત્યા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.