ETV Bharat / state

આગામી 5 એપ્રિલે ભગવાન શ્રી માધવરાય સંગ રૂકમણીના શુભવિવાહ યોજાશે : મોરપીંછથી કંકોત્રી લખાઈ

author img

By

Published : Mar 12, 2020, 4:18 AM IST

માધવપુર ગામે ભગવાન શ્રીકૃષ્ણ અને રાણી રૂક્મણીના લગ્ન વખતે લોકમેળો યોજાઇ છે. માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજી સાથે જ્યાં લગ્ન કર્યા હતા, ત્યાં માધવપુરના માધવરાયજીના મંદિરે દર વર્ષે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન કરાવવામાં આવે છે. ગ્રામજનો તેમજ આસપાસના વિસ્તારોના લોકો લગ્નમાં જોડાઇ છે અને લગ્નની તમામ રીતો સુંદર રીતે ઉજવવામાં આવે છે. લગ્ન પહેલા ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નની કંકોત્રી પણ લખવામાં આવે છે. ધૂળેટીના દિવસે માધવપુરના માધવરાયજીના નીજ મંદિરેથી 4 વાગ્યે ભક્તજનો વાજતે-ગાજતે નીકળે છે અને મધુવનમાં પહોંચે છે. જ્યાં રૂક્ષ્મણીજી મંદિરના મહન્ત દ્વારા કંકોત્રી લખવામાં આવે છે. વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે.

આગામી 5 એપ્રિલે ભગવાન શ્રી માધવરાય સંગ રૂકમણીના શુભવિવાહ યોજાશે : મોરપીંછથી કંકોત્રી લખાઈ
આગામી 5 એપ્રિલે ભગવાન શ્રી માધવરાય સંગ રૂકમણીના શુભવિવાહ યોજાશે : મોરપીંછથી કંકોત્રી લખાઈ

પોરબંદર : માધવપુર(ઘેડ)માં શ્રીકૃષ્ણ-રૂકમણીના લગ્નોત્સવની કંકોત્રી ધામેધૂમે લખાઇ હતી. દ્વારકા-સોમનાથ હાઇવે પર આવેલુ રૂડુ રળીયામણુ માધવપુર ગામમાં ધુળેટીના દિવસે શ્રીકૃષ્ણ વર્ણાંગીમાંની મંદિરથી વાજતે ગાજતે રંગે ચંગે, ઢોલ-શરણાઇના સૂરે, કીર્તનકારો સાથે લગ્નગીતોના સૂરે, ભાવિક ભકતો સાથે નીકળી મેળા ગ્રાઉન્ડમાં થઇ મધુવનમાં પહોંચ્યા હતા. મધુવનમાં શ્રીકૃષ્ણને ઝાડ પર ઝુલામાં પધરાવ્યા હતા અને આવેલા સર્વે બહેનો તથા ભાઇઓએ શ્રીકૃષ્ણ સાથે અબીલ ગુલાલ ઉડાવી રંગે રમી ઝુલા ઝુલાવી ફુલડોલ ઉત્સવ રમવાનો અનેરો અમૂલ્ય લાહવો લીધો હતો, ત્યારબાદ શ્રી કૃષ્ણને શ્રીમદ પ્રભુજીની બેઠકજી પાસે આવેલા શ્રી રૂકમણી મઢે લઇ જઇ પધારાવવામાં આવ્યા હતા, ત્યારબાદ ત્યાં પણ કીર્તનકારો દ્વારા કીર્તનો બોલાયા હતા અને શ્રીકૃષ્ણની કંકોત્રી મોરપીંછથી લખવામાં આવી હતી અને બહેનોએ લગ્ન કંકોત્રીના ગીતોની રમઝટ બોલાવી ધન્યતા અનુભવી હતી.

5 એપ્રિલે ભગવાન શ્રી માધવરાય સંગ રૂકમણીના શુભવિવાહ યોજાશે

આ સમગ્ર વિધિ બાદ શ્રીકૃષ્ણને શીતલ જલ અને મેવો ધરાવવામાં આવ્યો હતો અને પછી સમગ્ર ભક્તોમાં વહેંચવામાં આવ્યો હતો. આરતી પણ ઉતારવામાં આ રીતે આનંદ ઉત્સવ હર્ષ ઉલ્લાસ સાથે શ્રીકૃષ્ણ પ્રભુની કંકોત્રી લખાયા હતા. શ્રીકૃષ્ણ વર્ણાંગીમાં નિજ મંદિરે માધવરાય મંદિરે જવા રવાના થયા હતા અને મંદિરે પહોંચ્યા બાદ શ્રીકૃષ્ણને શ્રી રૂકમણીજી સાથે પધરાવી યુગલ સ્વરૂપનાં દર્શન દેવાયા હતા અને ભાવિક ભકતો શ્રીકૃષ્ણ-રૂકમણીના લગ્ન ઉત્સવની ઉજવણી ભવ્ય અતિ ભવ્ય કરવા માટે આયોજનની તૈયારીઓમાં પડી ગયા છે અને બહેનો આજથી માધવરાયજી મંદિરમાં તથા પોત પોતાના ઘરે લગ્ન ગીતોના નાદો ગુંજાવી માધવપુર ઘેડની સમગ્ર જનતામાં ઉત્સાહનો વધારો કરશે.

રામનવમી પર માધવપુર ખાતે ભાતીગળ લોકમેળાનું આયોજન થશે અને 5 દિવસના મેળા દરમિયાન ભગવાનના લગ્નની તમામ વિધીઓ પણ ઉલ્લાસપૂર્વક સમગ્ર ગ્રામજનો દ્વારા ઉજવવામાં આવશે. ભગવાનના લગ્ન પ્રસંગે રાત્રિના સમયે પૌરાણિક રથમાં ભગવાનનું ફૂલેકું કાઢવામાં આવે છે. રથમાં બિરાજમાન કરતા પૂર્વે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે અને ભજન-કીર્તનની રમઝટ સાથે આ ફૂલેકું માધવપુરની શેરીઓમાં વાજતે-ગાજતે નીકળશે. માધવપુરવાસીઓમાં અત્યારથી લોકમેળા અને ભગવાનના લગ્ન માટે અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જાણો સમગ્ર લગ્ન વિધિની વિગત

રામનવનમીનાં દિવસે શ્રી રૂક્ષમણી માતાજી મંદિરના મહંત સુધીરભાઈ નિમાવત તેમજ પંકજભાઈ નિમાવત દ્વારા તેડુ સવારે ૧૧ કલાકે કરવામાં આવશે, ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણના નિજમંદિરેથી રાત્રીના ૯ કલાકે વરણાગીં ઢોલનગારા દાડિયા રાસની રમઝટ સાથે બ્રહ્મકુંડ ભ્રમકુંડ સુધી ત્રણ દિવસ ચેત્ર સુદ નોમ, દસમને અગિયારસ સુધી ભગવાન શ્રીકૃષ્ણનું વરણાગી (ફૂલેકુ) નીકળે છે, ત્યારબાદ ચૈત્ર સુદ ૧૨ને દિવસે કન્યા પક્ષના મહંત સુધીરભાઈ નિમાવત દ્વારા સામૈયું લઈને ભગવાન શ્રીકૃષ્ણના પક્ષને વિધિવત જાન લઈને આવવા માટે આમંત્રિત કરવામાં આવે છે, ત્યારબાદ જાનનું આગમન સાંજના ૬ કલાકે થાય છે, ત્યારબાદ ચૈત્ર સુદ ૧૨ની રાત્રીના ભગવાન શ્રીકૃષ્ણના ચાર ફેરા ફેરવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષમણી માતાજી લગ્નથી વિધિવત જોડાય છે. ભગવાન લગ્ન દરમિયાન પાંચ દિવસ સુધી ભાતીગળ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. મોટી સંખ્યામાં ભાવિકો, શ્રદ્ધાળુઓનું માનવ મહેરામણ આ લગ્ન વિધિ નિહાળવા હર્ષોલ્લાસથી જોડાઇ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.