ETV Bharat / state

પોરબંદરમાં પોલીસ ચા પીતી રહી અને હોસ્પિટલમાં દાખલ આરોપી ફરાર થઈ ગયો

author img

By

Published : Oct 3, 2020, 10:34 PM IST

પોરબંદરની સરકારી ભાવસિંહજી કોવિડ હોસ્પિટલના સેમી આઇસોલેશન વોર્ડમાં શ્વાસ લેવાની તકલીફની સારવાર માટે આવેલા એક પાકા કામનો કેદી પોલીસ હેડકોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની બેદરકારીને લીધે નાસી છૂટ્યો હતો. PSIએ આ બન્ને પોલીસ કર્મચારી સામે ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી.

Porbandar police
Porbandar police

પોરબંદરઃ પોલીસ હેડકવાર્ટરમાં રિઝર્વ પોલીસ સબ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા પ્રતિપાલસિંહ કીર્તિદેવસિંહ ચુડાસમાએ એવા પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, પોરબંદરની ખાસ જેલમાં રહેતા અને ભરણપોષણ કેસના પાકા કામના કેદી રાજશી સુકા મોઢવાડિયાને બીમારી સબબ સરકારી હોસ્પિટલે લઇ જવાનું કહ્યું હતું. જેથી તેને સારવાર માટે પોરબંદર નર્સિંગ હોસ્ટેલ ખાતે સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો.

હોસ્પિટલમાં તપાસ કરતા ઓક્સિજનની જરૂર જણાતા સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે તેને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, જયાં તેની દેખરેખ માટે ફરજના ભાગ રૂપે અનાર્મ્ડ હેડ કોન્સ્ટેબલ જેન્તીભાઇ ભાણજીભાઇ અને કોન્સ્ટેબલ રામાભાઇ પુંજાભાઇને ડ્યુટી સોંપવામાં આવી હતી. આ બન્ને પોલીસ કર્મી પીકેટ ડયુટી ફરજ બજાવતા હતા.

આ દરમિયાન કેદી રાજશી સુકા મોઢવાડિયા સેમી આઇસોલેશન વોર્ડમાં દાખલ હતો અને બપોરના સમયે બંદોબસ્તમાં જનારા પોલીસ કર્મચારી જેન્તીભાઇ ભાણજીભાઇ ચા પીવા માટે કોઇને કહ્યા વગર હોસ્પિટલ બહાર એસટી બસસ્ટેન્ડ પાસે ગયા હતા. જે દરમિયાન કેદી નાસી છૂટ્યો હતો. જ્યારે ચા પીને બન્ને પોલીસકર્મી બે કલાકે પરત ફર્યા ત્યારે ફરજ પરના ડૉકટરે પોલીસ કર્મચારી જેન્તીભાઇને જણાવ્‌યું હતું કે, સેમી આઇસોલેશન વોર્ડમાં તમારો આરોપી હાજર નથી. આથી તેમને તપાસ કરતા કેદી મળી આવ્યો ન હતો.

હેડ કોન્સ્ટેબલ જેન્તીભાઇએ બનાવ અંગે PSI ચુડાસમાને જાણ કરતા તેમને પણ હોસ્પિટલે દોડી આવ્યા હતા અને ત્યારબાદ તપાસ કરતા અનાર્મ્ડ હેડ કોન્સ્ટેબલ જેન્તીલાલની બેદરકારીને કારણે કેદી નાસી ગયો હોવાનું જણાતા તેમને પાકા કામના કેદી રાજશી સુકા ઉપરાંત ફરજમાં બેદરકારી દાખવાનો ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.