ETV Bharat / state

ધોળા મીઠાનો કાળો કારોબાર : ETV Bharat ના અહેવાલ બાદ પાટણ કલેક્ટરે આપ્યો તપાસનો આદેશ

author img

By

Published : Jun 24, 2021, 8:42 PM IST

Patan Collector ordered an inquiry against land mafia
રણમાં અગરિયાઓની આડમાં માથાભારે ભૂમાફિયાઓ

પાટણ જિલ્લાના સાંતલપુરના રણમાં અગરિયાઓની આડમાં માથાભારે ભૂમાફિયાઓ ( Land Mafia ) દ્વારા વન અભ્યારણ અને આઈલેન્ડ ઉપર કબજો જમાવી તેને નષ્ટ કરવાનો કારસો રચી સફેદ મીઠાના કાળા કારોબારનો અહેવાલ ETV Bharat દ્વારા પ્રસિદ્ધ થતાં ભારે ખળભળાટ મચ્યો હતો. આ અહેવાલની ગંભીરતાથી નોંધ લઈને પાટણ જિલ્લા કલેકટર સુપ્રીત સિંઘ ગુલાટીએ તપાસ કરી 21 દિવસમાં વિગતવાર હકીકતલક્ષી અહેવાલ રજૂ કરવા સંબંધિત અધિકારીઓને આદેશ કર્યો છે.

  • ઘુડખર અભ્યારણમાં ભુમાફિયાઓ અંગે ETV Bharatના અહેવાલની અસર
  • અહેવાલની જિલ્લા કલેક્ટરે ગંભીર નોંધ લીધી
  • 3 અધિકારીઓને સંયુક્ત રીતે તપાસ કરવાના કર્યા આદેશ

પાટણ: સાંતલપુર તાલુકામાં કચ્છનું નાનું રણ આવેલું છે. જેમાં સરકાર દ્વારા વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ૧૯૭૨ ( Wildlife Protection Act 1972 )થી કેટલાક વિસ્તારોને વન્યજીવો માટે ઘુડખર અભયારણ્ય ( Ghudkhar Sanctuary )જાહેર કરાયું છે. જેમાં કેટલાક આઈલેન્ડ પણ આવેલા છે. ત્યારે, ભૂમાફિયાઓએ રાજકીય ઓથ હેઠળ આ પ્રતિબંધિત વિસ્તાર ઉપર કબ્જો જમાવી ફળદ્રુપ જમીન ઉપર ટ્રેક્ટરો વડે જમીન ખેડાણ કરી આજુબાજુ પાળા બનાવી પાણીના બોર પણ ઊભા કર્યા છે. આ ઉપરાંત, અગરો બનાવી મીઠું પકવવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે. અભ્યારણની 10,00 હેક્ટર જમીનમાં ભૂમાફિયાઓ દ્વારા સફેદ મીઠાનો કાળો કારોબાર બિન્દાસપણે કરવામાં આવતો હોવાનો અંદાજ છે.

રણમાં અગરિયાઓની આડમાં માથાભારે ભૂમાફિયાઓ

આ પણ વાંચો: સાંતલપુરના રણમાં વન અભ્યારણ અને આઈલેન્ડને નષ્ટ કરવાનો ભૂમાફિયાઓનો કારસો

ETV Bharat ના અહેવાલના કારણે તપાસના આદેશ

સરકારી ચોપડે અગરિયાઓની ગણતરી થઇ ત્યારે 300 અગરિયા નોંધાયેલા હતા. જ્યારે, હાલ ગેરકાયદેસર રીતે અનેક અગરિયાઓ આ માથાભારે ભૂમાફિયાઓ દ્વારા અભ્યારણમાં કબજો જમાવેલી ગેરકાયદેસર જમીન ઉપર મીઠું પકવવાની કામગીરી કરે છે. આ અહેવાલ ETV Bharat માં પ્રકાશિત થતા પાટણ જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ ગંભીર નોંધ લેતા રાધનપુર પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ નાયબ વન સંરક્ષક પાટણ વનવિભાગ અને જિલ્લા નિરીક્ષક જમીન દફતર પાટણની સંયુક્ત ટીમ બનાવી સરકારી રેકર્ડ આધારિત વિસ્તૃત ચકાસણી તેમજ સ્થળ તપાસ કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા તેમજ કરવામાં આવેલી કામગીરી અંગેનો વિગતવાર અહેવાલ ૨૧ દિવસમાં રજૂ કરવા તાકીદ આદેશ કર્યો છે.

આ પણ વાંચો: જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

કલેક્ટરના આદેશને પગલે ભૂમાફિયાઓ ફેલાયો ફફડાટ

જિલ્લા કલેક્ટરના આ આદેશને પગલે ભૂમાફિયાઓ તેમજ તેમની સાથે મિલીભગતથી આંખ આડા કાન કરનારા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે, આગામી દિવસોમાં અધિકારીઓની ટીમ તટસ્થ અને નિષ્પક્ષ બની કઈ રીતે તપાસ કરે છે. તેની ઉપર જિલ્લાના પર્યાવરણ પ્રેમીઓની નજર મંડાયેલી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.