ETV Bharat / state

Department of Food and Drugs: પાટણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો, ભેળસેળવાળું ઘી હોવાની શંકા

author img

By

Published : Dec 8, 2021, 11:29 AM IST

Department of Food and Drugs:પાટણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો
Department of Food and Drugs:પાટણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો

પાટણમાં પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરી શુદ્ધ ઘીના નામે ભેળસેળવાળું ઘી વેચાતું હોવાની ઉઠેલી બુમને કારણે પાટણ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ( Department of Food and Drugs) અધિકારીઓએ મંગળવારે ઘી બજારમાં ત્રાટકી એકાએક રેડ કરી હતી અને ઘીની ૧૨ જેટલી દુકાનોમાં તપાસ હાથ ધરી હતી. જેમા ત્રણ દુકાનોમાંથી કુલ રૂપિયા 67,850ની કિંમતનો 286 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો હતો. ઘીની ગુણવત્તાની ચકાસણી માટે સેમ્પલો લઈ લેબોરેટરીમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી.

  • પાટણ ઘી બજારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ
  • ઘી બજારની 12 દુકાનોમાં તપાસ કરી
  • ત્રણ દુકાનોમાંથી 286 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો

પાટણ: પાટણ શહેરનું એક સમયનું પ્રખ્યાત ઘી બજાર હાલમાં કેટલાક ભેળસેળિયા અને અખાદ્ય ઘીનો વેપાર કરી રાતોરાત માલામાલ બનવાના સ્વપ્નો જોતાં વેપારીઓને કારણે ભારે ચર્ચામાં રહે છે. પાટણમા શુદ્ધ ઘીના નામે શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા કરવામાં માહિર કેટલાક વેપારીઓ ખુલ્લેઆમ ભેળસેળવાળા ઘીનું વેચાણ કરી રહ્યા છે. તેવી બાતમી પાટણ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગસ વિભાગને (Department of Food and Drugs) મળી હતી. મંગળવારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ અલગ અલગ ટીમો બનાવી ઘી બજારમાં રેડ કરી હતી.

Department of Food and Drugs:પાટણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો

12 દુકાનોમાં તપાસ હાથ ધરી હતી

જેમા 12 દુકાનોમાં તપાસ હાથ ધરી હતી, તે દરમિયાન ગાંધી દિનેશ કુમાર પૂનમચંદની દુકાનમાંથી રૂપિયા ૩૫ હજારની કિંમતનું 216 કિલો ઘી, ચીમનલાલ જીવરામભાઈ ઘીવાળાની દુકાનમાંથી 19,350ની કિંમતનું 45 કિલો ઘી, મોદી મણિલાલ જેઠાલાલની દુકાનમાંથી 13500ની કિંમતનું 25 કિલો ઘી મળી કુલ રૂપિયા 67800ની કિંમતનું 286 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરી સેમ્પલ લઇ ગુણવત્તાની ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી.આ ઉપરાંત અન્ય નવ દુકાનોમાં પણ તપાસ હાથ ધરી ઓરિજનલ બિલ સહિતનું સાહિત્ય જપ્ત કરી તેની ચકાસણી હાથ ધરી છે.

આ પણ વાંચો: પાટણ ઘી બજારની એક પેઢીમાંથી રૂ.3.16 લાખના શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ

રિપોર્ટમાં ભેળસેળ માલૂમ પડશે તો વેપારીઓ સામે કોર્ટ કાર્યવાહી થશે : ફૂડ અધિકારી

પાટણ ઘી બજારમાં રેડ કરવા બાબતે ડિસ્ટ્રિક્ટ ફૂડ ઓફિસર (District Food Officer) વી.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે, ઘી બજારમાં બાતમી આધારે સવારના 11:00 થી ત્રણ ટીમોએ વિવિધ દુકાનોની તપાસ શરૂ કરી હતી. જે સાંજના ચાર કલાક સુધી ચાલી હતી. શંકાસ્પદ ઘીનો જથ્થો સિઝ કરી તેના સેમ્પલો લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે. જેનો રિપોર્ટ 14 દિવસ બાદ આવશે. સેમ્પલ રિપોર્ટમાં ભેળસેળ માલૂમ પડશે તો જે તે વેપારીઓ સામે કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: પાટણ તાલુકાના હાજીપૂર ગામની યુવતીએ ઈન્ટરનેશનલ મેરેથોન દોડમાં ડંકો વગાડ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.