ETV Bharat / state

Navsari News: ખાનગી શાળાને ટક્કર મારે તેવી વાંસદાની કેલીયા પ્રાથમિક શાળા

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 13, 2024, 7:24 PM IST

ખાનગી શાળાને ટક્કર મારે તેવી કેલીયા પ્રાથમિક શાળા
ખાનગી શાળાને ટક્કર મારે તેવી કેલીયા પ્રાથમિક શાળા

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળા ભલભલી ખાનગી શાળાને ટક્કર મારે તેવી છે. આ શાળા વેકેશન દરમિયાન પણ કાર્યરત રહે છે. શાળાના રજિસ્ટર મુજબ તમામ વિદ્યાર્થીઓ વેકેશન બેચમાં પણ રજા પાડ્યા સિવાય ઉત્સાહભેર ભાગ લે છે. આ શાળા વિશે વધુ જાણો આ ઈટીવી ભારતના ખાસ અહેવાલમાં. South Gujarat Navsari Vansada Keliya Primary School Smart Class Room

કેલીયા પ્રાથમિક શાળામાં 195 વિદ્યાર્થીઓનો થઈ રહ્યો છે વિકાસ

નવસારીઃ વાંસદાની કેલીયા પ્રાથમિક શાળા ભલભલી ખાનગી શાળાને ટક્કર મારે તેવી છે. આ શાળામાં નિયમિત વર્ગો ઉપરાંત પણ એક્સ્ટ્રા કોચિંગ ક્લાસીસ લેવામાં આવે છે. આ શાળામાં સ્માર્ટ ક્લાસરુમ તેમજ વિદ્યાર્થીઓની પ્રતિભા ઉજાગર થાય તેવી વિવિધ રમતો અને પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. હાલ આ શાળાના વિશિષ્ટ શિક્ષણને લીધે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે નવી દિશા ચીંધી રહી છે. કેલીયા પ્રાથમિક શાળા વિશે વધુ જાણો ઈટીવી ભારતના ખાસ અહેવાલમાં.

કેલિયા પ્રાથમિક શાળાની વિશેષતાઓઃ મોંઘી સ્કૂલોના એર કન્ડિશનિંગ વાતાવરણમાં પોતાના બાળકને ભણાવવાથી સારા શિક્ષણની ગેરંટી વાલીઓને મળતી નથી. જો કે ફાઈવસટાર પ્રાઇવેટ સ્કૂલોની સામે સરકારી સ્કૂલો પણ સતત પોતાની પ્રતિભા અને કાર્યક્ષમતા સાબિત કરતી રહે છે. જેનું ઉત્તમ ઉદાહરણ છે વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળા. વાંસદા તાલુકામાં કુદરતના ખોળે વસેલું કેલીયા ગામ. આ ગામમાં આવેલી પ્રાથમિક શાળાની સ્થાપના 1954માં કરવામાં આવી હતી. અહીં બાલવાટિકા થી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ સ્માર્ટ ક્લાસરૂમમાં અભ્યાસ કરે છે. કેલીયા પ્રાથમિક શાળા નવસારી જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ શાળા વેકેશન દરમિયાન પણ કાર્યરત હોય છે. બાળકો પણ હોંશે હોંશે શાળાએ ભણવા માટે આવે છે. અન્ય શાળા નો સમય જ્યારે 10 થી 5 વાગ્યાનો હોય છે ત્યારે આ શાળા સવારે 8:00 વાગ્યાથી જ શરૂ થઈ જાય છે. જે સાંજના 5 વાગ્યા સુધી કાર્યરત હોય છે. આ શાળામાં વિદ્યાર્થીઓની પ્રતિભા ઉજાગર થાય તેવી વિવિધ રમતો અને પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.

એકસ્ટ્રા કોચિંગ કલાસનો ઉદ્દેશ્યઃ કોરોના કાળ દરમિયાન વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર માઠી અસર પડી હતી જેને પરિણામે વિદ્યાર્થીઓનો શિક્ષણનો પાયો કાચો રહી ગયો હતો. આ પાયો પાકો થાય અને બાળક ફરી મુખ્ય ધારામાં આવી જાય તેમજ ગામમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તે હેતુથી આ શાળામાં એકસ્ટ્રા કોચિંગ ક્લાસ ચલાવવામાં આવે છે. ગામના સરપંચ, વાલીઓ, એસએમસી સભ્યો, શિક્ષકો અને આચાર્યએ સાથે મળીને કરેલા નિર્ણયને પરિણામે આજે શાળામાં બાળકો ઉચ્ચ કોટીનું શિક્ષણ મેળવી રહ્યા છે. અહીં શિક્ષણ પ્રાઈવેટ સ્કૂલમાં મળતા શિક્ષણને પણ ઝાંખું પાડી દે છે. શાળાના વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેવી અભ્યાસકીય પ્રવૃત્તિને લીધે શાળાએ ખૂબ અનોખી ઓળખ ઊભી કરી છે.

સ્માર્ટ ક્લાસરુમથી સજ્જ છે કેલીયા પ્રાથમિક શાળા
સ્માર્ટ ક્લાસરુમથી સજ્જ છે કેલીયા પ્રાથમિક શાળા

195 વિદ્યાર્થીઓને લાભઃ શાળામાં બાળકો મુક્ત વાતાવરણમાં શિક્ષણ મેળવે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ અનોખી પ્રાથમિક શાળામાં શિક્ષણ પર્યાવરણ અને ટેકનોલોજી નો સમન્વય છે સાત પ્રાથમિક અને સાત એસએમસી શિક્ષકો ઓતપ્રોત બની શિક્ષણને રસપ્રદ બનાવે છે શાળામાં ભણતા 195 વિદ્યાર્થીઓની આંતરિક શક્તિને બહાર લાવી તેમને નિખારી શકાય તે અર્થે વિવિધ પ્રવૃત્તિઓ કરાવે છે.

કેલીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ મેળવેલ સિદ્ધિ

  • રેગ્યુલર એક્સ્ટ્રા કોચિંગ ક્લાસ અને વેકેશન દરમિયાન પણ શાળા ચાલુ રહેવાથી વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સ્તર ઘણું ઊંચું આવ્યું છે. વાંચન, ગણન અને લેખનમાં વિદ્યાર્થીઓએ 90% સુધીના ગુણ મેળવ્યા છે.
  • એફ એલ એમ પ્રદર્શનમાં રાજ્ય કક્ષાએ વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે.
  • રાજ્યકક્ષાની સીઈટીમાં 15 બાળકોનો સિલેક્ટ થયા.
  • સ્પોર્ટ્સમાં 400 મીટર દોડમાં શાળાનો વિદ્યાર્થી રાજ્યકક્ષાએ પ્રથમ.

કોરોના કાળ દરમિયાન શાળામાં ભણતા વિદ્યાર્થીઓનો પાયો ઘણો કાચો રહી ગયો હતો. તેથી જુલાઈ 2020થી રોજ સવારે 08:00 થી 12 દરમિયાન વેકેશન બેચ શરૂ કરવામાં આવી. જેમાં વાલીઓએ પોતાના બાળકોને સ્વેચ્છાએ શાળાએ મોકલવાનો નિર્ણય કર્યો. પ્રથમ દિવસથી જ શાળામાં મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ કરવા માટે આવ્યા હતા. જેની અમે કલ્પના પણ ન કરી નહતી. રેગ્યુલર દિવસોમાં પણ સવારે 8:00થી 10.20 કલાક દરમિયાન કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. જેનાથી વિદ્યાર્થીઓના વાંચન, લેખન, ગણનમાં બહુ પ્રગતિ જોવા મળી છે...હેમંત પટેલ(આચાર્ય, કેલીયા પ્રાથમિક શાળા, વાંસદા)

બાળકોમાં શિક્ષણ સ્તર સુધરે તે માટે અમે એકસ્ટ્રા કોચિંગ ક્લાસ શરુ કર્યા. જેમાં અમને વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, આચાર્ય, સરપંચ વગેરેએ અમને બહુ સપોર્ટ કર્યો. આચાર્ય તરફથી અમને બહુ સપોર્ટ મળ્યો. તેઓ સમય પહેલા આવતા અને સમય બાદ શાળાથી જતા. અમારા પ્રયત્નોથી વિદ્યાર્થીઓમાં પ્રગતિ જોવા મળી...પ્રફુલ્લ ગાવિત(ઉપાધ્યક્ષ, એસએમસી, કેલીયા પ્રાથમિક શાળા, વાંસદા)

મારુ બાળક કેલીયા પ્રાથમિક શાળામાં ભળે છે. આ શાળામાં દિવાળી વેકેશનમાં પણ બાળકો દરરોજ શાળાએ આવતા હતા. મારુ બાળક હવે મોબાઈલને બદલે લેખન વાંચન અને ગણનમાં ધ્યાન આપે છે...ભાવના મહાલા(વાલી, કેલીયા, વાંસદા)

હું કેલીયા પ્રાથમિક શાળામાં ધો.8માં ભણું છું. વેકેશનમાં કોચિંગ ક્લાસ ચાલું હોવાને લીધે અમને ઘણું શિક્ષણ આપવામાં આવ્યું. આ શિક્ષણને પરિણામે મને ગણિત અને વિજ્ઞાનમાં પ્રગતિ કરવામાં મદદ મળી...રિદ્ધિ ગાવિત(વિદ્યાર્થીની, કેલીયા પ્રાથમિક શાળા, વાંસદા)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.