ETV Bharat / state

નવસારી-બારડોલી મુખ્ય માર્ગને પહોળો કરવાની કવાયત, તંત્રની ડિમોલીશન કામગીરીથી માહોલ ગરમાયો

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 8, 2023, 10:10 AM IST

ડિમોલીશન કામગીરી
ડિમોલીશન કામગીરી

નવસારી અને બારડોલીને જોડાતા મુખ્ય માર્ગને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ કાર્યમાં અડચણરૂપ દબાણ દૂર કરવા મિલકતધારકોને નોટિસ આપવામાં આવી હતી. પરંતુ તેમ છતાં સ્વૈચ્છિક કામગીરી ન થતાં આખરે તંત્ર દ્વારા ડિમોલીશન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વેપારીઓ અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.

નવસારી-બારડોલી મુખ્ય માર્ગને પહોળો કરવાની કવાયત

નવસારી : નવસારી અને બારડોલીને જોડતા મહત્વના માર્ગને રાજ્યના માર્ગ-મકાન વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી પહોળો કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જે અંતર્ગત રોડને અડીને આવેલા દબાણ દૂર કરવા માટે છેલ્લા કેટલાક સમયથી મિલકતધારકોને મૌખિક તેમજ લેખિતમાં સૂચનાઓ આપવામાં આવી હતી. તેમ છતાં પણ મિલકતધારકોએ દબાણ દૂર ન કરતા પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ સહિત પ્રાંત અધિકારી અને સ્થાનિક વેપારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.

વિકાસકાર્યમાં અડચણરૂપ મિલકત : નવસારી અને બારડોલીને જોડતો મુખ્ય માર્ગ ગ્રામ્ય વિસ્તારના લોકો માટે મહત્વનો રસ્તો છે. કારણ કે આ રસ્તો બારડોલી તરફના ગ્રામ્ય વિસ્તારના લોકોને સીધો નવસારી અને સુરત તરફ જોડતો મુખ્ય માર્ગ છે. જેથી અહીં સતત ટ્રાફિક રહે છે. રાજ્યના માર્ગ-મકાન વિભાગ દ્વારા બારડોલી સુપા રાજ્ય ધોરીમાર્ગને પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત 12 મીટર માર્ગમાં અવરોધરૂપ બનેલા દબાણને દૂર કરવા માટે માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ સહિત પ્રાંત અધિકારી જનમ ઠાકોરની આગેવાનીમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

નવસારીથી બારડોલી સૂપાને જોડતો રોડ પહોળો કરવાના કામને લઈને અડચણ ઊભી થતી હોવાથી અડચણરૂપ મિલકતધારકોને આ બાબતે નોટિસ આપી હતી. સ્વેચ્છિક રીતે દબાણ દૂર ન કરતા 12 મીટર ત્રિજ્યાની અંદર આવતા કામોને દૂર કરવામાં આવશે. -- કેતન જોશી (નવસારી જિલ્લા અધિક કલેકટર)

તંત્રની ડિમોલીશન કામગીરી : માર્ગ-મકાન વિભાગ દ્વારા ત્રણ વખત 25 થી વધુ મિલકતધારકોને દબાણ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. પરંતુ આ નોટિસને વ્યાપારીઓ દ્વારા ધ્યાને લેવાય ન હતી. જેથી આજરોજ તંત્ર દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મિલકતને ડિમોલિશન કરાવતા કેટલાક મિલકતધારકોએ વાંધો ઉઠાવ્યો હતો. જેથી થોડા સમય માટે કામગીરીમાં રૂકાવટ ઊભી થઈ હતી. પરંતુ વહીવટી તંત્ર દ્વારા વેપારીઓને સમજાવીને ડિમોલિશનની કામગીરી ફરીવાર શરૂ કરવામાં આવી હતી.

નવસારી-બારડોલી માર્ગ પહોળો થશે : લાંબા સમયથી આ રોડ પહોળો કરવાની કામગીરીમાં વિલંબ થતો હતો. જેથી વહીવટી તંત્રએ કડક કાર્યવાહી લઈને આજે ડિમોલિશનની કામગીરી શરૂ કરી છે. ડિમોલેશનની કામગીરી પૂર્ણ થયા બાદ રોડ 12 મીટર પહોળો કરવામાં આવશે. જેથી નવસારીથી બારડોલી અવરજવર કરતા લોકો માટે ભવિષ્યમાં સરળતા રહેશે.

મિલકતધારકોને નોટિસ મળી હતી ? આ કામગીરી અંગે અધિક કલેક્ટર કેતન જોશીએ જણાવ્યું હતું કે, નવસારીથી બારડોલી સૂપાને જોડતો રોડ પહોળો કરવાના કામને લઈને અડચણ ઊભી થતી હતી. જેથી અડચણરૂપ મિલકતધારકોને આ બાબતે નોટિસ આપીને રૂબરૂ મીટીંગ અને પરામર્સ કરવા છતાં પણ સ્વેચ્છિક રીતે દબાણ દૂર ન કરાતા, આ કામને ગતિ મળે તે હેતુસર માર્ગ અને મકાન વિભાગની દરખાસ્તના આધારે નવસારી પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં 12 મીટર ત્રિજ્યાની અંદર આવતા કામોને દૂર કરવામાં આવશે.

  1. નવસારી પોલીસે કર્યો 51 લાખથી વધુના વિદેશી દારૂનો નાશ, 15 દિવસ પહેલાં કર્યો હતો 1 કરોડથી વધુના દારૂનો નાશ
  2. Navsari Accident News: ગણદેવી ખાતે સાંઈ પાલખી યાત્રાને નડ્યો અકસ્માત, 11 લોકો ઘાયલ થયા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.