ETV Bharat / state

વાંસદાની રાયબોર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ

author img

By

Published : Mar 19, 2021, 2:19 PM IST

કોરોનાકાળ બાદ શરૂ કરાયેલી શાળામાં વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે. જેમાં નવસારીની મુકબધીર શાળાના 2 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે. જેથી શાળાના બાકીના તમામ વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે.

વાંસદાની રાયબોર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ
વાંસદાની રાયબોર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ

  • અન્ય 5 વિદ્યાર્થીઓમાં પણ દેખાયા કોરોનાના લક્ષણો
  • શાળામાં કોરોના પોઝિટિવ આવતા 14 દિવસો માટે કરાઈ બંધ
  • આરોગ્ય વિભાગે શાળાને સેનિટાઇઝ કરી

નવસારી: જિલ્લામાં ધીરે ધીરે કોરોના ફરી પગપેસારો કરી રહ્યો છે. જેમાં નવસારીની મુકબધીર શાળાના 2 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા બાદ ગુરુવારે વાંસદાની રાયબોર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાનો ધોરણ 10નો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો હતો અને તેની સાથે રહેતા અન્ય 5 વિદ્યાર્થીઓમાં કોરોનાના લક્ષણો જણાતા શાળાને 14 દિવસ માટે બંધ કરવામાં આવી છે. આ સાથે જ કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જ્યારે આરોગ્ય વિભાગે શાળાને સેનિટાઇઝ કરી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોનાને લઈને જિલ્લા શિક્ષણ વિભાગ આળસ કરી રહ્યુ હોય એવી સ્થિતિ બની રહી છે.

વાંસદાની રાયબોર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ

આ પણ વાંચોઃ વલસાડ નજીક આવેલા અતુલની જાણીતી સ્કૂલના બે વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યા

શાળામાં કુમાર અને કન્યા મળી 67 વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરી રહ્યા હતા

નવસારીના વાંસદા તાલુકાના રાયબોર ગામે આવેલી રાયબોર ઉત્તર બુનિયાદી આશ્રમશાળામાં કુમાર અને કન્યા મળી કુલ 80 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કોરોનાકાળમાં શાળા બંધ હતી. જે ફેબ્રુઆરીમાં શરૂ થઈ અને સંમતિ સાથે 31 કુમાર અને 36 કન્યાઓ મળી 67 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહ્યા હતા. શાળામાં જ પોસ્ટ ઓફિસ કાર્યરત છે, જેથી અહીં લોકોની અવર-જવર પણ રહે છે. જેમાં ગુરુવારે મૂળ ડાંગનો અને આશ્રમ શાળામાં રહીને ધોરણ 10ની પરીક્ષાની તૈયારી કરતો હતો. જે કોરોના પોઝિટિવ આવતા શાળામાં રહેતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ચિંતિત બન્યા હતા. આ સાથે જ ધોરણ 10 અને 9ના 5 વિદ્યાર્થીઓને પણ કોરોનાના લક્ષણો જણાતા તમામને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જ્યારે આરોગ્ય વિભાગ પણ સતર્ક થતા આશ્રમ શાળાને સેનિટાઇઝ કરવામાં આવી છે અને આગામી 14 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. વિભાગ દ્વારા શાળાના બાકીના 62 વિદ્યાર્થીઓ અને શિક્ષકોને જરૂરી તપાસ કરી, દવાઓ આપીને ઘરે મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ કાછોલીના ગાંધીઘરના બે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત

કોરોના શાળાઓ સુધી પહોંચ્યો

નવસારી જિલ્લામાં કોરોના ફરી ધીમે પગલે આગળ વધી રહ્યો છે. જેમાં શાળાઓ શરૂ થતા કોરોનાની ગાઈડલાઈન તેમજ વાલીઓની પૂર્વ સંમતિ સાથે વિદ્યાર્થીઓ શાળે આવતા થયા છે, પરંતુ શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષક પણ કોરોના સંક્રમિત થયાનું સામે આવ્યું છે. કોરોનાની સ્થિતિને જોતા અન્ય જિલ્લાઓમાં શાળાઓમાં વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ શરૂ કરાયા છે, ત્યારે નવસારી જિલ્લા શિક્ષણ વિભાગ આ મુદ્દે નિંદ્રાધીન છે. જેથી શાળાઓમાં કોરોના સંક્રમણ રોકવા વિભાગ પણ સતર્ક બની કોરોના ટેસ્ટ શરૂ કરે એજ સમયની માગ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.