ETV Bharat / state

મોરબીના ધૂળકોટમાં ભારે વરસાદથી ખેતરો ધોવાયા, ખેડૂતોને મોટું નુકસાન

author img

By

Published : Aug 27, 2020, 1:34 PM IST

morbi
મોરબી

મોરબી તાલુકામાં ચાલુ વર્ષે અતિ ભારે વરસાદ પડ્યો છે. જેથી વરસાદી પાણી તેમજ જુદા-જુદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળવાથી ખેતરો સાફ થઇ ગયા છે. હાલમાં ખેડૂતો પાયમાલ થઇ ગયા હોવાથી આગામી બેથી પાંચ વર્ષ સુધી તેના પોતાના ખેતરમાંથી પાક લઇ શકે તેમ નથી.

મોરબી: ધૂળકોટ ગામના ખેડૂતોના ખેતરમાં ડેમમાંથી છોડવામાં આવેલ પાણી ફરી વળ્યા હતાં. જેથી કરીને ખેડૂતોના માત્ર પાક જ નહી, પરંતુ ખેતરો પણ ધોવાઇ ગયા હતા. ઓગસ્ટ મહિનાની 23 અને 24 તારીખે મોરબી તાલુકામાં સારો વરસાદ પડ્યો હતો. આ પહેલાના દિવસોમાં પણ વરસાદ થોડા ઘણો પડ્યો હતો. જેથી કરીને ખેતરોમાં ભરાયેલા પાણી સુકાયા નહોતા અને બીજી બાજુ ભારે વરસાદના કારણે સ્થાનિક જળાશયોમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઇ હતી, ત્યારે તાત્કાલિકના ધોરણે જળાશયોના દરવાજા ખોલવા પડ્યા હતા. તે દરમિયાન ડેમી-૩ ડેમના પણ દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેથી કરીને ડેમની નીચેના ભાગમાં જેટલા ખેડૂતોની જમીન આવેલી છે. તેમાંથી મોટાભાગના ખેડૂતોની જમીનમાં વાવવામાં આવેલ પાક તેમજ ખેતરની જમીનમાં મોટા પ્રમાણમાં ધોવાણ થઈ ગયું અને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.

મોરબીના ધૂળકોટ ગામે ભારે વરસાદમાં ખેતરો ધોવાયા

મોરબી જિલ્લામાં વર્ષ 2018માં ઓછો વરસાદ હતો. જેથી કરીને ખેડૂતો ચોમાસુ પાક લઇ શક્યા નહોતા અને સરકાર દ્વારા પણ મોરબી જિલ્લાના ત્રણ તાલુકાને અછતગ્રસ્ત તેમજ બે તાલુકાને ઇનપુટ સહાય માટે અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ ગત વર્ષે મેઘરાજા મહેર કરશે તેવી આશા હતી. જો કે, ભારે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકશાન થયું હતું. ચાલુ વર્ષે પણ ખેતીમાં નુકશાની આવેલી છે. જેથી મોરબી જિલ્લાની અંદર વરસાદ ન હોય કે હોય બન્ને પરિસ્થિતિમાં ખેડૂતોની હાલત દયનીય બની રહી છે. આ વર્ષે મેઘરાજાએ મહેર અને સ્થાનિક જળાશયો ભરાઇ ગયા છે. જેની સામે ડેમના દરવાજા ખોલીને મોટા પ્રમાણમાં જે રીતે પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેના કારણે ખેડૂતોને માથે ઓઢીને રોવાના દિવસો આવી ગયા છે.

મોરબી તાલુકાના ધૂળકોટ ગામના ખેડૂતો છેલ્લા ત્રણ વર્ષથી નુકશાની કરી રહ્યાં છે. જેથી કરીને આ વર્ષે સારો પાક આવશે, તેવી દરેક ખેડૂતને આશા હતી. જો કે, ભારે વરસાદ આ વર્ષે પણ પડ્યો છે. જેના કારણે ડેમમાંથી જે રીતે મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો છોડવામાં આવ્યો હતો. જેને લઈને ખેડૂતોની જમીનને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. હાલમાં ખેતરમાંથી કાળીમાટી તેમજ કાંપવાળી માટી નીકળી ગઈ હોવાથી લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ ખેતરોમાં ફરી પાછી પાકની આ વર્ષે તો ઠીક આગામી બે વર્ષ સુધી ઉપજ લઇ શકે તેમ નથી તેવું ખેડૂત કહી રહ્યાં છે. ખેડૂતો ઉપર દર વર્ષે આવતી આ અકુદરતી આફતનું સરકાર દ્વારા નિવારણ લઇ આવવામાં આવે તે જરૂરી છે, નહીં તો આગામી દિવસોમાં ખેડૂતોને તેના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની જશે.

જો વરસાદ ન હોય તો ખેડૂતો પાક લઈ શકતા નથી. જો વરસાદ હોય તો ડેમમાંથી પાણી છોડવામાં આવે એટલે તેમનો પાક ધોવાઇ જાય છે. આવા સંજોગોની વચ્ચે ખેડૂતોને કેવી રીતે જીવવું અને પોતાનું ગુજરાન ચલાવવું તે સૌથી મોટો પ્રશ્ન છે, ત્યારે ડેમી-૩ ડેમની નીચેના વિસ્તારમાં જેટલા પણ ખેડૂતોની જમીન આવે છે. આ તમામ ખેડૂતોના ખેતરોમાં મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી જ રીતે આ વર્ષે પણ નુકસાની થઇ છે. જેથી સરકાર તરફથી તાત્કાલીક સર્વે કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકોએ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.