ETV Bharat / state

Tiranga Yatra 2023 : લુણાવાડામાં ઐતિહાસિક ભવ્ય તિરંગા પદયાત્રા યોજાઈ, નગરમાં દેશભક્તિનો માહોલ છવાયો

author img

By

Published : Aug 15, 2023, 10:20 AM IST

મહીસાગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા હર ઘર તિરંગા યાત્રાનો આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રાનું પ્રસ્થાન શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરના હસ્તે કરાયું હતું. લુણાવાડા નગરના ઇન્દિરા મેદાન ખાતેથી તિરંગા યાત્રા નીકળી નગરના મુખ્ય બજારમાં ફરી હતી. નગરમાં તિરંગા યાત્રા નીકળતા સમગ્ર વાતાવરણ દેશ ભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું.

Tiranga Yatra 2023
Tiranga Yatra 2023

લુણાવાડામાં ઐતિહાસિક ભવ્ય તિરંગા પદયાત્રા યોજાઈ

મહીસાગર : આઝાદીના અમૃતકાળમાં હર ઘર તિરંગાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે. તે અંતર્ગત 77 મા સ્વાતંત્ર્ય પર્વના ઉપલક્ષ્યમાં મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા મથક લુણાવાડા ખાતેથી ભવ્ય તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. અખંડ ભારતની એકતાના યશગાન ગાતી આ તિરંગા પદયાત્રામાં શિક્ષણ પ્રધાન કુબેરભાઈ ડિંડોર, સાંસદ રતનસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર, બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

ઐતિહાસિક તિરંગા યાત્રા : આ પદયાત્રા એટલી લાંબી હતી કે, ઇન્દિરા મેદાનથી શરૂ થયેલ પદયાત્રા નગરના વિવિધ વિસ્તારોમાંથી પરત ફરીને આવી ત્યાં સુધી પદયાત્રામાં નગરજનો જોડાઇ રહ્યા હતા. આ ઐતિહાસિક ભવ્ય પદયાત્રાના પગલે સમગ્ર લુણાવાડા નગરમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો. તિરંગા યાત્રામાં બુરહાની સ્કાઉટ બેન્ડ અને પોલીસ બેન્ડે આકર્ષણ જમાવ્યું હતું. નગરમાં ઠેરઠેર પુષ્પવર્ષાના પગલે પદયાત્રીઓનો ઉત્સાહ વધી રહ્યો હતો. દેશભક્તિના નારાથી સમગ્ર નગરનું વાતાવરણ ગુંજી રહ્યું હતું.

હર ઘર તિરંગા : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વતંત્રતા પર્વના અવસરે તા.13 થી 15 ઓગસ્ટ, 2023 દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ત્યારે લુણાવાડા ખાતે વંદે માતરમ ભારત માતા કી જયના નારાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. આ યાત્રામાં યુવાનો જોડાયા હતા.

તિરંગાની તાકાત અનુભવવાનો અને રાષ્ટ્રપ્રેમ ઉજાગર કરવાનો આ રાષ્ટ્ર ભક્તિ સભર અવસર છે. ગુલામીની બેડીઓમાંથી દેશને આઝાદી અપાવનાર લાખો સ્વાતંત્ર્ય વીરોની બલિદાન ગાથાને અંજલિ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા-દર્શન હેઠળ સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.-- કુબેરભાઈ ડિંડોર (શિક્ષણ પ્રધાન)

તિરંગાની તાકાત : આ તકે શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે, તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. એ બાબત તિરંગાની તાકાત પ્રદર્શિત કરે છે. આપના દેશ માટે શહીદોને યાદ કર્યા છે, આપણાં વિરોને યાદ કર્યા છે. મિટ્ટી કો નમન આપણી માતૃભૂમિ છે. તેને વંદન કરીને આપણા દેશ માટે રાષ્ટ્ર માટે યોગદાન આપણે આપીએ. યુવાનો મહાપુરુષોના જીવનમાંથી માર્ગદર્શન લઈને દેશના ઉત્થાન અને વિકાસમાં યોગદાન આપે. આવનારા સમયમાં આપણો દેશ મહાસત્તા બનવા તરફ જઈ રહ્યો છે.

સ્વાતંત્ર્ય વીરોને વંદન : ભારત દેશ આજે વિશ્વની આર્થિક મહાસત્તામાં પાંચમા નંબરે બનવા જઈ રહ્યો છે. તે ગૌરવની બાબત છે. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી સૌ કોઈ માટે ગૌરવનું પ્રતીક બની રહે તેવી શુભેચ્છાઓ કુબેર ડિંડોરે વ્યક્ત કરી હતી. આઝાદી માટે લડત આપનાર સૌ કોઈ સ્વાતંત્ર્ય વીરોને નત મસ્તક થઈ વંદન કર્યા હતા.

  1. Tiranga Yatra 2023 : નવસારીમાં ભવ્ય તિરંગા યાત્રા, 75 મીટર લાંબો તિરંગો યાત્રાનું મુખ્ય આકર્ષણ
  2. Kutch Tiranga Yatra: પૂર્વ કચ્છ ગાંધીધામમાં વિશાળ તિરંગા યાત્રા યોજાઈ, ગૃહપ્રધાન હર્ષ સંઘવી રહ્યા હાજર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.