ETV Bharat / state

કચ્છની સરહદ ડેરી અમૂલના સથવારે ફળોના રસના માર્કેટમાં ઝંપલાવશે

author img

By

Published : Oct 11, 2020, 3:11 PM IST

Updated : Oct 12, 2020, 10:27 AM IST

સમગ્ર દેશમાં વર્ષોથી પ્રખ્યાત એવી અમૂલ બ્રાન્ડ દ્વારા દૂધ અને તેની અલગ-અલગ બનાવટોના ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે. અમૂલ વડે લાખો ખેડૂતોના જીવનમાં આર્થિક ક્રાંતિ આવી છે. ત્યારે કચ્છની સરહદ ડેરી હવે અમૂલ સાથે જોડાઇ આગામી સમયમાં ફળોના રસ અને અન્ય વિવિધ વેરાયટીના માર્કેટમાં ઝંપલાવશે.

news of kutch district
કચ્છની સરહદ ડેરી

કચ્છઃ કચ્છના બાગાયતી પાકો જેમ કે કેરી, ખારેક અને દાડમના રસ વગેરેનો ઉપયોગ કરીને નવા ઉત્પાદનો બજારમાં મૂકવામાં આવશે. આ દ્વારા કચ્છની સરહદ ડેરી અને અમૂલ સાથે મળીને નવી ક્રાંતિ તરફ ડગ માંડશે. કચ્છની સરહદ ડેરીના ચેરમેન, અમૂલના વાઇસ ચેરમેન અને કચ્છ કુરિયનની વિશેષ ઉપાધિ ધરાવતા વલમજી હુંબલે આ બાબતે ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.

કચ્છની સરહદ ડેરી અમૂલના સથવારે ફળોના રસના માર્કેટમાં ઝંપલાવશે

વલમજીભાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી સરહદ ડેરી આ બાગાયતી પાકોના માર્કેટ તરફ જવાનું વિચારી રહી છે. તાજેતરમાં મને અમૂલના ઉપપ્રમુખની જવાબદારી મળી છે. ત્યારે કચ્છના ખારેક, આંબા અને દાડમના પાકોના ખેડૂતોના સંગાથે આ યોજના વિચારણા હેઠળ છે. ત્યારે અમૂલ બ્રાન્ડના સંગાથે સરહદ ડેરી આ સાહસ ખેડવાની આગેવાની લેશે.

કચ્છમાં એકથી ત્રણ કેરેટના શાકભાજી અને ફળોની બજાર છે, જ્યાં એ ગ્રેડના પાક તાત્કાલિક વેચાઈ જાય તે સ્વાભાવિક છે, પણ બી અને સી ગ્રેડના પાક જે બાગાયતી પાકો છે. તેમાં ખાસ વેચાણ ન થતા ખેડૂતો હેરાનગતિ ભોગવતા હોય છે. પરંતુ અમૂલના સહયોગ વડે આ પાકોના પણ ખેડૂતોને સારા ભાવ મળશે, તેમજ ગ્રાહકોને ઉત્પાદનોની વેરાયટી મળતી થશે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશમાં આ પ્રોજેક્ટ ચોક્કસપણે મદદ કરશે. આ માટે ખેડૂતોના પાકની તાલુકા સ્તરેથી અથવા ગ્રામ્ય સ્તરેથી જ ખરીદી કરાશે તેમજ વધુને વધુ બાગાયતી પાકો ઉગાડવાની ખેડૂતોને પ્રેરણા પણ મળશે.

Last Updated : Oct 12, 2020, 10:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.