ETV Bharat / state

Reality Check: કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે ભૂજમાં 3 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત, વધુ 2 નિર્માણાધિન

author img

By

Published : Sep 8, 2021, 5:59 PM IST

સમગ્ર વિશ્વ વૈશ્વિક મહામારી કોરોનાનો છેલ્લાં દોઢેક વર્ષથી સામનો કરી રહ્યું છે. મહામારીની બે લહેરો જઈ ચૂકી છે અને સંભવિત ત્રીજી લહેર કોઈ પણ સમયે આવી શકે છે. ત્યારે ભૂજમાં આ સંભવિત ત્રીજી લહેરને લઈને શું વ્યવસ્થા રાખવામાં આવી છે. તેની ચકાસણી કરવા માટે ETV Bharat દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યો હતો.

કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે ભૂજમાં 3 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત
કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે ભૂજમાં 3 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત

  • ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને થઈ રહી છે તૈયારી
  • ભૂજમાં હાલ 3 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે
  • અન્ય 2 સ્થળોએ પ્લાન્ટ બનાવવાની કામગીરી શરૂ

ભૂજ: આવનારા દિવસોમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને ETV Bharat દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં તેની અગમચેતીના ભાગરૂપે શું વ્યવસ્થા રાખવામાં આવી છે, તેનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે કચ્છના ભૂજમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, હાલમાં સમગ્ર શહેરમાં કુલ 3 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત હોવાનું અને વધુ 2 નિર્માણ પામી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે, સ્મશાનમાં હાલ કોરોનાની ત્રીજી લહેરને લઈને કોઈ વધારાની તૈયારી ન કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે ભૂજમાં 3 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત

વેપોરાઈઝ્ડ લિક્વિડ ઓક્સિજનને ગેસના સ્વરૂપમાં પરિવર્તિત કરે તેવો પ્લાન્ટ કાર્યરત

ભૂજના જી. કે. જનરલ હોસ્પિટલ ખાતે હાલમાં 4 ઓક્સિજન પ્લાન્ટ છે. જેમાંથી 3 પ્લાન્ટ PSA ઓક્સિજન પ્લાન્ટ છે, તથા એક લિક્વિડ ઓક્સિજનનો પ્લાન્ટ કાર્યરત છે. આ ઓક્સિજન ટેન્કમાં ભરવામાં આવતો ઓક્સિજન લિક્વિડ (પ્રવાહી) ફોર્મમાં હોય છે અને જે પ્લાન્ટના મહત્વના ગણાતા ઉપકરણ એવા વેપોરાઈઝ્ડ યુનિટ પ્રવાહી ઓક્સિજનને ગેસ વાયુના સ્વરૂપમાં પરિવર્તિત કરે છે અને આ પરિવર્તિત થયેલો ગેસ અર્થાત્ ઓક્સિજન પ્લાન્ટ સાથે જ જોડીને બનાવવામાં આવી રહેલા 1,500 મીટરની પાઈપલાઈન મારફતે 10,000 લિટર પર મિનિટે (LPM) ઑક્સિજન હોસ્પિટલના બેડ સુધી પહોંચે છે. આ ઉપરાંત આ ટેન્કમાં 1,500થી 1,700 જમ્બો સિલિન્ડર જેટલો ગેસ સંગ્રહ કરવાનું સામર્થ્ય પણ છે.

લેઉવા પટેલ હોસ્પિટલ અને સમરસ બોય્ઝ હોસ્ટેલમાં નિર્માણ પામી રહ્યા છે ઓક્સિજન પ્લાન્ટ

ભૂજના લેઉવા પટેલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો ત્યાં 2 PSA ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે. આ ઉપરાંત એક લિક્વિડ ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ થઈ રહ્યું છે. જેમાં 200 સિલિન્ડર એક સાથે ભરી શકાય તેટલી કાર્યક્ષમતા રહેશે. આ ઉપરાંત સમરસ હોસ્ટેલ ખાતે પણ હાલમાં એક લિક્વિડ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે અને બીજા 2 ઓક્સિજન પ્લાન્ટ નિર્માણ પામી રહ્યા છે. જેમાંથી 250-250 જેટલા સિલિન્ડર ભરી શકાશે.

કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે ભૂજમાં 3 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત
કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે ભૂજમાં 3 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત

સ્મશાનમાં હાલ પૂરતા પ્રમાણમાં લાકડા ઉપલબ્ધ

સ્મશાનની વાત કરવામાં આવે તો હાલમાં ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કોઈ વધારાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી. સ્મશાનમાં બે ગેસ સંચાલિત ભઠ્ઠીઓ છે. જો મૃતદેહની સંખ્યા વધારે હોય તો લાકડાનો ઉપયોગ કરીને અગ્નિસંસ્કાર આપવામાં આવે છે અને હાલમાં પૂરતા પ્રમાણમાં લાકડા પણ ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું છે.

જાણો શું કહ્યું જિલ્લા મુખ્ય અધિકારીએ?

આ અંગે જિલ્લા મુખ્ય અધિકારી ડૉ. જનકકુમાર માઢકે ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, "હાલમાં 3 જગ્યાએ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે અને આ ઉપરાંત લેઉવા પટેલ હોસ્પિટલમાં 1 તથા સમરસ બોય્ઝ હોસ્ટેલમાં 2 ઓક્સિજન પ્લાન્ટ નિર્માણ પામી રહ્યા છે." આમ, સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને ભૂજ શહેરમાં ઓક્સિજનની કમી ન રહે તે માટે પૂરતી તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.