ETV Bharat / state

Kutchh News: ભૂજની સમરસ હોસ્ટેલના કેટરર્સ સંચાલક સામે કેમ થઈ પોલીસ ફરિયાદ ?

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 5, 2024, 12:48 PM IST

ભૂજની સમરસ કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓને પીરસવામાં આવતા ભોજન મામલે હોસ્ટેલના કેટરર્સ સંચાલકને હવે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. હોસ્ટેલની 250 જેટલી વિદ્યાર્થિનીઓના આરોગ્ય સાથે ચેડાં કરવા બદલ ચામુંડા કેટરર્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે જાણો આખરે શું હતો સમગ્ર મામલો ?

ભૂજની સમરસ હોસ્ટેલના કેટરર્સ સંચાલક સામે કેમ થઈ પોલીસ ફરિયાદ
ભૂજની સમરસ હોસ્ટેલના કેટરર્સ સંચાલક સામે કેમ થઈ પોલીસ ફરિયાદ

ભુજ: સમરસ કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓે માટે બનાવાતા ભોજનમાં કેટરર્સ સંચાલક વાસી શાકભાજી વાપરતો હોવાનું ધ્યાનમાં આવતા આખરે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન ભીખુસિંહ પરમારે આ હોસ્ટેલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન હોસ્ટેલની રસોઈમાં વાસી શાકભાજીનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું. રસોડામાં વાસી શાકભાજી દેખાતાં આ મામલો મુખ્યપ્રધાન સુધી પહોંચ્યો હતો અને ત્યાર બાદ આ મામલે છાત્રાલયમાં ભોજનની સેવા પૂરી પાડનારી કેટરર્સ કંપની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સરકારની વિવિધ હોસ્ટેલો અને એકમો ઉપરાંત શાળા અને આંગણવાડીમાં ભોજન પીરસવા માટે ખાનગી કેટરર્સ કે સંચાલકોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને તેમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદ વખતોવખત આવતી હોય છે.

કેટરર્સ સંચાલક સામે પોલીસ ફરિયાદ: રાજ્યમાં આ સંભવત પ્રથમ જ બનાવ છે, જેમાં સમરસ છાત્રાલયમાં ભોજન પીરસનાર કોન્ટ્રાક્ટર સામે વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડાં કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બી-ડિવિઝન પોલીસ મથકે અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી-ભુજના નાયબ નિયામક વિનોદભાઇ રોહિતે નોંધાવેલી ફરિયાદ મુજબ 29 ડિસેમ્બર 2023 થી 30 ડિસેમ્બર 2023 સુધી રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના પ્રધાન ભીખુસિંહ પરમાર કચ્છની મુલાકાતે આવ્યા હતા. 30 ડિસેમ્બર 2023ના રોજ કચ્છ યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા સમરસ કન્યા છાત્રાલયની રૂબરૂ મુલાકાતમાં છાત્રાઓએ ભોજન સંબંધિત ફરિયાદ કરતાં ભિખુસિંહે ભોજન કક્ષની મુલાકાત લેતાં ત્યાં વાસી શાકભાજી જોવા મળતાં સંબંધિત કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવવા ફરિયાદીને સૂચના આપી હતી.

250 છાત્રાઓના આરોગ્ય સાથે ચેડાં: નોટિસ પાઠવ્યા છતાં અને અવાર-નવાર મૌખિક સૂચના આપવા છતાં કોન્ટ્રાક્ટર તરફથી કોઇ સુધારો ન થતાં આખરે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. વિનોદભાઈએ જણાવ્યું હતું કે આરોપી શ્રી ચામુંડા કેટરર્સ, કુવાડવા, મેસાવાડા, જામનગર, જિલ્લો રાજકોટ કોન્ટ્રાક્ટર કંપની વિરુદ્ધ ભુજના સમરસ કન્યા છાત્રાલયમાં 250 વિદ્યાર્થિનીઓની અવાર-નવાર રજૂઆત કરવા છતાં ગુજરાત સરકારના કોન્ટ્રાક્ટરના નિયમો અને શરતોનું અવારનવાર ઉલ્લંઘન કરવામાં આવ્યું, અને બગડેલા શાકભાજીથી ફૂડ પોઇઝનિંગ જેવી ગંભીર બીમારી ફેલાઇ શકે તેમ જાણવા છતાં પોતાના અંગત ફાયદા માટે આવી શાકભાજીનો રસોઇમાં ઉપયોગ કર્યો અને છાત્રાલયની 250 વિદ્યાર્થિનીના આરોગ્ય સાથે ચેડાં કરી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલે ભુજ બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  1. Kutch News: કચ્છી કલાકારે રોગાન કલામાં રામ મંદિરની આબેહૂબ કૃતિ 3 દિવસમાં તૈયાર કરી
  2. Bhuj Iconic Bus Port: એરપોર્ટને ટક્કર મારે છે ભુજનું નવું બસ પોર્ટ, કેવો રહ્યો મુસાફરોનો અનુભવ ?

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.