ETV Bharat / state

Kutch Vrajbhasha Pathshala : કચ્છની વ્રજભાષા પાઠશાળા જેણે આપ્યાં રાજકવિ, ગૌરવપૂર્ણ ઇતિહાસની સફર

author img

By

Published : Mar 3, 2023, 8:46 PM IST

સંસ્કૃત ભણવા કાશી હતું તેમ કવિતા શીખવા માટે રાજાશાહીના સમયમાં કચ્છ જાણીતું હતું. કચ્છની વ્રજભાષા પાઠશાળામાં ભણેલા વિદ્યાવંતોની રાજાશાહી યુગમાં 'રાજકવિ' તરીકેની નિમણૂકો થતી. ગુજરાતના પ્રખ્યાત કવિ દલપતરામ અને સ્વામિનારાયણ સંપ્રદાયના જાણીતા કવિ બ્રહ્માનંદ સ્વામી સહિતના કવિઓ ભુજની વ્રજભાષા પાઠશાળામાં કાવ્યશાસ્ત્રના પાઠ શીખ્યા હતા.

Kutch Vrajbhasha Pathshala : કચ્છની વ્રજભાષા પાઠશાળા જેણે આપ્યાં રાજકવિ, ગૌરવપૂર્ણ ઇતિહાસની સફર
Kutch Vrajbhasha Pathshala : કચ્છની વ્રજભાષા પાઠશાળા જેણે આપ્યાં રાજકવિ, ગૌરવપૂર્ણ ઇતિહાસની સફર

મહારાઓ લખપતજીએ ભારતવર્ષમાં અજોડ એવી વૃજભાષા પાઠશાળાની 1752માં સ્થાપના કરી હતી

ભુજ : રાજાશાહી વખતે કચ્છમાં 250 વર્ષ પહેલાં કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે વ્રજભાષા પાઠશાળા ભુજમાં હતી. જેમાં કવિ બનવા માંગતા તેજસ્વી વિદ્યાર્થીઓને પિંગળ શાસ્ત્રનું વિધિસરનું શિક્ષણ નિષ્ણાતો દ્વારા અપાતું. અહીંથી અભ્યાસ કરીને કવિ બનેલા નિષ્ણાંતો રાજકવિ કહેવાતા હતા. તો આ વ્રજભાષા પાઠશાળા ગુજરાત કે ભારત જ નહીં, વિશ્વભરમાં આ પ્રકારની એકમાત્ર કાવ્ય શાળા હતી. અહીં કવિ દલપતરામ અને બ્રહ્માનંદ સ્વામી પણ વ્રજભાષા પાઠશાળામાં કાવ્યશાસ્ત્રના પાઠ શીખ્યાં હતાં.

કવિતા માટે રાજાશાહીના સમયે કચ્છ જાણીતું : વિશ્વમાં જે લોકોને સંસ્કૃત અંગે પાઠ ભણવા હોય તેઓ સંસ્કૃત માટે પ્રખ્યાત કાશીએ જ્યાં હતા તેમ કવિતા માટે રાજાશાહીના સમયે કચ્છ જાણીતું હતું. વ્રજભાષા પાઠશાળામાં પાંચથી સાત વર્ષનો અભ્યાસક્રમ હતો અને તેના આધાર પર રાજાશાહી યુગમાં 'રાજકવિ'ની નિમણૂકો થતી. ગુજરાતના પ્રખ્યાત કવિ દલપતરામ અને સ્વામિનારાયણ સંપ્રદાયના જાણીતા કવિ બ્રહ્માનંદ સ્વામી સહિતના કવિઓએ ભુજની વ્રજભાષા પાઠશાળામાં કાવ્યશાસ્ત્રના પાઠ શીખ્યા હતા.

મહારાઓ લખપતજીએ વૃજભાષા પાઠશાળાની સ્થાપના કરી : વ્રજભાષા પાઠશાળા અંગે ઈટીવી ભારત સાથે વાતચીત કરતાં ભૂતપૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીએ જણાવ્યું હતું કે, હમીરજી રત્નું એ કચ્છના મહારાઓ દેશળજી પહેલાના રાજકવિ હતા. મહારાઓ દેશળજી પહેલા (શાસનકાળ સવંત 100-1808 સને 1719–1752) કે જેઓને કચ્છમાં દેશરા કે પરમેશ્વરાના બિરૂદથી ઓળખવામાં આવે છે. તેમના વારસ મહારાઓ લખપતજીએ ભારતવર્ષમાં અજોડ એવી વૃજભાષા પાઠશાળાની 1752માં સ્થાપના કરી હતી. તેમનો શાસનકાળ સવંત 1808 થી 1817, ઈ.સ. 1752 થી 1761 નો હતો. હમીરજી રત્નું મહારાઓ લખપતજીના વિદ્યાગુરૂ હતા.

આ પણ વાંચો 5 હજાર વર્ષ જૂની હડપ્પન સભ્યતા હવે જોવા મળી રહી છે અજરખ બ્લોક પ્રિન્ટમાં

મહારાવ લખપતજી સાહિત્ય પ્રેમી : વૃજભાષા પાઠશાળાના ઇતિહાસની વાત કરવામાં આવે તો 18મી સદીમાં વ્રજભાષા કેવળ વ્રજની જ બોલી ન રહેતાં વિશાળ ભૂખંડની કાવ્યભાષા બની ગઈ હતી. વ્રજભાષાના માધુર્યસહજ ગુણે લોકોના હૈંયામાં સ્થાન જમાવ્યું હતું. આ સમયમાં મહારાવ લખપતજી કચ્છની રાજગાદી પર બેઠાં. લખપતજી કલામર્મજ્ઞ હતાં,સાહિત્યપ્રેમી હતાં અને સર્જક પણ હતા. તેમણે પોતે છંદશાસ્ત્ર, રસશાસ્ત્ર તથા પિંગળનો અભ્યાસ કર્યો હતો. એટલે એમના દરબારમાં કોઈ વિખ્યાત રાજકવિઓ અને વિદ્યાગુરુઓ આવતા તે સૌને બહુમાન આપવામાં આવતું હતું

પાઠશાળાની સ્થાપનામાં હમીરજી રત્નનું યોગદાન : અમૂલ્ય મહારાઓ લખપતજી દ્વારા શરૂ કરવામાં આવેલ વૃજભાષા પાઠશાળાની સ્થાપનામાં હમીરજી રત્નુનું યોગદાન અમૂલ્ય હતું. આ પાઠશાળામાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ માટે રહેવાજમવાની બધી સગવડ કચ્છ રાજય દ્વારા કરવામાં આવતી હતી. જે પ્રથા મહારાઓ લખપતજીથી લઈ તેમના પછીના તેમનાં વા૨સ મહારાઓ મદનસિંહજી સુધી ખૂબ જ સારી રીતે નિભાવવામાં આવી હતી. મહારાઓ મદનસિંહજીએ પોતાના કચ્છ રાજયનું જોડાણ જૂન 1948 માં ભારતના ગણતંત્ર રાજય સાથે કચ્છ મર્જર એગ્રીમેન્ટ પર સહી કરીને કર્યું હતું.

આ પણ વાંચો Sanskrit Live in Concert in Kutch : કચ્છમાં સંસ્કૃત લાઈવ ઈન કોન્સર્ટ યોજાશે, બોલીવુડ સોંગ સંસ્કૃતમાં સાંભળવાનો લહાવો મળશે

હિન્દી કાવ્ય સાહિત્યના ઉત્કર્ષમાં પણ કચ્છની પાઠશાળાનો મહત્ત્વનો ભાગ : વૃજભાષા પાઠશાળામાં ઉચ્ચ કોટિનું સાહિત્ય ભણાવવામાં આવતું. હિન્દી સાહિત્યની તમામ પરંપરાઓ અને સ્વરૂપનો અભ્યાસ કરાતો. કાવ્ય રચનાના તમામ પાસા એટલે કે રસ, છંદ, અલંકાર, રીતિ, વક્રોક્તિ, ધ્વનિ, નાયિકાભેદ, કાવ્યદોષ, કાવ્યગુણ અને શબ્દશક્તિનો વિદ્યાર્થીઓને ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવવામાં આવતો હતો. બીજી રીતે કહીએ તો હિન્દી કાવ્ય સાહિત્યના ઉત્કર્ષમાં પણ કચ્છની પાઠશાળાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ભારતને સ્વતંત્રતા મળી ત્યારે આપણી સંસ્કૃતિનું રક્ષણ કરવામાં વૃજભાષા, પિંગલ અને ફિગલ સાહિત્યનું ઘણું મોટું પ્રદાન હતું તેવું શિક્ષણ આપતી ભારતની એકમાત્ર વૃજભાષા પાઠશાળાને કોઈપણ જાતનો વિચાર કર્યા વગર બંધ કરી દેવામાં આવી.

કચ્છમાં પાઠશાળા ફરીથી શરૂ થાય તે માટેનાં ઘણા પ્રયાસો : પુષ્પદાન ગઢવીના પિતાજી શંભુદાનજી ગઢવીએ આ પાઠશાળામાં 7 વર્ષ સુધી અભ્યાસ મેળવ્યો હતો અને પાઠશાળાનાં અંતિમ આચાર્ય તરીકે સેવા આપવાનો તેમને અવસર પણ પ્રાપ્ત કર્યો હતો. તેઓને આ પાઠશાળા બંધ થવાનો ઘણો દુઃખ હતો અને આપણી લૌકશાહીનાં પ્રજાતંત્રમાં આ જાતનું પ્રશિક્ષણ આપતી પાઠશાળા ફરીથી કચ્છમાં શરૂ થાય તે માટેનાં ઘણા પ્રયાસો કર્યા હતા.

ચારણી સાહિત્યનું મહત્ત્વ : આ સાહિત્યના ક્ષેત્રનો અભ્યાસ અને જાળવણી ચારણો તરફથી વિશેષરૂપે કરવામાં આવતી વૃજભાષા, પિંગલ તથા ડિંગલ સાહિત્યને સામાન્ય રીતે અને પ્રચલિત માન્યતા પ્રમાણે તેને જનસમાજમાં "ચારણી સાહિત્ય" તરીકે ઓળખવામાં આવે છે. આ ચારણી સાહિત્ય એ કોઈ જાતિવાચક નામથી ઓળખાતું સાહિત્ય નથી. પરંતુ વિશેષ કરીને આ સાહિત્યના ક્ષેત્રનો અભ્યાસ અને તેની જાણકારી અને જાળવણી ચારણો તરફથી વિશેષરૂપે કરવામાં આવતી અને ચારણોને સરસ્વતી પુત્ર-સરસ્વતીના ઉપાસક તરીકે ઓળખવામાં આવતા તેથી આ સાહિત્યને ચારણી સાહિત્ય તરીકે ઓળખવામાં આવતું હતું.

ઝવેરચંદ મેઘાણી લોકકલા સાહિત્ય કેન્દ્ર : ભૂતપૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીના પિતા શંભુદાન ગઢવી આ વૃજભાષા પાઠશાળાના છેલ્લા આચાર્ય હતા. જેમની જન્મ શતાબ્દી 2010માં ઉજવવમાં આવી હતી. ત્યારે ભુજમાં હાલમાં દેશના વડાપ્રધાન અને એ સમયે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. એ વખતે વ્રજભાષા પાઠશાળાને પુનઃજીવિત કરવાનો અનુરોધ જુદા જુદા ઇતિહાસકારો અને કવિઓ તેમજ વક્તાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. પરિણામે વર્ષ 2012માં સરકારની 25 લાખની ગ્રાન્ટ સહાયને સહારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 'ઝવેરચંદ મેઘાણી લોકકલા સાહિત્ય કેન્દ્ર' શરૂ કરવામાં આવ્યું હતું. લોકસાહિત્ય અને ચારણીસાહિત્યને પ્રોત્સાહન મળે એ પ્રકારની પ્રવૃત્તિઓ ભુજમાં આજે કરવાની જરૂર છે અને તેના માટે આજે પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.